વિરારમાં ૧૦૧ વર્ષની પરંપરાગત નવરાત્રિ

Published: 25th October, 2012 07:39 IST

ગાયકથી લઈને ઢોલક વગાડવા આવનાર ૫ણ એક જ પરિવારનાવિરારમાં એક જ પરિવાર દ્વારા છેલ્લાં ૧૦૧ વર્ષથી નવરાત્રિની ખૂબ જ પરંપરાગત પદ્ધતિથી ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિમાં માતાના ગરબા ગાતા ગાયક અને ઢોલ-નગારાં વગાડવા આવનારનો પરિવાર પણ છેલ્લાં ૧૦૧ વર્ષથી આ પરંપરા પાળી રહ્યો છે.

વિરાર-વેસ્ટમાં સ્ટેશનની બહાર આવેલા મનોહરદાસ ગોપાલજી ઍન્ડ કંપનીના કમ્પાઉન્ડમાં છેલ્લાં ૧૦૧ વર્ષથી શાહ પરિવાર અને શેઠ પરિવારના નામે ઓળખાતા પરિવારના પૂર્વજો દ્વારા નવરાત્રિની ઉજવણી પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવે છે. શાહ પરિવારના બધા જ ભાઈઓ એક થઈને નવરાત્રિનો ખર્ચો કરે છે. આ વિશે જણાવતાં શાહ પરિવારની પાંચમી પેઢીના ચેતન શાહે કહ્યું હતું કે ‘અમે આમ તો સ્થાનકવાસી જૈન સમાજના છીએ, પણ અંબા માતાને કુળદેવીરૂપે માનીએ છીએ. ભાવનગરના કોરડી ગામમાં અમારી કુળદેવી અંબા માનું મંદિર છે. અંબા માતા પર અમારા પૂર્વજોને બહુ શ્રદ્ધા હતી તેથી તેમણે નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. વિરારમાં થનારી પહેલી નવરાત્રિ અમારી જ હતી એટલે લોકો દૂર-દૂરથી અહીં ગરબા રમવા આવતા હતા. માતાના ગરબા રમવા લોકોની લાઇન લાગતી હતી. અમારી નવરાત્રિમાં ગુજરાતીઓ જ નહીં, બધા ધર્મના લોકો આવે છે. અમારે ત્યાં જે લોકો ગરબા ગાવા આવે છે એ પરિવાર પણ તેમના પૂર્વજોથી અહીં સ્વેચ્છાએ આવે છે. આ ઉપરાંત અમારી પાસે દાદા-પરદાદાએ વસાવેલાં ઢોલ, નગારાં, મંજીરા વગેરે વગાડવા પણ વર્ષોથી એક જ પરિવારના સભ્યો આવે છે એટલે અહીં નવરાત્રિની ઉજવણી પરંપરાગત રીતે થાય છે. અહીં પહેલાં પાંચ ગરબા બેસીને બધા એકસાથે ગાય છે અને ત્યાર બાદ માતાની આરતી ઉતારવામાં આવે છે. ત્યાર બાદ માતાનું નામ લેતાં બધા રાસ-ગરબા રમે છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ રાસ-ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સિનિયર સિટિઝનોને તો અહીંની નવરાત્રિ ખૂબ ગમતી હોવાથી તેઓ ગરબા રમવા અહીં જ આવે છે. અમારા પૂર્વજો દ્વારા શરૂ કરવામાં આવેલી નવરાત્રિની પરંપરા અમે પણ ચાલુ રાખી છે અને એ હંમેશાં ચાલતી રહેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK