દેશમાં આ વર્ષે વરસાદની એકંદર ઘટ સાત ટકા રહેશે: સ્કાયમેટની આગાહી

Published: May 15, 2019, 12:07 IST | નવી દિલ્હી

વિદર્ભ મરાઠવાડામાં વરસાદની અછત રહેશે, મુંબઈમાં વરસાદ પાંચ દિવસ મોડો

સ્કાયમેટ
સ્કાયમેટ

પાણીની તીવ્ર ખેંચ અને પાકના નુકસાનથી પીડિત મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં આગામી ચોમાસામાં પણ વરસાદની ખેંચ રહેશે તેમ જ મુંબઈમાં વરસાદનું આગમન સામાન્ય કરતાં પાંચ કે છ દિવસ મોડું થશે એવી આગાહી દેશની ખાનગી ક્ષેત્રની મોસમ સંશોધન કંપની સ્કાયમેટ દ્વારા મંગળવારે કરવામાં આવી છે.

આ વર્ષે પણ વિદર્ભ અને મરાઠવાડા તેમ જ ઉત્તર કર્ણાટકમાં વરસાદની ખેંચ રહેશે. મુંબઈમાં ચોમસું એના સામાન્ય આગમન ૧૦ જૂનને બદલે પાંચ કે છ દિવસ મોડું રહે એવી શક્યતા છે. એ સિવાય મધ્ય મહારાષ્ટ્ર, કોકણ અને ગોવામાં વરસાદ સામન્ય કે થોડો વધારે રહે એવી શક્યતા છે, એમ સ્કાયમેટના ચીફ મિટિયરોલૉજિસ્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું.

ભારત સરકારના મોસમ વિભાગે દેશમાં સામાન્ય ચોમાસું રહે એવી આગાહી કરી છે, જ્યારે સ્કાયમેટના વેધર મૉડલ અનુસાર દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. કંપનીએ મંગળવારે દેશભરમાં ચોમાસું ૨૦૧૯ના લાંબા ગાળાની સરેરાશ કરતાં ૯૩ ટકા જેટલો વરસાદ પડશે એવી આગાહી કરી છે.

આ પ્રાઇવેટ કંપનીના અંદાજ અનુસાર મહારાષ્ટ્રમાં વરસાદના આગમન પછી જૂન મહિનો કોરો રહે અને વરસાદની અછત થાય એવી સ્થિતિનું નિર્માણ થશે, પણ જુલાઈ મહિનામાં વરસાદની ઘટ પૂરી થશે. જોકે વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં વરસાદ સમગ્ર ચાર મહિના દરમ્યાન ૨૦થી ૩૦ ટકા ઓછો પડે એવી શક્યતા છે.

કેરળમાં ૪ જૂને ચોમાસાનું આગમન થશે પછી એનો વિસ્તાર અને પ્રભાવ ધીમો પડી જશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચોમાસું લગભગ પાંચ દિવસ મોડું પડશે. ગુજરાતમાં દક્ષિણ વિસ્તાર અને કાંઠાળાં સ્થાનોએ ચોમાસું સામાન્ય રહે એવી શક્યતા છે, પણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વરસાદની ઘટ રહે એવી શક્યતા છે એમ પલાવતે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : મેં પહેલાં જ કહ્યું હતું મોદી નીચ છે : મણિશંકર અય્યર

સ્કાયમેટના અંદાજ અનુસાર દેશના ચારેય ભાગોમાં વરસાદની ઘટ પડે એવી શક્યતા છે. દેશમાં વરસાદની ઘટ રહે એવી શક્યતા ૫૫ ટકા છે, દુષ્કાળ પડે એવી શક્યતા ૧૫ ટકા છે, જ્યારે સામાન્ય ચોમાસું રહે એવી સંભાવના ૩૦ ટકા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK