નવી મુંબઈમાં ટેમ્પોની અડફેટથી કાંદા-બટાટાના વેપારી મૃત્યુ પામ્યા

Published: 30th November, 2020 08:43 IST | Gujarati Mid-day Correspondent | New Mumbai

વેપારી ફોન પર વાત કરતાં કરતાં રસ્તામાં ચાલી રહ્યા હતા ત્યારે ટેમ્પોએ ટક્કર મારવાની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ: ડ્રાઈવરની ધરપકડ

નવી મુંબઈમાં ટેમ્પોએ કાંદાના વેપારીને અડફેટે લીધા હતા
નવી મુંબઈમાં ટેમ્પોએ કાંદાના વેપારીને અડફેટે લીધા હતા

નવી મુંબઈની એપીએમસીમાં શનિવારે સાંજે પાછળથી આવી રહેલા ટેમ્પોએ અડફેટે લેતાં કાંદા-બટાટાના વેપારીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વેપારી ફોન પર વાત કરતાં કરતાં રસ્તામાં ચાલી રહ્યા હતા ત્યારના અકસ્માતની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ. ગંભીર રીતે ઘવાયેલા વેપારીનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું હતું.

વાશી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર એપીએમસી કાંદા માર્કેટમાં લોરી-ટેમ્પો અસોસિએશનની ઑફિસ સામે આ અકસ્માત થયો હતો. કોપરખૈરાણેના સૅક્ટર-૩ના એસએસ-૨ રૂમ નંબર ૭૮માં રહેતા ૫૫ વર્ષના કાંદા-બટાટાના વેપારી દિલીપ જાધવ મોબાઇલ પર વાત કરતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ટેમ્પો (એમએચ-0૩-સીપી-૭૨૭૧)ના ૨૩ વર્ષના ડ્રાઇવર હસનૈન અજાઉલ્લાહ ખાને તેમને અડફેટે લીધા હતા.

આ ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. એ વખતે ત્યાં એક માલસામાન લઈ જનારી હાથ-લારી પાર્ક કરાયેલી હતી અને સામેથી એક વ્યક્તિ પણ આવી રહી હતી. એમની વચ્ચે બહુ ઓછો ગેપ હતો અને એ વખતે પાછળથી ટેમ્પોએ અડફેટે લેતાં દિલીપ જાધવ પટકાયા હતા અને ત્યાર બાદ આગળના અને પાછળનાં એમ બન્ને પૈડાં તેમના પરથી ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને વાશી પાલિકાની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં રાત્રે ૮.૧૫ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમૉર્ટમ કર્યા બાદ શનિવારે મોડી રાતે મૃતદેહ તેમના પરિવારને સોંપાયો હતો. ટેમ્પો ડ્રાઇવર હસનૈનને બાદમાં ઝડપી લેવાયો હતો અને તેની સામે ગુનો નોંધાયો હતો.

સ્થાનિક વેપારીઓ અને કામદારોએ અકસ્માત માટે રોડ પર બનેલાં ડિવાઇડરને જવાબદાર ગણાવતા ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ડિવાઇડર બનાવ્યા બાદ રોડ સાંકડો બની ગયો છે. જેને કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે.’

એપીએમસી પોલીસ સ્ટેશનના એપીઆઇ ગજાનન કડાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજની મોડી રાત સુધી ચકાસણી કરી હતી, પણ એમાં હત્યાનો ઇરાદો હોય એવું જણાયું નહોતું. ડ્રાઇવર હસનૈનની પણ પૂછપરછ કર્યા બાદ અકસ્માતની નોંધ કરી તેની સામે અમે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪(એ) બેજવાબદારી- બેકાળજીથી મૃત્યુ કરવું હેઠળ ગુનો નોંધ્યો છે. તેને ગઈ કાલે સીબીડી હોલીડે કોર્ટમાં હાજર કરાયો હતો.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK