ફ્રાન્સથી 7000થી વધુ કિમીનું અંતર કાપી 5 રાફેલે અંબાલામાં લૅન્ડિંગ કર્યું

Updated: 30th July, 2020 12:57 IST | Agencies | New Delhi

ભારતમાં વૉટર સૅલ્યુટ સાથે પાંચ રાફેલનું આગમન, ભારતીય સરહદમાં ઘૂસતાં જ સુખોઈ 30 એમકેઆઇએ રાફેલને એસ્કોટ કર્યું હતું

સુખોઈ દ્વારા ભારતીય ઍરસ્પેસમાં ઍસ્કૉર્ટ લવાતા રાફેલની ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ ​સિંહે ટ્વીટ કરેલી તસવીર.
સુખોઈ દ્વારા ભારતીય ઍરસ્પેસમાં ઍસ્કૉર્ટ લવાતા રાફેલની ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ ​સિંહે ટ્વીટ કરેલી તસવીર.

૭૦૦૦૦ કિલોમીટર દૂર ફ્રાન્સથી સોમવારે રવાના થયેલા પાંચ ફાઇટર જેટ રાફેલ ગઈ કાલે ભારે ઉત્સાહિત અને રોમાંચભર્યા માહોલની વચ્ચે પંજાબમાં ભારતીય વાયુદળના અંબાલા ઍરબેઝ પર ભારતની જમીનને સ્પર્શ કર્યો ત્યારે વાયુદળના વડા ઍરમાર્શલ આરકેએસ ભદૌરિયા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમનું અને પાઇલટનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. અંબાલામાં આ યુદ્ધ વિમાનોને વૉટર સૅલ્યુટ આપવામાં આવ્યું. આ પ્રસંગે લોકોની ભીડને રોકવા અંબાલા અરબેઝનઍ આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી અને ઍરબેઝની આસપાસ ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચાર કે વધુ લોકોના એકત્ર થવા પર અને ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ચાર વર્ષ પછી આ અતિઆધુનિક ઘાતક સુવિધાયુક્ત લડાકુ વિમાનો આખરે ભારતના વાયુદળમાં સામેલ થઈ ગયાં હતાં. ભારતે કુલ ૩૬ વિમાનોનો ઑર્ડર આપ્યો છે. એમાંથી પાંચ વિમાનો ચીન સાથે તણાવપૂર્ણ માહોલની વચ્ચે ભારતને મળતાં ભારત હવાઈ સુરક્ષાની રીતે વધુ મજબૂત બન્યું છે.

રાફેલે ઉડાન ભરી તો થોડી વાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ પ્લેન અરબી સાગરથી પસાર થયાં તો આઇએનએસ કોલકત્તાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઇએનએસ કોલકત્તા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે ઇન્ડિયન નેવલ વૉર શિપ ડેલ્ટા ૬૩ એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લૅન્ડિંગ.’

ફ્રાન્સમાંથી આવેલા પ્રથમ પાંચ રાફેલ વિમાન અંબાલા ઍરબેઝ પર સુરક્ષિત રીતે લૅન્ડ થઈ ગયાં છે. આ અંગેની જાણકારી દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ‘બર્ડ્સ’ અંબાલા ખાતે સુરક્ષિત લૅન્ડ થઈ ગયાં છે. રાફેલના ભારતમાં લૅન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. આ ઍરક્રાફ્ટ આવતાં ભારતીય ઍરફોર્સની ક્ષમતામાં વધારો થશે. દુશ્મન દેશ ભારત પર હુમલો કરવા પહેલાં હવે અનેક વખત વિચારશે.

આ ફાઇટર વિમાનોએ સોમવારે ફ્રાન્સિસી શહેર બોરદુના મેરિગ્નેક ઍરબેઝથી ઉડાણ ભરી હતી. વિમાનો લગભગ ૭૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને બુધવારે એટલે કે ગઈ કાલે અંબાલા પહોંચ્યાં. આ વિમાનોમાં એક સીટવાળા ૩ વિમાન અને બે સીટવાળા બે વિમાન છે.

ભારતીય સરહદમાં ઘૂસતા જ સુખોઈ ૩૦ એમકેઆઇએ રાફેલને એસ્કોર્ટ કર્યું. રાફેલ વિમાન એક સાથે ૧૦૦ વિમાનો પર નજર રાખી શકે છે. એની બાજનજરથી બચવું મુશ્કેલ છે.

યુએઈમાં રાફેલ હતાં ત્યાં ઈરાને મિસાઇલ હુમલો કરતાં ખળભળાટ

યુએઈના જે ઍરબેઝ ખાતે ભારતનાં પાંચ રાફેલ વિમાનો ઊભાં હતાં ત્યાં નજીક ઈરાને મિસાઇલ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અમેરિકા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ઈરાને ગઈ કાલે યુએઈસ્થિત અલ ધ્રાફા ઍરપોર્ટ પાસે અનેક મિસાઇલો છોડી હતી. ત્યાં રાફેલ વિમાનો પણ ઊભાં હતાં. એટલું જ નહીં, તેના પાઇલોટ પણ હતા. ઈરાની મિસાઇલ હુમલાને જોતાં ભારતીય પાઇલોટને સલામત સ્થળે લઈ જવાયા હતા.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના મિસાઇલ ટેસ્ટની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઈરાને સ્ટ્રેટ ઑફ હરમુ જ પાસે અનેક મિસાઇલો છોડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાનની મિસાઇલોએ અખાત સ્થિત અમેરિકી અને ફ્રાન્સના સૈન્ય અડ્ડાઓ પાસે મિસાઇલ પરીક્ષણ કર્યું હતું. ઓછામાં ઓછી ત્રણ મિસાઇલ દરિયાની અંદર પડી હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે ઈરાન એ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. આ ઈરાની મિસાઇલો કતારના અલ ઉદેઇદ અને યુએઈના અલ ધ્રાફા ઍરપોર્ટ પાસે પડી ત્યાં ભારતનાં રાફેલ ઊભાં હતાં.

ઈરાનના હુમલા બાદ સમગ્ર ફ્રાન્સના ઍરબેઝને હાઈ અલર્ટ પર રાખી દેવાયા છે અને ભારતીય પાઇલોટને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.

મોદીએ રાફેલને આવકાર્યાં - પાંચ રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સથી ગઈ કાલે અંબાલા ઍરબેઝ પર પહોંચ્યાં. વિમાન ભારત પહોંચ્યાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્કૃતમાં ટ્‌વીટ કર્યું છે. તેમણે સંસ્કૃતમાં ટ્‌વીટ કરી કહ્યું કે રાષ્ટ્રની રક્ષાથી વધારે ના કોઈ પુણ્ય છે, ના કોઈ વ્રત છે, ના કોઈ યજ્ઞ છે.

First Published: 30th July, 2020 11:22 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK