નવરાત્રિ આવી ગઈ? ઓહ... માય ગૉડ!

Published: 19th October, 2012 06:37 IST

ન્યુસન્સ નવરાત્રિમાં જ છે એવું થોડું છે? સંસારમાં એવું કયું ક્ષેત્ર છે જ્યાં કોઈ ન્યુસન્સ નથી? નવરાત્રિ આવી જનરેશનને પતંગિયું બનાવી મૂકે છે એ કંઈ કમ નથીફ્રાઇડે-ફલક - રોહિત શાહ

‘ઓહ માય ગૉડ. નવરાત્રિ તો આવી ગઈ..!’ એક ઉદ્ગાર આ છે. બીજો ઉદ્ગાર આવો છે : ‘નવરાત્રિ આવી ગઈ? ઓહ માય ગૉડ!’ ડિફરન્સ સમજાઈ ગયો હશે. પહેલા ઉદ્ગારમાં ‘વાઉ..!’નું પૂંછડું જોડી શકાય, બીજા ઉદ્ગારમાં ‘ઓહ..!’નું પૂંછડું.

ઘોંઘાટિયા તહેવારો ઊજવ્યા વગર આપણા આધ્યાત્મિક જીવડાઓને ચેન પડતું નથી, એવો બળાપો તમે વારંવાર આલાપો તોય એનો કશો અર્થ નથી, કારણ કે એવા આલાપ કોઈ સાંભળતું નથી. મોટા ભાગની પ્રજાને તો નાચવું જ હોય છે, બસ નિમિત્ત મળવું જોઈએ! નવરાત્રિ હોય કે કોઈકનો લગ્નપ્રસંગ, બર્થ-ડે પાર્ટી હોય કે ઍન્યુઅલ ફંક્શન હોય, ડિસ્કો થેક હય કે ડાન્સબાર - નાચવું એ આપણો આદતસિદ્ધ અધિકાર છે.

નવરાત્રિ નવી જનરેશનને પતંગિયુ બનાવે છે અને ઓલ્ડ જનરેશનને તંગ કરે છે. એકમાં ‘વાહ’ છે, બીજામાં ‘આહ’ છે.

ઓલ્ડ જનરેશનની ‘આહ’નું મનોવૈજ્ઞાનિક કારણ ભીતરનો અજંપો છે કે અમારા જમાનામાં આટલી બધી છૂટછાટ, આટલી બધી અનુકૂળતા અને આટલી બધી સગવડો નહોતી, ‘રહી ગયેલા’ માણસને ‘લઈ ગયેલા’ માણસની ઈષાર્ ન ઊપજે તો જ નવાઈ!

નવરાત્રિમાં કેટલાંક ન્યુસન્સ જોવા મળે છે, છતાં આઇ લવ નવરાત્રિ. એમ તો સંસારમાં એવું એકેય ક્ષેત્ર નથી, જેમાં કોઈ ન્યુસન્સ કે પોલ્યુશન ન હોય. એટલે શું આપણે સંસાર છોડીને ભાગી જવાનું? થોડા અણગમા સાથે અને થોડીક શિકાયતો સાથે એનો સ્વીકાર કરવાથી આપણું બ્લડપ્રેશર કાબૂમાં રહે છે.

આખાય વિશ્વમાં એક જ ધર્મ એવો છે કે જેમાં પુરુષ અને પ્રકૃતિ (સ્ત્રી અને પુરુષ) સમાન આદર પામ્યાં છે. એ ધર્મને સૌ હિન્દુ ધર્મ કહે છે. અન્ય કોઈ પણ ધર્મની વાત સાંભળશો તો એમાં એના ધર્મપ્રવર્તક તરીકે માત્ર પુરુષનો જ આદર થતો જોવા મળશે. કોઈ ર્તીથંકર હોય કે પયગંબર, કોઈ ગૉડ હોય કે ગુરુ - સર્વત્ર માત્ર પુરુષપ્રધાનતા જોવા મળશે. હિન્દુ ધર્મમાં રામના નામ સાથે સીતાનું નામ જોડાયેલું જ હશે. શ્રીકૃષ્ણના નામ સાથે રાધાનું નામ જોડાયેલું હશે. શિવ-પાર્વતીની વાત કરો કે વિષ્ણુ-લક્ષ્મીજીની વાત કરો. એમાં સ્ત્રીને પુરુષની સમાંતરે સ્થાન મળ્યું છે. હિન્દુ મંદિરોમાં તો મૂર્તિઓ પણ રામ-સીતા, કૃષ્ણ-રાધા, શિવ-પાર્વતીની સંયુક્ત હોય છે. નવરાત્રિ દરમ્યાન ઠેર-ઠેર આવાં પુરુષ-પ્રકૃતિનાં યુગલો હિલ્લોળે ચઢેલાં જોવા મળે છે. નવરાત્રિ માત્ર પુરુષને કે માત્ર સ્ત્રીને, કોઈને વિશેષાધિકાર આપનારું પર્વ નથી.

આમ પાછા આપણે ડાહી-ડાહી વાત કરીએ છીએ કે આત્મા ન સ્ત્રી છે, ન પુરુષ. આત્મા કેવળ આત્મા જ છે, પરંતુ જ્યારે સંસારમાં કે ધર્મમાં કેટલાક વિશેષ અધિકારો આપવાની વાત આવે છે ત્યારે આત્માની વાતો જૂઠી પુરવાર થાય છે. સ્ત્રીના પડછાયાથી પણ દૂર ભાગનારા લોકોને આપણે કશાય કારણ વગર ધર્માત્મા અને પુણ્યાત્માના નામનું સ્ટિકર ચોંટાડી દઈએ છીએ અને એમાં દંભીઓનાં ચરણોમાં આળોટવા મંડીએ છીએ. જો શુદ્ધાત્માની જ ફિલોસૉફી આપણે સ્વીકારવાની હોય તો પછી સ્ત્રી અને પુરુષના ભેદ હોય જ શાના? નક્કી, આપણને કોઈક છેતરી રહ્યું છે...

દરેક ધર્મ પાસે પોતાની ખૂબીઓ છે અને ખામીઓ પણ છે. જો ખામીઓ સુધરતી રહે તો ખૂબીઓ સમૃદ્ધ થતી રહેશે, પણ જો ખામીઓ પર ઢાંકપિછોડા થતા રહેશે તો ખૂબીઓ પણ ખતમ થતી રહેશે.

એક તરફ આપણે એમ કહીએ છીએ કે જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવો આવીને રમે છે - વસે છે, બીજી તરફ નારીને નરકની ખાણ કહેનારા બબૂચકોય છે. સ્ત્રી (પત્ની)ને પુરુષની અધાર઼્ગના કહી છે. એનાથી છૂટવું એટલે અધૂરા થઈ જવું. અધૂરા હોય એ મધુરા શી રીતે થાય? નવરાત્રિ આપણને મધુરા થવાનું શીખવે છે.

બીજી એક વાત તરફ આપણું ધ્યાન જવું જોઈએ કે નવરાત્રિ એ પૂર્ણપણે શક્તિની પૂજાનું પર્વ છે. દુર્ગા કહો કે અંબા કહો, એ નારીશક્તિનું પ્રતીક છે. એક તરફ સ્ત્રી-ભ્રૂણહત્યા થતી રહે અને બીજી તરફ દેવી-શક્તિની ભક્તિ પણ થતી રહે તો આપણે ભૂલા પડેલા છીએ એ સ્વીકારવું જ પડે. પુત્રીના જન્મને અભિશાપ સમજનારો વર્ગ આપણે ધારીએ છીએ એટલો નાનો નથી. કાનૂની પ્રતિબંધ હોવા છતાં ખાનગીમાં ગર્ભપરીક્ષણ કરનારા રાક્ષસો હજી પોતાનું કામ કરતા રહે છે. ગર્ભમાં સ્ત્રી બાળક હોય તો અબૉર્શન કરાવવામાં આવે છે. માત્ર કાયદાથી આ પાપ અટકવાનું નથી. મને તો લાગે છે કે જો આમ જ ચાલ્યા કરશે તો ભવિષ્યમાં યુવાન છોકરાઓને પરણવા માટે કન્યાઓ જ નહીં મળે! એક તો કન્યાઓની સંખ્યા ઓછી હશે, એમાંય કેટલીક કન્યાઓ મૅરેજ કરવા જ તૈયાર નહીં હોય ત્યારે પુરુષોની હાલત કેવી થશે? ભૂતકાળમાં દીકરીનો બાપ દહેજ આપતો હતો, ભવિષ્યમાં દીકરાનો બાપ કાલાવાલા કરીને દહેજ આપતો હશે અને દીકરીનો બાપ ગૌરવ અનુભવતો હશે. જે દેશમાં દેવીપૂજા થતી હોય, એ દેશમાં સ્ત્રી-ભ્રૂણહત્યા પણ થતી હોય એ આર્યની વાત નથી, આઘાતની વાત છે. નવરાત્રિ પર્વ આપણને એવા આઘાતથી, એવા પાપથી બચાવનારું પર્વ બની રહેવું જોઈએ.

શરીરની તંદુરસ્તી, મનની તાજગી

નવરાત્રિ એક રીતે ફિટનેસ-પર્વ પણ છે. ધાર્મિક અને આધ્યાત્મિક વાતોને બાજુએ મૂકીએ, પાપ-પુણ્યની ફિલોસૉફીને જરા વેગળી મૂકીએ અને નવરાત્રિ દરમ્યાન થતાં નાચગાનની વાત કરીએ તો એ નાચગાન શરીરને નવી તાજગી, સ્ફૂર્તિ અને શક્તિ આપે છે. કલાકો સુધી પોતાના શરીરને જાતજાતના વળાંકો આપીને કુદાવવું-દોડાવવું એ કોઈ જેવી તેવી એક્સરસાઇઝ નથી. એનાથી ફિઝિકલ ફિટનેસ વધે છે. માત્ર શારીરિક તંદુરસ્તીની જ વાત નથી, માનસિક તાજગીનું બૅલેન્સ પણ જળવાય છે. કુદરતે જે વિજાતીય આકર્ષણનો કરિશ્મા પેદા કર્યો છે, એ આવાં પર્વોમાં મન મૂકીને માણી શકાય છે. પોતપોતાના બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે નાચવું-કૂદવુ એ સ્વયં પુણ્ય જ છેને!

વલ્ગૅરિટીથી બચીએ

પરંતુ આપણે ત્યાં એક કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકરડોય હોય. નવરાત્રિ જેવા મસ્તીપર્વને આપણે ક્યારેક વલ્ગૅરિટીનું વરવું સ્વરૂપ આપી દઈએ છીએ. મારા એક ગાયનેક મિત્ર કહે છે કે, નવરાત્રિ પછીના ત્રણ-ચાર મહિના પછી અમારે ત્યાં અબૉર્શન માટે સારી ઘરાકી રહે છે. સેક્સને પાપ નથી સમજવાનું, પણ જો એ ધર્મના નામે થતું હોય તો પાપ કહેવાય. કોઈ સાધુ કે ધર્મગુરુઓનાં સેક્સકૌભાંડ પકડાય એ વલ્ગૅરિટી છે - વ્યભિચાર છે. જો એ જ વ્યક્તિ સંસારની એક વ્યક્તિ તરીકે સેક્સ એન્જૉય કરે તો સમાજ એને સહજરૂપે સ્વીકારે છે. ધર્મના લેબલ હેઠળ અને બ્રહ્મચર્યના બૅનર હેઠળ આવાં ગંદાં કામ થાય એ પાપ છે. નવરાત્રિ જેવા પવિત્ર પર્વને થોડાંક અનિષ્ટ તkવો અભડાવતાં રહે છે. એનાથી બચી શકાય એટલી સભાનતા આજનાં યુવક-યુવતીઓએ કેળવવી જોઈએ અને વડીલોએ તેમને નિખાલસ ગાઇડન્સ આપવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK