આ નવરાત્રિમાં ટીપણી છે ઇન થિંગ

Published: 16th October, 2012 08:13 IST

એ ઉપરાંત સાલ્સા દાંડિયા અને મટુકી ગરબા સહિતનાં અનેક અવનવાં ડાન્સ-સ્ટેપ્સ પણ જોવા મળવાનાંનવરાત્રિના ગ્રાઉન્ડ પર રમવા માટે સો કાઉન્ટનાં સ્ટેપ્સ આ વખતે દાદરમાં ગુરુકુળ ઍકૅડેમી નામે ગરબા શીખવતા હિતેન ગાલાએ તેમના સ્ટુડન્ટ્સને શીખવ્યાં છે. ૧૫ વર્ષથી ગરબા ક્લાસિસ ચલાવી રહેલા હિતેનભાઈ કહે છે, ‘ટીનેજર્સને દર વખતે કોઈક નવાં સ્ટેપ્સ જોઈતાં હોય છે તેથી આ વખતે અમે સો કાઉન્ટનું એક સ્ટેપ તૈયાર કરાવ્યું છે. આ ઉપરાંત બીજાં પણ અનેક ફ્યુઝન સ્ટેપ્સ તૈયાર કરાવ્યાં છે.’

ટીપણી ગરબા

ટ્રેડિશનલ જે ટીપણી નૃત્ય છે એને ગરબા સાથે મિક્સ કરી હિતેનભાઈએ ટીપણી ગરબા સ્ટેપ્સ શીખવ્યાં છે.

ટીપણી વાસ્તવમાં છે શું? હિતેનભાઈના ક્લાસમાં ગરબા શીખવી રહેલાં દક્ષા વોરા કહે છે, ‘ટીપણી એટલે એક એવી લાકડી જેની નીચેના ભાગે ગોળ યા ચોરસ બેઠક હોય. આ ટીપણી લઈને જે નૃત્ય થાય એ ટીપણી નૃત્ય. અમે ટીપણી નૃત્યનાં સ્ટેપ્સ સાથે ગરબાનાં સ્ટેપ્સ મિક્સ કર્યા અને ટીપણી ગરબા તૈયાર કર્યા છે.’

વાસ્તવમાં ટીપણી એટલે ટીપવા માટેની લાકડી. જૂના જમાનામાં ખોદેલી જમીનને નીચે બેઠકવાળી લાકડી વડે ટીપીને સમથળ કરવામાં આવતી હતી.

આઠ કાઉન્ટનાં આ સ્ટેપ્સ વિશે વાત કરતાં દક્ષા વોરા કહે છે, ‘ટીપણી ગરબા માટે અમે ખાસ લાકડીઓ તૈયાર કરાવી છે જેના ઉપરના ભાગે ઘૂઘરીઓ પણ મુકાવી છે. આમ પણ આ ટ્રેડિશનલ ડાન્સ સમૂહમાં થાય છે.’

સાલ્સા દાંડિયા


આ વખતે નવરાત્રિના ગ્રાઉન્ડમાં અનેક ફ્યુઝન ડાન્સ પણ જોવા મળશે. હિતેનભાઈએ રાસ દાંડિયા સાથે સાલ્સાનું ફ્યુઝન કરીને સાલ્સા દાંડિયા સ્ટેપ્સ શીખવ્યાં છે. આઠ કાઉન્ટના આ સ્ટેપમાં કપલ દાંડિયા રમશે, જેમાં દાંડિયા સાથે જ સામસામે હાથ પકડવાના છે અને ટર્ન પણ થવાનું છે. સાલ્સામાં જેમ લૉક થાય છે એ પણ કરવાનું અને ટર્ન થઈ રમતાં-રમતાં બહાર આવવાનું.

મટુકી ગરબા

હિતેનભાઈએ આ વખતે મટુકી ગરબા નામે એક નવું ડાન્સ-સ્ટેપ શીખવ્યું છે જેમાં માથે ગાગર અથવા તો મટુકી મૂકી એને એક હાથે પકડી રાખવા સાથે ડાન્સ-સ્ટેપ્સ કરવાનાં છે. આ ડાન્સમાં એક જ હાથની મૂવમેન્ટ છે એની વાત કરતાં દક્ષા વોરા કહે છે કે જો આખા ગ્રુપ પાસે મટુકી હોય તો અમે એક ઇન-આઉટ સ્ટેપ પણ શીખવ્યું છે.

સિગ્નેચર ફૉર્મ

નવરાત્રિના ગ્રાઉન્ડ પર માત્ર ગરબાનું મ્યુઝિક જ નથી વાગતું, ફિલ્મોનાં ગીતો પણ વાગે છે. આ ગીતો સાથે તાલ કેવી રીતે મિલાવી શકાય એ પણ હિતેનભાઈએ ખાસ શીખવ્યું છે, કારણ કે ફેમસ હિન્દી ગીતોની ધૂન પર ગરબા સાથે સ્ટેપ્સ કરવામાં કેટલાક ખેલૈયાઓ ગૂંચવાઈ જાય છે. હિતેનભાઈ કહે છે, ‘ફિલ્મ ‘રાઉડી રાઠોડ’નું ‘ચિંતા તા...’ હોય કે ‘ઢિંક ચિકા...’ હોય કે ‘છમ્મકછલ્લો...’ હોય; અમે એનાં ઓરિજિનલ સ્ટેપ્સમાં સિગ્નેચર મૂવમેન્ટ નાખી ગરબાનાં સ્ટેપ્સ સાથે એનું ફ્યુઝન કર્યું છે.’

આમ આ બધાં જ સ્ટેપ્સ આ વખતે ધમાલ મચાવશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK