ડૉક્ટરો-બિઝનેસમેનોની પત્નીઓએ માણ્યો ગરબા અને દાંડિયાનો આનંદ

Published: 24th October, 2012 07:41 IST

સ્વરગુંજન ગ્રુપ દ્વારા શુક્રવારે જૉલી જિમખાનાના ઍરકન્ડિશન્ડ હૉલમાં થયું ગરબારાસનું આયોજનનિજાનંદ માટે સુગમ સંગીત શીખતી ઘાટકોપરના જાણીતા ડૉક્ટરો અને બિઝનેસમેનોની પત્નીઓના સ્વરગુંજન ગ્રુપ દ્વારા શુક્રવારે ઘાટકોપર-વેસ્ટના જૉલી જિમખાનાના ઍરકન્ડિશન્ડ હૉલમાં બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નવરાત્રિ નિમિત્તે ગરબા-દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટરો અને બિઝનેસમેનોની પત્નીઓ સાથે તેમના કુટુંબની વહુઓ, દીકરીઓ અને તેમની સખીઓ સહિત ૧૭૫થી વધુ મહિલાઓએ સાથે મળીને મન મૂકીને મા જગદંબાની ભક્તિસમા દાંડિયારાસની રમઝટ બોલાવી હતી.

સ્વરગુંજન ગ્રુપ દ્વારા નવરાત્રિમાં એક દિવસ માટે સમાજમાં આગવી પ્રતિભા ધરાવતી હસ્તીઓની પત્નીઓ માતાજીની ભક્તિરૂપી ગરબા અને દાંડિયા મન મૂકીને માણવા માટે સતત નવ વર્ષથી જૉલી જિમખાનાના ઍરકન્ડિશન્ડ હૉલમાં ગરબા-દાંડિયારાસનું આયોજન કરે છે જેમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ તેમનાં બાળકોની જવાબદારીમાંથી મુક્ત થયા પછી જીવનમાં નિજાનંદ મેળવવા માટે ૧૫ વર્ષથી પુરુષોત્તમ ઉપાધ્યાયના શિષ્ય કાનજી પટેલ પાસે ગુજરાતી સુગમ સંગીત શીખવાની સાથે સ્ટેટસ ભૂલીને કોઈ પણ જાતના સંકોચ વગર ગરબા-દાંડિયા રમી શકે એ માટે ૯ વર્ષથી નવરાત્રિના એક દિવસે નોરતાની ઉજવણી કરી રહી છે.

ગ્રુપના આયોજનની માહિતી આપતાં ઘાટકોપરના આઇ-સ્પેશ્યલિસ્ટ વિનોદ મહેતાનાં પત્ની અલ્પા મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપરના ટૉપ બિઝનેસમેનો અને ડૉક્ટરોની પત્નીઓનું નિજાનંદ માટે સુગમ સંગીત શીખવા માટે ૨૦ સખીઓનું એક ગ્રુપ બન્યું જેને નામ આપ્યું સ્વરગુંજન ગ્રુપ. તેઓ ચાર મહિના સંગીત શીખીને કોઈ પણ એક સ્નેહી કે સખીને ત્યાં ભેગા થઈને તેમણે શીખેલી કલાની રજૂઆત તેમના કુટુંબીજનોની વચ્ચે કરે છે. જીવનમાં એક સ્ટેટસ સુધી પહોંચ્યા પછી ઘણી વાર પોતાની પાસે અનેક કલાઓ હોવા છતાં એને જાહેરમાં રજૂ કરવામાં સંકોચ થતો હોય છે. આવા સંજોગોમાં અમે સખીઓએ અમારી આ કલાને અમારા જ કુટુંબની મહિલાઓ અને સખીઓની વચ્ચે મન મૂકીને માણવા માટે નવરાત્રિમાં એક દિવસ જૉલી જિમખાનાના ઍરકન્ડિશન્ડ હૉલમાં દાંડિયારાસ અને ગરબાના કાર્યક્રમનું આયોજન કરીને અમારા સ્ટેટસને ભૂલીને નાચીએ છીએ. ’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK