બૉડીલાઇન બોલિંગ તેમ જ ફ્રસ્ટ્રેશન બોલિંગ : જેન્ટલમૅન્સ ગેમની પ્યૉરિટી દરેક મેદાનમાં અકબંધ રહેવી જોઈએ

Published: 1st December, 2014 06:06 IST

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝને કારણે આજે ફરી એક વખત ક્રિકેટ અને ક્રિકેટ દરમ્યાન થતા ઍક્સિડન્ટની વાત બધાની નજર સામે આવી છે.


navjot-singh-siddhu


સ્પેશ્યલ કમેન્ટ - નવજોત સિંહ સિધુ, ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીવી હોસ્ટ

આમ જોઈએ તો ક્રિકેટ માટે આ ઘટના વધુપડતી મોટી અને દુખદ છે અને આવી ઘટના કોઈ હિસાબે બનવી ન જોઈએ. આ ઘટનાથી એક વાતનો બેનિફિટ એ થશે કે હારના માહોલ વચ્ચે ત્યારે અપસેટ થયેલો પ્લેયર પોતાના મન પરથી કાબૂ ગુમાવીને બોલિંગ કરવામાં બે વખત વિચાર કરશે. આજે તો ઇન્ટરનૅશનલ ક્રિકેટના અનેક નિયમો બદલાઈ ગયા છે અને જે નિયમો છે એ બધા કડક થઈ ગયા છે, પણ એક સમય હતો જ્યારે બૉડીલાઇન બોલિંગે લોકોને બહુ હેરાન કર્યા હતા. ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશોની બાઉન્સી વિકેટ પર ફાસ્ટ બોલરનો સામનો કરવાનું કામ બહુ અઘરું હતું. એમાં પણ જો બૉડીલાઇન બોલિંગ આવવાની શરૂ થાય તો પતી ગયું. આજની નવી જનરેશનને કદાચ બૉડીલાઇન બોલિંગ વિશે વધારે ન ખબર હોય તો એમને ફક્ત એટલું જ કહેવાનું કે આ એ પ્રકારની બોલિંગ છે જેમાં આઉટ ન થનારા બૅટ્સમૅનને ક્રીઝ પરથી પાછો મોકલવા તેને ઇન્જર્ડ કરવા માટે બોલર કરે છે.

એ સમયની વાત કરું તો એ સમયે તો બોલર અને કૅપ્ટન વચ્ચે રીતસર બૉડીલાઇન બોલિંગ માટે ડિસ્કશન થતું અને એ બોલિંગ શરૂ કરવામાં આવતી. એ પછી બૉડીલાઇન બોલિંગ બંધ થઈ, પણ બોલરને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે આ પ્રકારની બોલિંગ તો થતી જ રહેતી. મને યાદ છે કે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાના બોલરો બહુ ઝડપથી ઉશ્કેરાઈ જતા અને એ ઉશ્કેરાટ વચ્ચે તેમની બોલિંગને રમવાનું કામ બહુ અઘરું થઈ જતું. રમવાનું શું, એ બોલિંગ સામે ઊભા રહેવાનું કામ પણ બહુ હાર્ડ હતું. વસીમ અકરમ સામે એક મૅચમાં ક્રીઝ પર લાંબો સમય ટક્યા પછી તેણે બાઉન્સરનો મારો શરૂ કર્યો હતો. વસીમ મારો બહુ સારો ફ્રેન્ડ છે. હમણાં એક ટીવી-શોમાં તે ફક્ત મારી સાથેની દોસ્તીના કારણે ગેસ્ટ પણ બન્યો હતો. જોકે ગ્રાઉન્ડ પર અમે રાઇવલ હતા. મને ઇન્જર્ડ કરવાનો તેનો કોઈ ઇરાદો નહોતો. તેની ઇચ્છા તો એટલી જ હતી કે બૅટ્સમૅનનું કૉન્સન્ટ્રેશન તૂટે અને તે જલદી આઉટ થાય. એકધારા બાઉન્સરો પછી એક વખત અમે બન્ને નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ભેગા થયા. મેં એ સમયે હસતાં-હસતાં કહ્યું કે જો હજી બાઉન્સર ચાલુ રાખવાનો હોય તો ઘરે ફોન કરીને ઇન્શ્યૉરન્સનું પ્રીમિયમ ભરાવી દઉં, આવવાની ઉતાવળમાં એ ભૂલી ગયો છું. વસીમ તરત જ પાછો આવ્યો અને સૉરી બોલીને કહ્યું પણ ખરું કે મારો ઇરાદો એવો નથી દોસ્ત. આટલું કહ્યા પછી બીજી જ મિનિટે તેણે પોતાની બોલિંગ બદલી નાખી. એ દિવસે વસીમે ઓછામાં ઓછું બેથી ચાર વખત સૉરી કહ્યું હતું. ક્રિકેટના મેદાનમાં રહેલી આ દોસ્તી આવતા સમયમાં ફ્રસ્ટ્રેશન આવે ત્યારે પણ બધાને યાદ રહે એવી અપેક્ષા છે, પછી ભલે એ ઇન્ટરનૅશનલ ક્રિકેટ હોય કે ગલી ક્રિકેટ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK