નીરજ કહે છે, ‘હું ગીતકારને કવિ કરતાં ચડિયાતો માનું છું.’

Updated: Apr 14, 2020, 07:35 IST | Rajani Mehta | Mumbai

‘જેને ગાવાનો ઉમળકો હોય તેણે ગીત શોધવું નથી પડતું.’ જીવન જેને માટે એક ઉત્સવ હતો એવા રજનીશજીની વાત યાદ આવે છે, ‘I sing myself and I celebrate myself.’ ગીત એટલે ગતિ.

એસ ડી બર્મન અને નીરજ
એસ ડી બર્મન અને નીરજ

Those who wish  to sing ,  always find a song.  

- Swedish proverb

‘જેને ગાવાનો ઉમળકો હોય તેણે ગીત શોધવું નથી પડતું.’ જીવન જેને માટે એક ઉત્સવ હતો એવા રજનીશજીની વાત યાદ આવે છે, ‘I sing myself and I celebrate myself.’ ગીત એટલે ગતિ. જ્યારે એમાં લય મળે એટલે ભાવનો પ્રસાર થાય એટલે જ એ ભાવગીત કહેવાય છે. શબ્દ એ જળ છે અને જ્યારે એનું ગીત બને છે ત્યારે એ વહેતો પ્રવાહ બને. ગીતનું સર્જન થાય ત્યારે જ એના એક સ્વાભાવિક લયની અનુભૂતિ થતી હોય છે અને જ્યારે એની સાથે ગાયકી અને સંગીતનો સુમેળ સધાય ત્યારે એક અનોખા ભાવવિશ્વનું સર્જન થાય. આમ જોઈએ તો ગીત, ગાયકી અને સંગીત એકમેકથી અલગ હોવા છતાં તેમનો સથવારો ત્રિવેણી સંગમ બનીને એક નવો આયામ ઊભો કરે છે. એમાં કોનું મહત્વ કેટલું એ વાત અસ્થાને છે. એક મનોરમ્ય દૃશ્ય જોઈને આનંદ થાય ત્યારે ડાબી આંખે વધારે જોયું કે જમણી આંખે એ નક્કી ન કરી શકીએ એવી આ વાત છે.  

સંગીત સાથે શબ્દોથી સંકળાયેલાં ગીતો ભારતીય ફિલ્મના લગભગ ૯૦ વર્ષના ઇતિહાસમાં એક મહત્વનું અંગ છે. હકીકત એ છે કે સંગીતકાર અને ગાયક કલાકારોને જેટલું શ્રેય મળ્યું છે એની સરખામણીમાં ગીતકારોના યોગદાનની નોંધ નથી લેવાઈ. વિવિધ ભારતી પરથી ગીતોના પ્રસારણ વખતે ગીતકારનું નામ લેવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે શૌકત આઝમીએ ઑલ ઇન્ડિયા રેડિયો પર અનાઉન્સર તરીકેની પોતાની નોકરી શરૂ કરી. તેમણે આકાશવાણીને કહ્યું કે ગીતકારોના નામનો ઉલ્લેખ ન કરીને આપણે તેમનું અપમાન કરીએ છીએ. તેમના સૂચનને માન આપીને ગીતોના પ્રસારણ સમયે સંગીતકાર અને ગાયક કલાકારોનાં નામ સાથે ગીતકારોનાં નામનો ઉલ્લેખ કરવાની પ્રણાલિકા શરૂ થઈ.

આજે ફિલ્મસંગીતના અનેક કાર્યક્રમો થાય છે જેમાં ભાગ્યે જ ગીતકારના નામનો ઉલ્લેખ થાય છે. મારી આદત છે કે ગીતના ઉલ્લેખ વખતે શક્ય હોય ત્યાં સુધી ગીતકારની નોંધ લઉં છું. જોકે હવે શ્રોતાઓ જાણકાર થતા જાય છે. થોડા સમય પહેલાંનો મારો અનુભવ શૅર કરું છું. એક સિંગર ગીતની શરૂઆત કરતાં પહેલાં અનાઉન્સ કરે છે કે હવે તમને શંકર–જયકિશને લખેલી એક ગઝલ સંભળાવું છું. આ સાંભળીને સજાગ શ્રોતાઓ બોલ્યા, આ હસરત જયપુરીની ગઝલ છે. એક સમય હતો જ્યારે કેવળ સંગીતકારો અને ગાયક કલાકારોનાં ગીતોના કાર્યક્ર્મ થતા. હવે તો ગીતકાર સાહિર લુધિયાન્વી, મજરૂહ સુલતાનપુરી અને આનંદ બક્ષીનાં ગીતોના કાર્યક્ર્મ થવા લાગ્યા છે એ આનંદની વાત છે.

આ કૉલમમાં આજ સુધી સંગીતકાર અને ગાયક કલાકારો વિશે વિગતવાર લખાયું છે. હા,  ગીતકારોનો અવારનવાર ઉલ્લેખ થતો રહે છે, પરંતુ તેમના વિશે વિસ્તારથી લખવાનો મોકો નથી મળ્યો એટલે વિચાર આવ્યો કે તેમના યોગદાન વિશે થોડી વાતો કરીએ. એ વાતો કરતાં પહેલાં   ભારતીય, ખાસ કરીને હિન્દી ફિલ્મોનાં ગીતોના ઇતિહાસમાં પણ એક ડોકિયું કરવા જેવું છે. આ કારણથી આ વિષયને લગતી થોડી ટેક્નિકલ પરંતુ રસપ્રદ વાતો શૅર કરું છું.

 પ્રશ્ન એ થાય કે ગીતકાર (Lyricist) અને કવિ (Poet) એ બન્ને વચ્ચે ફરક શું? શું કોઈ પણ કવિ ગીતકાર બની શકે? ગીતકાર બનવાની પહેલી શરત જ એ છે કે તે એક સારો કવિ હોવો જોઈએ. એક ગીતની રચના ફિલ્મની સિચુએશન અને ડિમાન્ડ પ્રમાણે થાય છે. એ ઉપરાંત  ગીતની લોકપ્રિયતા અને કમર્શિયલ વૅલ્યુનો પણ ખ્યાલ રાખવો પડે છે. ઘણી વખત સંગીતકારે બનાવેલી ધૂન પર ગીત લખવું પડે છે. આ વસ્તુ ગીતકાર માટે ઘણી ચૅલેન્જિંગ હોય છે, કારણ કે જ્યારે ગીત પહેલાં લખાયું હોય છે ત્યારે ગીતકારને પોતાની કલ્પનાને છૂટો દોર આપવાની  સ્વતંત્રતા હોય છે, જ્યારે ધૂન પર ગીત લખતી વખતે એક સીમામાં બંધાઈને કામ કરવાનું હોય છે. 

ગોપાલદાસ નીરજ (જેને આપણે હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતકાર નીરજ તરીકે જાણીએ છીએ. તેઓ એક માતબર સાહિત્યકાર હતા અને ગીતકાર બન્યા. તેમના હિન્દી ભાષાના સાહિત્યપ્રદાનની કદરરૂપે પદ્મશ્રી અને પદ્મભૂષણનો ખિતાબ આપવામાં આવ્યો હતો) એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં કહે છે, ‘હું ગીતકારને કવિ કરતાં ચડિયાતો માનું છું, કારણ કે કવિ પોતાની કલ્પનાને અનુરૂપ કવિતાનું સર્જન કરે છે. તેને સ્વરવિહાર કરવાની છૂટ છે. જ્યારે ગીતકારને ફિલ્મનો ટાઇમ પિરિયડ, લોકેશન, કૅરૅક્ટર, તેનું બૅકગ્રાઉન્ડ અને (જો ધૂન બનેલી હોય તો) ગીતના મીટર (લય)નો ખ્યાલ રાખવો પડે છે. આ ઉપરાંત એ સમયે ચાલતા ટ્રેન્ડ, સંગીતકારની સ્ટાઇલ અને દર્શકોનો ટેસ્ટ જેવી દરેક વાતને ધ્યાનમાં રાખવી પડે છે. આ માટે જ મારું માનવું છે કે કવિ કરતાં ગીતકારનું કામ મુશ્કેલ છે.’         

આ ઉપરાંત ગીત લખતી વખતે બીજી કઈ ખાસ વાતનો ખ્યાલ રાખવો જોઈએ એની વાત કરતાં નીરજ કહે છે, ‘જો એક ગીતમાં ૫૦ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એમાં હું એક નવા, આજ સુધી ફિલ્મી ગીતોમાં ન વપરાયા હોય; જેને તમે નૉન-મ્યુઝિકલ કહી શકો એવા એકાદ શબ્દનો સમાવેશ કરી શકું તો મને લાગે છે કે બોલચાલની ભાષાને મેં થોડી સમૃદ્ધ બનાવી છે. મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગુનાહ’નું એક ગીત છે...

અપના ઉદ્ગમ કહાં અપના સંગમ કહાં એક ધારા હૈ તુ, એક ધારા હૂં મૈં...

મને કહેવામાં આવ્યું કે ‘ઉદ્ગમ’ શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકવો પડશે. લોકો માટે આ શબ્દ સમજવામાં અઘરો પડશે. એ માટે મારા પર ખૂબ પ્રેશર હતું, પરંતુ મેં ના પાડી. ઉદ્ગમનો અર્થ થાય નદીનું જન્મસ્થાન. મારી દલીલ હતી કે લોકોને પંક્તિઓ સારી રીતે સમજવામાં આ શબ્દ સહાયતા કરે છે. ફિલ્મ ‘શર્મિલી’ના એક ગીતની પંક્તિ (ઓ નીરજ નૈના આ ઝરા)માં મેં મારા ઉપનામ ‘નીરજ’ (કમળ જેવી સુંદરતા)નો સમાવેશ કર્યો છે. આવા સુંદર, પરંતુ ઓછા પ્રચલિત શબ્દોનો ઉપયોગ કરવાની પહેલ થવી જોઈએ અને આપણા ભાષાસૌંદર્યને લોકો સમક્ષ ઉજાગર કરવું જોઈએ.

ફિલ્મોની શરૂઆતનાં વર્ષોમાં મોટા ભાગના ગીતકારોએ જીવનની દરેક અવસ્થા અને લાગણીઓના અનેક સ્તરને સ્પર્શ કરતાં ગીતો લખ્યાં છે. એ ઉપરાંત દેશભક્તિ,‍ સામાજિક વ્યવસ્થા, પ્રકૃતિ જેવા બીજા અનેક વિષયો પર ગીતો લખાયાં છે. આ દરેકની ભાષા અને રજૂઆતની શૈલી સરસ અને સરળ હતી. આ ગીતોની ધૂન મહદંશે રાગ-રાગિણી પર આધારિત હતી જેને કારણે એ ગીતો લોકભોગ્ય બન્યાં.

ગીતોનું નસીબ પણ મનુષ્યના નસીબ જેવું હોય છે. અમુકને ખૂબ પ્રેમ મળે, તો કોઈને ઓછો.  એવાં કમનસીબ ગીતો પણ હોય છે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. આજના જેવા  ફુરસદના સમયમાં આ ગીતો પર ફરી એક વાર નજર નાખવાનો મોકો મળે છે ત્યારે મનમાં એમ થાય છે કે ના, ના, આમને અવગણીને આપણે કંઈક ખોયું છે. દરેક ગીતનો માનવીની જેમ  ચહેરો હોય છે, ભૂતકાળ હોય છે, ભવિષ્ય હોય છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય યાદ આવે છે, ‘સારો ચહેરો એ ઈશ્વરે આપેલો ભલામણપત્ર છે જે ડગલે ને પગલે તમારી સહાય કરે છે.’

 કેટલાંક ગીતોનાં નસીબ એટલાં સારાં હોય છે કે સાંભળતાં જ એની સાથે તમે પહેલી નજરના પ્રેમમાં પડી જાઓ. એની સામે અમુક ગીતો, સારાં હોય છતાં નજરઅંદાઝ થઈ જાય છે. મારી જ વાત કરું તો આજકાલ એવાં કેટલાંયે ગીતો સાથે મારો નવો પરિચય થઈ રહ્યો છે. એક સમયે એકાદ વાર સાંભળીને રિજેક્ટ કરેલાં ગીતો આજે ધ્યાનથી સાંભળું છું ત્યારે એ ગીતો મને એમ કહે છે ‘હમ ભી  તો પડે હૈં રાહોં મેં’. એ સમયે અહેસાસ થાય કે એની સાથે મેં ઓરમાયું વર્તન કર્યું છે.

બીજી એક સામાન્ય વાત આપણા મનમાં એવી બેસી ગઈ છે કે જૂનાં ગીતો જ સારાં, નવાં ગીતોમાં દમ નથી હોતો. આ અર્ધસત્ય છે. અંગત રીતે મારું માનવું છેt કે દરેક જૂનાં ગીતો સારાં નહોતાં અને દરેક નવાં ગીતો ખરાબ નથી હોતાં. આ વાતને હજી વધુ સ્પષ્ટતાથી કહેવી હોય તો એમ કહી શકાય કે પહેલાના સમયમાં કર્ણપ્રિય યાદગાર ગીતોની સરખામણીમાં આજકાલ કર્ણપ્રિય ગીતો ઓછાં સાંભળવા મળે  છે. આનાં કારણો શોધવાનો કોઈ પ્રયાસ કરવો અહીં અસ્થાને છે.

આજે ટીવી, રેડિયો અને ચૅનલો પરથી ફિલ્મોનાં ગીતોનો એવો મારો શ્રોતાઓના માથે મારવામાં આવે છે કે ન પૂછો વાત. દિવસ-રાત એકનું એક ગીત વગાડીને એટલી હાઇપ ઊભી કરવામાં આવે કે આના જેવું કોઈ બીજું લોકપ્રિય ગીત નથી. જોકે એમ છતાં એ હકીકત છે કે આ ગીતોની સેલ્ફ લાઇફ એકાદ મહિનાથી વધુ નથી હોતી. જેમ ફૂડ-પૅકેટ્સ પર ‘Best before so and so date’ પ્રિન્ટ થયેલી હોય એવું જ આ ગીતોનું છે. એક  સમય હતો જ્યારે ‘Songs were created.  આજે Songs are manufactured. પહેલાં સિચુએશનને ધ્યાનમાં રાખીને ગીત-સંગીતનું સર્જન થતું. આજે લોકેશનને નજરમાં રાખીને આ કામ થાય છે અને એ પણ માસ પ્રોડક્શનમાં.

જૂનાં ગીતોને હું અમર ગીતો કહું છું. આ ગીતો એટલે પૂજાના ઓરડાના એક ખૂણામાં રાખેલી અગરબત્તી. જે કલાકો સુધી વાતાવરણને સુગંધિત રાખે છે. એ પૂરી થયા બાદ એની રાખ એટલે કોઈ ઋષિમુનિએ પ્રસાદમાં આપેલી ભસ્મ. જે તમારા ઓરડામાં વિખેરાઈ જાય એનો આનંદ હોય. જ્યારે નવાં ગીતો એટલે પાંચ મિનિટ સુધી આંખોને ચકાચૌંધ કરી નાખનાર ફૂલઝડી. જે સળગી જાય પછી ફેંકી દેવી પડે, નહીંતર એની બળવાની વાસ તમારો મૂડ ખરાબ કરી નાખે.

ગીતોનું નસીબ પણ મનુષ્યના નસીબ જેવું હોય છે. અમુકને ખૂબ પ્રેમ મળે, તો કોઈકને ઓછો. એવાં કમનસીબ ગીતો પણ હોય છે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. આજના જેવા ફુરસદના સમયમાં આ ગીતો પર ફરી એક વાર નજર નાખવાનો મોકો મળે ત્યારે એમ થાય કે આમને અવગણીને આપણે કંઈક ખોયું છે. દરેક ગીતનો માનવીની જેમ ચહેરો હોય છે, ભૂતકાળ હોય છે, ભવિષ્ય હોય છે 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK