વડીલોને સંતોષ આપતી નવી પેઢીની પહેલ કઝિન્સ ક્લબ

Published: 15th November, 2011 09:49 IST

સ્વજનો-સંબંધીઓની સર્પોટ સિસ્ટમ એક મૂલ્યવાન મૂડીથી જરાય કમ નથી. એનાથી જિંદગીમાં આવતી ખુશીના અવસરનો ઉમંગ અને ઉત્સાહ બમણો વર્તાય છે અને દુ:ખનો પ્રસંગ જ્યારે ઘટે છે ત્યારે એનો આઘાત ને ઘા પણ જાણે વહેંચાઈને ઓછા થઈ જાય છે(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

‘આ દિવાળીમાં અમારે બહુ નિરાંત હતી. ક્યાંય જવાનું નહોતું.’

રીનાની આ વાત સાંભળીને તેની ફ્રેન્ડ સુમીને બન્ને વાતની નવાઈ લાગી. એક તો તેને ક્યાંક જવાનું નહોતું અને બીજી, તેને એ વાતની નિરાંત લાગતી હતી! સુમી પરણીને સાસરે આવી પછી તો તેને નવા વરસ નિમિત્તે જવાનું હોય એવાં ઘરોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. પિયરના સ્વજનો અને સાસરાનાં સગાંઓ, પોતાનું તેમ જ સમીરનું

ફ્રેન્ડ-સર્કલ્સ એમ તેનું વતુર્ળ ખાસ્સું મોટું થઈ ગયું છે. તેણે રીનાને કહ્યું, ‘અમારે તો અઠવાડિયા સુધી જવા-આવવાનું ચાલે, જોને આજે પણ અમે સમીરના ફ્રેન્ડને ત્યાં જવાના છીએ.’

રીનાએ સુમીને પૂછ્યું, ‘ખરેખર તને આટલા બધા લોકોને ત્યાં જવાનું ને પછી તેમને એન્ટરટેઇન કરવા- એવું બધું ગમે છે? મને તો કંટાળો આવે ભઈ!’

સુમીએ જ્યારે કહ્યું કે તે તો આ માટે જ દિવાળી, નવા વર્ષની રાહ જોતી રહી છે ત્યારે તો રીનાની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

આજના આ ફાસ્ટ પેસ્ડ સમયમાં કદાચ રીના જેવી વ્યક્તિઓ મેજોરિટીમાં હશે, પરંતુ સુમી જેવા લોકોને મળીએ ત્યારે સમજાય કે તેમની પાસે સ્વજનો-સંબંધીઓની જે સર્પોટ સિસ્ટમ છે એ એક મૂલ્યવાન મૂડીથી જરાય કમ નથી. તેમની જિંદગીમાં કોઈ પણ ખુશીનો અવસર આવે છે ત્યારે તેનો ઉમંગ અને ઉત્સાહ બમણો વર્તાય છે તો દુ:ખનો પ્રસંગ ઘટે છે ત્યારે તેનો આઘાત અને ઘા જાણે વહેંચાઈને ઓછા થઈ જાય છે. એક નવા વર્ષો સુમીના ઘરે સાલ મુબારક કરવા ગઈ ત્યારે તેને ત્યાં તેનાં બધાં ભાઈ-બહેનો, કઝિન્સ મળીને સોળેક જણ ભેગા થયેલા. બધા એકમેક સાથે ઉત્સાહથી વાતો કરતા હતા, મજાક-મસ્તી કરતા હતા અને જૂની વાતો યાદ કરીને હસાહસ કરતા હતા. તેમાંથી બે કઝિન્સનાં મૅરેજ એ જ વરસે થયેલાં એટલે તેમની પત્નીઓને બધા સાથે નજીકથી પરિચય કરાવવાનો એ પ્રસંગ હતો. એ બન્ને પણ આ મેગા એન્જૉયમેન્ટનો ભાગ બનીને ખુશખુશાલ હતી. સુમી કહે છે, ‘આમ તો બિઝી લાઇફમાં બધા ભેગા થઈ શકતા ન હોય એટલે અમે બધાએ નક્કી જ કર્યું છે કે નવા વરસે એક જણને ત્યાં મળવાનું. દરેક કઝિનનો એક વરસે વારો આવે. કોઈને ઘરે ફાવે એમ ન હોય તો બહાર તેના તરફથી ટ્રીટ થાય અને એમ પણ બધા મળીએ જ. આજે હું જેમ મારા સાસરાના ઘરમાં બધાં સગાંસંબંધીને ખૂબ જ નિકટથી ઓળખું છું એમ સમીર પણ મારા ફ્રેન્ડ્સ કે સગાંઓની સાથે ભળી ગયો છે. અમને બન્નેને સંબંધોની આ સમૃદ્ધિથી ઘણો સંતોષ છે.’

આ સાંભળીને થોડા સમય પહેલાં જ એક લગ્ન દરમ્યાન આકાર પામેલી એક ક્લબ યાદ આવી ગઈ. એક છોકરીના લગ્નપ્રસંગે કાકા, મામા, માસી, ફોઈ અને તેમનાં દીકરા-દીકરીઓ ભેગાં થયાં હતાં. ઘણાં બધાં વરસે એ બધાં મળ્યાં હતાં. કેટલાય ચહેરા તો ઓળખાય નહીં એટલી હદે બદલાઈ ગયા હતા અને અનેક નવા ચહેરા પણ ઉમેરાયા હતા, પણ બધા ખૂબ જ એન્જૉય કરતા હતા. કોઈક વડીલ તેમના યુવાન દીકરાને કહેતા હતા, ‘જોયુંને, તમને બધાને એક-બીજાને મળવાની કેટલી મજા આવી? આમ મળો તો ખબર પડે કે આપણાં સગાં કોણ છે, પણ તમે તો સગાંસંબંધીમાં ક્યાંય આવવા જ તૈયાર ન હો.’

એ સાંભળી એક ફોઈની દીકરીએ સૂચન કર્યું કે આપણે બધા દર વરસે ત્રણ-ચાર દિવસ સાથે ક્યાંક રહેવાનો પ્રોગ્રામ કરીએ તો જલસો પડી જાયને? બધાને તેનું સૂચન ગમી ગયું. પછી તો એ સૂચન પર ઘણી ચર્ચા થઈ અને એ ચર્ચાના પરિણામરૂપે રચના થઈ કઝિન્સ ક્લબની.

અગિયારેક કઝિન્સ એ ક્લબના મેમ્બર બની  ગયા. વણલખ્યું બંધારણ પણ નક્કી કરવામાં આવ્યું અને દર વરસે જુદા-જુદા રિસૉર્ટમાં ચાર દિવસ બધા સાથે સ્પેન્ડ કરશે એવું નક્કી કર્યું. એક કઝિને અકાઉન્ટની જવાબદારી લીધી. દરેકે મેમ્બર-ફી પણ ભરી દીધી. એ મૅરેજ અટેન્ડ કરીને સૌ પોતપોતાના ઘરે પાછા ફર્યા ત્યારે દરેકનું સંબંધ વતુર્ળ વિસ્તર્યું હતું. વડીલો ખુશ હતા કે હવે નવી પેઢીનો પરિવાર સાથેનો સંપર્ક સચવાઈ રહેશે. પોતાનાં મૂળિયાં સાથેના સંબંધની કડી પોતે નહીં હોય તોય ચાલતી રહેશે એ વાતનો સંતોષ તેઓ અનુભવી રહ્યા હતા તો દોસ્ત જેવા કઝિન્સ સાથે બૉન્ડિંગ કરીને યંગસ્ટર્સ પણ એક પ્રકારની સ્ટ્રેન્ગ્થ અનુભવી રહ્યા હતા. એ સ્ટ્રેન્ગ્થ સંબંધની હતી, પોતાના રૂટ્સ સાથે જોડાવાથી મળતી ઊર્જા હતી. આ પ્રકારના સંબંધોની તાકાતનો સૌથી વધુ અનુભવ વિપત્તિની પળોમાં આવે છે એનો તો જેણે અનુભવ કર્યો હશે તેને ખ્યાલ જ હશે.

કમાલનો કૉન્સેપ્ટ

આજના ન્યુક્લિયર ફૅમિલીઝના જમાનામાં મોટા ભાગના પરિવારોમાં એક કે બે જ સંતાનો હોય છે એટલે પહેલાંના સંયુક્ત કુટુંબમાં બાળકોને સહિયારા પરિવારમાં રહીને માનવસ્વભાવની ખાસિયતોનો જે પરિચય મળતો અને એક-બીજા સાથે ઍડ્જસ્ટમેન્ટ કરીને રહેવાની જે તાલીમ સ્વાભાવિક રીતે જ મળી જતી એનાથી તેઓ વંચિત રહી જાય છે. એ સંજોગોમાં વરસમાં એક વાર પણ સાથે રહેવાનો પ્રસંગ આવે તો એ તેમને માટે એજ્યુકેટિંગ બની રહે. એ દૃષ્ટિએ સગપણમાં મૈત્રીની મીઠાશ ઘોળતો કઝિન્સ ક્લબનો કૉન્સેપ્ટ આજના સમયમાં તો વધુ ઉપયોગી અને અર્થપૂર્ણ બની શકે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK