Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાલચમાં આવીને સ્નેહી સાથે ક્યારેય વાણિજ્ય વ્યવહાર કરવો નહીં

લાલચમાં આવીને સ્નેહી સાથે ક્યારેય વાણિજ્ય વ્યવહાર કરવો નહીં

30 July, 2020 06:26 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

લાલચમાં આવીને સ્નેહી સાથે ક્યારેય વાણિજ્ય વ્યવહાર કરવો નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ ચાણક્યનું સૂચન છે અને આ સૂચન આજના સમયમાં અત્યંત ઉપયોગી અને જરૂરી છે. જો ઇચ્છતા હો કે જીવનમાં ક્યારેય તકલીફ ન આવે અને વાણિજ્ય તથા વ્યવહાર બન્ને અકબંધ જળવાયેલા રહે તો આ નિયમનો જીવનમાં અમલ કરજો. રાગવશમાં કે લાલચમાં આવીને ક્યારેય કોઈ સગા કે સ્નેહીજનો સાથે કોઈ ધંધાદારી કામ નહીં કરતા.
ચાણક્યએ આ સલાહ સમ્રાટ અશોકને આપી હતી અને કહ્યું હતું કે જો એવી ભૂલ કરી તો ચોક્કસપણે પરેશાન થવાનું આવશે. બિરદાવવાલાયક કામ કરશે તો વખાણ કરવામાં કાબૂ લેવો પડશે. નહીં રાખો તો એવું ધારી લેવામાં આવશે કે ઘરની વ્યક્તિનાં તો વખાણ કરે એમાં નવું શું છે. જો ઠપકારવા યોગ્ય કામ કર્યું હશે તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે સંબંધો જીભ પર તાળું મરાવી દેશે. ધારો કે એ કરી લીધું તો પણ અસંતોષ ફેલાશે કે વઢ આપવાની હતી તો પણ ચૂપ થઈને બેસી રહ્યા.
કાર્ય હંમેશાં કુશળ વ્યક્તિ સાથે જ થવું જોઈએ; પછી એ ધંધાની વાત હોય, સાથે કામ કરવાની વાત હોય કે પછી સત્તા સોંપવાનો સમય આવે. કાર્ય હંમેશાં કુશળ વ્યક્તિ સાથે જ કરવું જોઈએ. કાર્ય જોતી વખતે કોઈ પણ પ્રકારનો મોહ ન રાખવો જોઈએ. જો મોહ રાખવા જતાં તકલીફ ઊભી થઈ તો વ્યક્તિ અને સંબંધો બન્ને ગુમાવવા પડે એવા સંજોગો ઊભા થઈ જાય છે. અગાઉના સમયમાં રૂપિયા નહોતા, ચાંદીના સિક્કા હતા. સિક્કા ઘસાઈ જાય તો બનાવટી લાગે એવું બને. આવા સમયે એ સિક્કાને જમીન પર ઠોકીને એના રણકારથી ચાંદીના જ છે કે પછી બીજી કોઈ ધાતુના એ નક્કી કરવામાં આવતું. કામ પણ જો કરવાનું આવે કે સત્તા સોંપવાની આવે ત્યારે આ કામ કરવું જોઈએ. વ્યક્તિને પછાડવી જોઈએ અને પછાડ્યા પછી એનો રણકાર કેવો આવે છે એના પરથી અનુમાન લગાવીને કામ કરવું જોઈએ.
આજે મહત્તમ કિસ્સાઓમાં સગાવાદ, સંબંધીવાદ જોવા મળે છે અને એ જ રીતે કામ કરવામાં આવે છે. પ્રધાનમંડળમાં પણ તમને આ જ જોવા મળશે. મુખ્ય પ્રધાનનો દીકરો મુખ્ય પ્રધાન જ બને અને વડા પ્રધાનનો દીકરો વડા પ્રધાન જ બને એવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. હીરોનો દીકરો હીરો બને છે અને ડૉક્ટર તેના દીકરાને ડૉક્ટર બનાવવા તલપાપડ છે. જો ક્ષમતા હોય તો વાંધો નહીં, બાકી આ નીતિ અયોગ્ય છે. કામ હંમેશાં કુશળ વ્યક્તિની સાથે જ થાય અને કુશળ વ્યક્તિને જ કામ સોંપવામાં આવે એ જ સાચી નીતિ અને એ જ સાચી રીતિ છે અને આનો જ ઉપયોગ થવો જોઈએ. જો સાચી નીતિ વાપરશો તો અને તો જ સાચી રીતિ અપનાવી શકશો અને જો સાચી રીતિ અપનાવી શકશો તો જ વાજબી સ્તરની સફળતા પામી શકશો. વગરકારણે મનમાં ભરી રાખવામાં આવતો ગજગ્રાહ વિકાસ તો નથી જ આપતો, પણ વિનાશ વેરવાનું કામ કરી જાય છે. વિનાશ સાથે ખેંચી જશે જો ચૂપ રહ્યા તો, વિનાશ તાણી જશે જો ચૂપચાપ ચલાવતા રહ્યા તો. જો ટકવું હોય, જો આગળ વધવું હોય અને જો વિકાસ કરવો હોય તો રાગવશ બનીને અંગત સાથે વાણિજ્ય વ્યવહાર ટાળી દેજો.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2020 06:26 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK