સંસદમાં ગાંધી પરિવારની સુરક્ષા, જેએનયુ મુદ્દે હોબાળો

Published: 20th November, 2019 10:16 IST | New Delhi

ગાંધી પરિવારના સભ્યોનો જીવ જોખમમાં: લોકસભામાં કૉન્ગ્રેસનો દાવો, સુરક્ષા મામલે સરકાર પાસે જવાબ માગ્યો. રાજ્યસભામાં કાશ્મીર અને જેએનયુ મુદ્દો ગાજ્યો, વિપક્ષનું હલ્લાબોલ.

લોકસભામાં સ્પીકર સમક્ષ વિરોધ-પ્રદર્શન કરતા સભ્યો. તસવીર : પી.ટી.આઇ.
લોકસભામાં સ્પીકર સમક્ષ વિરોધ-પ્રદર્શન કરતા સભ્યો. તસવીર : પી.ટી.આઇ.

સંસદના શિયાળુ સત્રના આજે બીજા દિવસે મંગળવારે  લોકસભા અને રાજ્યસભાની બેઠકો હંગામા સાથે શરૂ થઈ હતી. લોકસભામાં કૉન્ગ્રેસ-એનસીપી અને ડીએમકેના સભ્યોએ મોદી સરકાર દ્વારા કૉન્ગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની  એસપીજીની સુરક્ષા પાછી ખેંચવાના મુદ્દે પ્રશ્નોતરી સમયકાળ દરમ્યાન ભારે હોબાળો મચાવ્યો હતો. તો રાજ્યસભામાં જેએનયુમાં મચેલી ધમાલ અને પોલીસ લાઠીચાર્જનો મુદ્દો ગાજ્યો હતો. પરિણામે બપોરના ૨ વાગ્યા સુધી સદનની કામગીરી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.
લોકસભામાં આજે જેવી બેઠક શરૂ થઈ કે તરત જ  કૉન્ગ્રેસ દ્વારા તેમના નેતાઓની સુરક્ષાનો મામલો ઉઠાવાયો હતો અને હંગામો મચાવ્યો હતો.  ‘બદલાની રાજનીતિ બંધ કરો’, ‘અમને ન્યાય આપો...’ના સૂત્રો પોકારતાં અધ્યક્ષના સ્થાન નજીક પહોંચ્યા હતા. જો કે તે પછી ઝીરો અવર દરમ્યાન આ પક્ષના સભ્યો વૉકઆઉટ કરીને ગૃહની બહાર નીકળી ગયા હતા.  ઝીરો અવર દરમ્યાન કૉન્ગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આ વિષયને આગળ વધારવાનો પ્રયાસ કરતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે કૉન્ગ્રેસ સભ્યોએ આ મુદ્દાને નિયમો હેઠળ પહેલેથી જ ઊભા કર્યા છે તેથી આ તબક્કે આ મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી.
ચૌધરીએ કહ્યું કે ગાંધી પરિવારના સભ્યોના જીવ જોખમમાં છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોઈ સામાન્ય લોકો નથી. તત્કાલીન વડા પ્રધાન વાજપેયીજીએ ગાંધી પરિવાર માટે વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી)ની સુરક્ષાની મંજૂરી આપી હતી. ૧૯૯૧-૨૦૧૯ વચ્ચે એનડીએ બે વાર સત્તામાં આવ્યું પરંતુ તેમનું એસપીજી કવર ક્યારેય હટાવવામાં આવ્યું નહીં. તેમણે સવાલ કર્યો કે એસપીજી સુરક્ષા અચાનક કેમ હટાવી લેવામાં આવી તેનો જવાબ સરકારે આપવો જોઈએ. અધ્યક્ષે તેમને વધુ બોલવાની મંજૂરી આપી નહોતી. જો કે  સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે સ્પીકરે કૉન્ગ્રેસી સભ્યના મુદ્દા પર કામકાજ મુલતવી રાખવાની નોટિસ ફગાવી દીધી છે. હવે તે શૂન્ય કલાકમાં ચર્ચાનો મુદ્દો પણ નથી અને કૉન્ગ્રેસના સભ્યો કોઈ મંજૂરી લીધા વિના તેને કેવી રીતે વધારી શકે છે, એવો સવાલ પણ કરતાં તેની સામે કૉન્ગ્રેસના તમામ સભ્યો પોતાના સ્થાન પરથી ઊભા થયા અને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. કૉન્ગ્રેસ અને એનસીપીના સભ્યોએ, અધ્યક્ષે  ચૌધરીને આ મુદ્દે આગળ બોલવાની મંજૂરી ન આપતાં ગૃહની બહાર નીકળી ગયા હતા.
ત્યારબાદ ડીએમકેના ટીઆરકે બાલુએ પણ આ વિષયને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ બોલવાની છૂટ અપાઈ નહોતી. અે બાદ ડીએમકે સભ્યો પણ સદનની બહાર નીકળી ગયા હતા અને વૉકઆઉટમાં જોડાયા હતા.

ફીવધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
મંગળવારે જેએનયુ વિદ્યાર્થી અસોસિયેશને પ્રેસ-કૉન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો છે કે તેઓ ઝૂકવાના નથી. વિદ્યાર્થીઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હૉસ્ટેલ ફી પાછી લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અધ્યક્ષ આઇસી ઘોષે જાહેરાત કરી છે કે વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો એ પણ કરવામાં આવશે.
હૉસ્ટેલની ફી વધારાના મુદ્દે જેએનયુ વિદ્યાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે ૨૩ દિવસથી માગણી કરી રહ્યા છીએ, પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નથી. દિલ્હી પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ ક્રૂરતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK