મલાડના મંડળમાં કાઠિયાવાડનો અસલ મિજાજ

Published: 18th October, 2012 06:44 IST

શ્રી કાઠિયાવાડ નવદુર્ગા રાસમંડળ ઊજવી રહ્યું છે સુવર્ણ મહોત્સવ : અહીં પુરુષો અને સ્ત્રીઓ સાથે રાસ નથી રમતાંપલ્લવી આચાર્ય


કાઠિયાવાડથી મુંબઈ આવી મલાડ (ઈસ્ટ)ના રાણી રાતી માર્ગ પર વસેલા કેટલાક લોકોએ માતાજીની આરાધના કરવા માટે ૧૯૬૩માં શ્રી કાઠિયાવાડ નવદુર્ગા રાસમંડળની સ્થાપના કરી હતી, જેને આ વરસે ૫૦મું વરસ બેઠું. મંડળની સુવર્ણ જયંતી તેઓ ધામધૂમથી ઊજવી રહ્યા છે. નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધી અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શરૂઆત શોભાયાત્રાથી


પહેલા નોરતે આ મંડળના સુવર્ણ મહોત્સવની શરૂઆત હાજી બાપુ રોડ પર આવેલા અંબામાતાના મંદિરથી શોભાયાત્રાના રૂપમાં થઈ હતી, જે રાણી સતી માર્ગ પર આવેલા કાઠિયાવાડ ચોકના મંડપમાં પૂરી થઈ હતી. શોભાયાત્રામાં સ્ત્રીઓ અને પુરુષો જોડાયાં એટલું જ નહીં, તેમણે અલગ-અલગ ગરબા ગાયા અને દાંડિયા રમ્યા. આ યાત્રામાં માતાજીની એક પાલખી પણ હતી, જેમાં માતાજીનો ગરબો પધરાવાયો હતો, જે પછી મંડપમાં પધરાવાયો.

ભગવતીચરિત્ર ગાયું ગઢવીએ શોભાયાત્રા પત્યા પછી સાંજે સાત વાગ્યે મંડપમાં લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ ભગવતીના ચરિત્રને તેમની રસાળ શૈલીમાં વર્ણવ્યું. એ પછી અતિથિઓની હાજરીમાં આ મંડળની સ્થાપના જે ૨૦ લોકોએ કરી હતી તેમનો સત્કાર થયો તથા તેમને મંડળની એક ટ્રોફી આપવામાં આવી. મંડળની સ્થાપના કરનારા ૨૦માંથી અત્યારે ત્રણ જણ જ હયાત છે. જે હયાત છે તેમનું સન્માન થયું અને મોટા ભાગના હયાત નથી તેમની ટ્રોફી તેમના મોટા દીકરાને આપવામાં આવી. એ પછી એક રાઉન્ડ ગરબાનો રમાયો.

પરંપરા અને રમઝટ

અહીં રાસગરબાની પરંપરાગત રમઝટ થાય છે. ગરબા-રાસ ગાઈને તેમણે ૫૦ વર્ષ પહેલાં શરૂ કરેલી માતાજીની આરાધના આજે પણ અકબંધ છે. મુંબઈ આખું ભલે ડ્રમ, બૅન્ડ અને ડિસ્કોના તાલે નાચે; પણ અહીં પરંપરાગત વાદ્ય તબલાં, મંજીરાના તાલે જ આજે પણ રાસ લેવાય છે. અહીંના ખેલૈયાઓ પણ પરંપરાગત કેડિયું, ચોયણી પહેરી ઘૂઘરીવાળા ડાંડિયા લઈને રમે છે. જેની પાસે આ પોશાક ન હોય તેને રાસગરબામાં એન્ટ્રી નથી. ગરબા પણ માતાજીના જ ગવાય છે, કોઈ ફિલ્મી ગીતો નહીં. તબલાં, મંજીરા અને ઝાંઝના તાલે ૨૪ જણ જોડીમાં નૉન-સ્ટોપ બે કલાક રાસ રમે છે અને ત્યારે સાત સ્ટેપ્સ લે છે. આઠ વાગ્યે રાસ શરૂ થાય અને ૧૦ વાગ્યે પૂરો થઈ જાય છે. આ રાસ એક વાર શરૂ થાય પછી એમાં વચ્ચે જોડાઈ પણ ન શકાય કે એમાંથી બહાર પણ ન નીકળી શકાય એવી એની સ્પીડ હોય છે. તાલ સાથે સ્પીડ વધઘટ થતી રહે છે.

સ્ત્રી-પુરુષ સાથે નહીં

અહીની એક બીજી વિશેષતા એ છે કે સ્ત્રીઓ અને પુરુષો સાથે નથી રમતાં. પુરુષો કેટલાક રાઉન્ડ રમી લે પછી જ સ્ત્રીઓ રમે છે. બે વર્ષથી લઈને કોઈ પણ એજના લોકો રમી શકે છે, એથી જ એકસાથે ત્રણ પેઢી રમતી હોય એવું પણ બને છે.

કાઠિયાવાડીઓ સાથે બીજા પણ...

અહીં અગાઉ માત્ર કાઠિયાવાડી લોકો જ રહેતા હતા, પણ હવે બીજી કૉમ્યુનિટીના લોકો તથા મહારાષ્ટ્રિયન લોકો પણ રહે છે. તેઓ પણ રાસ રમે છે. આ રાસનાં સ્ટેપ્સ કોઈને શીખવવામાં નથી આવતાં, બધા પોતાની જાતે જ શીખી લે છે. રાસ મંડપમાં મૂકેલા ચાંદીના ગરબાની ફરતે જ લેવાય છે. ઉપરાંત મંડપમાં એક ગરબી પધરાવાય છે. એ પધરાવે ત્યારે અને એને વિદાય કરે ત્યારે ખાસ આરતી થાય છે. દર દશેરાએ હવન થાય છે.

કાર્યક્રમ

આ મંડળમાં શુક્રવારે સાંજે આઠ વાગ્યે આરતી-સજાવટનો કાર્યક્રમ છે. શનિવારે રાત્રે આઠ વાગે મા દુર્ગાની પારંપરિક વેશભૂષા છે. સોમવારે આઠમની મહાઆરતી છે. બુધવારે સવારે નવ વાગ્યે હવન છે. સાંજે ચાર વાગે ગરબાવિસર્જન છે. દશેરાના બીજા દિવસે સત્યનારાયણની મહાપૂજા, માતાજીની આરતી તથા ભંડારો છે. આમ અસલ કાઠિયાવાડી મિજાજ અને પરંપરાને જોવાં-જાણવાં-માણવાં હોય તો એક વાર આ રાસની મુલાકાત જરૂર લેવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK