ગરબે રમતા ખેલૈયાના માથે ચક્કર ફરતું ટાયર ક્યારેય જોયું છે તમે?

Published: 23rd October, 2012 07:18 IST

અમદાવાદમાં આ નોરતે આ ટાયર-સ્ટેપે ધૂમ મચાવી છેરશ્મિન શાહ

અમદાવાદના અર્વાચીન દાંડિયારાસ જોવા જતા લોકોની આંખો આજકાલ અચરજના આંજણવાળી જોવા મળી રહી છે, કારણ કે આ વર્ષે અમદાવાદના કેટલાક ખેલૈયાઓ ટાયર-સ્ટેપ બહુ સરસ રીતે રમી રહ્યા છે.

આ ટાયર-સ્ટેપમાં ખેલૈયાઓના માથા પર સાઇકલના ટાયરની સ્ટીલની રિંગ હોય. ખેલૈયાઓ રમતા જાય અને એ રિંગ માથા પર ગોળ-ગોળ ફરતી જાય. આ રિંગ જો માથા પરથી પડે તો સ્વાભાવિકપણે ખેલૈયાઓનો રાસ બગડી જાય એટલે આ રાસ રમતાં પહેલાં બૅલેન્સિંગની જબરદસ્ત પ્રૅક્ટિસ કરવી પડતી હોય છે. માથે રિંગની સાથે ગરબા રમવાનું આ સ્ટેપ ડિઝાઇન કરનારા અમદાવાદના જાણીતા ગરબા-એક્સપર્ટ જિતેન વાઘેલા ‘મિડ-ડે’ને કહે છે, ‘દાંડિયા અને તાળીરાસના ચલણ વચ્ચે અમે દર વર્ષે જુદાં-જુદાં સ્ટેપ લઈ આવીએ છીએ. પખાલ, મંજીરાનાં સ્ટેપ્સ લાવ્યા પછી આ વર્ષે પેટ્રોલના ભાવવધારાને ધ્યાનમાં રાખીને અમને સાઇકલનો વિચાર આવ્યો. સાઇકલને તો સ્ટેપમાં લઈ આવવાનું શક્ય નહોતું એટલે અમે સાઇકલના પાર્ટને લઈને સ્ટેપ ડિઝાઇન કરવાનું વિચાર્યું જેમાંથી આ ટાયર-સ્ટેપ ડેવલપ કર્યું.’

રમવા માટે તૈયાર કરવામાં આવેલી રિંગના છેડે બોલ્ટ ફિટ કરવામાં આવે છે. માથા પર કપડું બાંધીને ટાયરને માથા પર સેન્ટરમાં ગોઠવવામાં આવે છે અને પછી એવી રીતે સ્ટેપ લેવામાં આવે છે કે જેથી માથે રહેલું ટાયર ગોળ-ગોળ ફરવા લાગે. આ ટાયર ગોળ ફરે એટલે ખેલૈયાને માથે પ્રેશર પણ આવે અને ટાયરની ધરીમાં જૉઇન્ટ કરવામાં આવેલો બોલ્ટ તેને ખૂંચે પણ ખરો, પણ લોકો જે ઉત્સાહથી ખેલૈયાનું ટાયર-સ્ટેપ જોતા હોય છે એનાથી ખેલૈયાને દરદ સહેવાની તાકાત આવી જાય.

આ ટાયર-સ્ટેપમાં બૅલેન્સનું અત્યંત મહત્વ છે. આકરી પ્રૅક્ટિસ પછી જ આ સ્ટેપ શક્ય છે. જો રમતાં-રમતાં ખેલૈયાના માથેથી ટાયર છટકે તો બીજાને ઈજા પહોંચે એ બીક વચ્ચે નવરાત્રિના પહેલા દિવસે તો અમદાવાદના આયોજકોએ ટાયર-સ્ટેપ રમનારા ખેલૈયાઓને બધાથી દૂર રમવાની સલાહ આપી હતી, પણ પછી ખેલૈયાઓનો કૉન્ફિડન્સ જોઈને તેમને લોકોની વચ્ચે રમવાની પરમિશન આપી દીધી.

તસવીર : હનીફ સિંધી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK