પાડોશનાં બાળકોના આતંકનો ત્રાસ

Published: 28th September, 2012 06:33 IST

ઘણા પેરન્ટ્સ પોતાનાં બાળકોનાં તોફાન-મસ્તી પ્રત્યે વધુપડતા ઉદાર રહે છે તો ક્યારેક મા-બાપ બપોરે પોતાનાં બાળકોને સૂવા નથી  દેતાં. રાત્રે મોડે સુધી ન જાગે અને પોતાને ત્રાસ ન થાય એ માટે આખી બપોર પાડોશીનું ભલે જે થવું હોય એ થાયફ્રાઇડે-ફલક - રોહિત શાહ

મૃત્યુ પછીના સ્વર્ગની મને લાલચ પણ નથી અને ગરજ પણ નથી. હું તો મૃત્યુ પહેલાંના જીવનને સુખદ બનાવવાના પુરુષાર્થમાં માનું છું. ગયા જન્મનાં પાપ મને આ ભવમાં નડે, ગયા ભવનાં મારાં પુણ્ય મને આ ભવમાં લાભ આપે એવી વ્યવસ્થા ઈશ્વરે બનાવી હોય તોયે મને મંજૂર નથી. ઈશ્વર જો ખરેખર હોય અને સર્વશક્તિશાળી હોય તો ઇન્સાફ કરવામાં તે આટલો બધો વિલંબ શાનો કરે છે? લોકો હરખપદૂડા થઈને બોલતા હોય છે કે ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં!’ ઑબ્જેકશન માય લૉર્ડ! ક્યા ઇસ દેર કો હી અંધેર નહીં કહના ચાહિએ?

સ્વર્ગ અને નરકની ટૂંકી અને સરળ વ્યાખ્યા આટલી જ હોઈ શકે - મનગમતા સુખ સહિતનું જીવન એટલે સ્વર્ગ અને અણગમતી તકલીફો સાથે જીવવું પડે એ નરક. બૉસ, આપણે અહીં કોઈ આધ્યાત્મિક ડંફાસો નથી મારવી. આપણા તાબામાં હોય એટલી તાકાત અને નિષ્ઠાપૂર્વક સુખી થવા ઉદ્યમ કરવો અને જે બાબત આપણા હાથમાં ન હોય એનો અફસોસ કદી નહીં કરવો.

એવા પાડોશી મળજો

જેને પોતાના ઘરને સ્વર્ગ બનાવતાં નથી આવડતું એવા છીછરા લોકો કોઈ ગુફા, આશ્રમમાં કે ઉપાશ્રયમાં લપાઈને પલાંઠી વાળી બેસે છે કાં તો એવા લોકો પરલોકને સુધારી નાખવા હવાતિયાં મારે છે. આપણે ત્યાં મૂરખાઓની કમી નથી. એક ઢૂંઢોગે, હજાર પાઓગે!

જેને સારા સ્વજનો અને ઉમદા પાડોશીઓ મળ્યાં હોય તેને કદી સ્વર્ગની ખોટ પડે ખરી? ઘરમાં પ્રેમ મળતો હોય અને સમાજમાં પ્રતિષ્ઠા મળતી હોય એ માણસને હું સૌથી પ્રબળ પુણ્યાત્મા માનું છું. ઈસુ ખ્રિસ્તે એમ કહેલું કે તારા પાડોશીને પ્રેમ કરજે. હું એમ કહું છું કે મને પ્રેમ કરે એવા પાડોશી મને મળજો કાં તો એવા પાડોશી મળજો જેમને પ્રેમ કરવાનો મારા દિલમાં પળે-પળે ઉમળકો ઊગે.

દુર્ભાગ્ય નહીં તો શું?

કેટલાક દુર્ભાગી લોકોને એવા ત્રાસવાદી પાડોશી મળ્યાં હોય છે કે તેમને પછી નરકનો ભય રહેતો જ નથી! પાડોશમાંથી કાં તો મોટા અવાજે ટીવી-મ્યુઝિક સિસ્ટમના ધક્કા આપણા સુધી પહોંચતા હોય કાં તો તેમના ઘરમાં દૈનિક કાર્યક્રમ બની ગયેલા પતિ-પત્નીના કંકાસની કર્કશતા આપણા કાનને પજવતી હોય. આપણે પ્યૉર વેજિટેરિયન હોઈએ અને પાડોશમાં રોજ ચિકન-આમલેટ રંધાતા હોય ત્યારે એની સ્મેલ આપણને ત્રાસ આપે છે. આપણે તદ્દન નિવ્ર્યસની હોઈએ અને પાડોશમાં દારૂ-સિગારેટ વગેરેની મહેફિલો મંડાતી રહેતી હોય. આપણે એજ્યુકેટેડ અને ડિસિપ્લિનમાં માનનારા હોઈએ અને આપણા પાડોશી અણઘડ તેમ જ જંગલી જેવા હોય ત્યારે આપણું જીવવું હરામ થઈ જાય છે.

અકળાઈ જવાય

એક બહેન પોતાનાં બન્ને બાળકોને બપોરે સૂવા જ ન દે. આખી બપોર ધમાલ કરવા દે. એક વખત પાડોશીએ જઈને કહ્યું કે ‘તમારાં બાળકોને બપોરે ઉંઘાડી દેતાં હો તો સારું! એ અમારી ઊંઘ પણ ડિસ્ટર્બ કરે છે.’

પેલાં પાડોશી બહેન નફ્ફટાઈથી બોલ્યાં, ‘એ બપોરે ઊંઘી જાય છે તો પછી રાત્રે મોડે સુધી ઊંઘતાં નથી. એટલે તેમને હું બપોરે રમવા જ મોકલી દઉં છું.’ 

ક્યારેક તો બાળક નાનું હોય અને બપોરે તેને ઊંઘવું જ હોય તોયે તેના પેરન્ટ્સ તેને ઊંઘવા દેતા નથી. નાનું બાળક રમવા ન જઈ શકે એટલે રોકકળ અને કકળાટ કરી મૂકે છે. આપણે જીવદયા અને અહિંસામાં માનતા હોઈએ તોયે ક્રૂર વિચારો જાગે. આપણે પાડોશીને પ્રેમ કરવા ઉત્સુક હોઈએ તોયે ધિક્કાર પ્રગટે. આપણે બાળકને પ્રભુનો પયગંબર માનતા હોઈએ તોયે તે શૈતાનનો અવતાર લાગે... આવા પાડોશી સાથે રહેવાનું તમને ન મળ્યું હોય તો માનજો કે તમારું ઘર સ્વર્ગથી જરાયે ઊતરતું નથી.

પાડોશીધર્મ ભુલાયો

આપણે આપણી જ સગવડ જોઈએ અને માત્ર આપણા જ સુખનો વિચાર કરીએ તો આપણે નફ્ફટ ગણાઈએ. પાડોશીને આપણા કારણે જરાય કષ્ટ કે તકલીફ ન પડવી જોઈએ. ખરી વાત તો એ છે કે પરસ્પરને સંકટના સમયે સહાયરૂપ બનવાની ભાવના હોવી જોઈએ. પર્વો-ઉત્સવો ભેગા મળીને ઊજવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પાડોશી ધર્મ હવે ધીરે-ધીરે લુપ્ત થતો જાય છે. પતિ-પત્ની અને પુખ્ત સંતાનો બધાંય જૉબ કરતાં હોય ત્યારે પાડોશી સાથે રિલેશન મેઇન્ટેઇન કરવાની અનુકૂળતા જ ક્યાં રહે છે? આપણે ફ્રી હોઈએ ત્યારે પાડોશી બિઝી હોય અને તે ફ્રી હોય ત્યારે આપણે બિઝી હોઈએ એવું બને છે. અરે, આજના યુગમાં તો એક જ ફૅમિલીમાં રહેતા સભ્યો - માતા-પિતા અને ભાઈ-બહેન પણ રજાના દિવસેય માંડ-માંડ મળી શકતાં હોય છે ત્યારે પાડોશીઓ સુધી પ્રેમ વહેંચવા જવાની પરવાયે કોને હોય?

કિંમત ચૂકવવી પડી

ઘણા પેરન્ટ્સ એવા જડભરત હોય છે કે પોતાનાં સંતાનોને કદી લડતાં કે વઢતાં નથી. બાળકને જાણે તમામ પ્રકારનાં તોફાન કરવાના અધિકારનો છૂટો દોર આપેલો હોય છે. એ લોકો એટલું નથી સમજતા કે આપણે છોકરાં જણ્યાં છે તો દુનિયા કંઈ વાંઝણી થોડી છે? દરેકના ઘેર આવી વાનરસેના પાકે તો લોકો શી રીતે જીવે?

એક ભાઈ વકીલ હતા. તેના પાડોશમાં રહેતી ફૅમિલીનાં બાળકો પૂરા આતંકવાદી. વકીલે બે-ચાર વખત શાંતિથી સમજાવ્યાં, પણ પાડોશી બહેન એક જ જવાબ આપે કે બાળકો તોફાન નહીં કરે તો કોણ કરશે? એક વખત વકીલે પોતાના એક સગાને ગામડેથી તેમનાં બાળકો સહિત પોતાને ત્યાં રહેવા બોલાવ્યા. પાડોશીનાં બાળકો કરતાં આ વકીલનાં સગાનાં બાળકો વધારે બળવાન અને તોફાની. રોજ પાડોશનાં બાળકો માર ખાય. રોજ પાડોશની કોઈ ચીજ તૂટે-ફૂટે. રોજ પાડોશીનાં ચંપલ બહાર ફેંકાઈ ગયાં હોય...! હવે પેલાં પાડોશી બહેન ફરિયાદ પણ શી રીતે કરે? ‘બાળકો તોફાન નહીં કરે તો કોણ કરશે?’ એ વાક્યની તેમણે ભારે કિંમત ચૂકવવી પડી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK