Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રકૃતિએ આપેલી મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ એટલે શિયાળામાં મળતાં શાકભાજી

પ્રકૃતિએ આપેલી મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ એટલે શિયાળામાં મળતાં શાકભાજી

13 January, 2020 04:16 PM IST | Mumbai Desk
varsha chitaliya | varsha.chitaliya@mid-day.com

પ્રકૃતિએ આપેલી મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ એટલે શિયાળામાં મળતાં શાકભાજી

પ્રકૃતિએ આપેલી મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ એટલે શિયાળામાં મળતાં શાકભાજી


શિયાળો એટલે અડદિયો ખાવાની મોસમ, શિયાળો એટલે બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો, શિયાળો એટલે તેલથી લસલસતું ઊંધિયું, શિયાળો એટલે બત્રીસ પકવાન ખાવાની ફૂલગુલાબી ઋતુ. આહા! મોઢામાં પાણી આવી ગયુંને! વાસ્તવમાં આ સીઝન માત્ર જીભના ચટાકા માટેની નહીં, તંદુરસ્તી માટેની છે. જોકે મુંબઈમાં જોઇએ એવી ઠંડી પડતી નથી, પરંતુ ચમકારો છે. મુંબઈગરાઓ માટે ઠંડીની મજા એટલે તાજી લીલી શાકભાજી. આજે આપણે શિયાળામાં ખૂબ ખવાતી લીલી શાકભાજીનાં પોષક તત્ત્વો વિશે વાત કરીએ.

બિયાંવાળી શાકભાજી
અત્યારે બજારમાં વિપુલ પ્રમાણમાં મળતાં પાપડી, વટાણા, તુવેર, વાલોળ, લીલા ચણા, ચોળી વગેરે વિટામિન્સનો ખજાનો છે એમ જણાવતાં કાંદિવલીનાં ન્યુટ્રિશનિસ્ટ કિલ્પા કચેરિયા કહે છે, ‘શિયાળામાં મળતી લીલી શાકભાજી સ્ટાર્ચ, ફાઇબર અને કાર્બોઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. લીલા વટાણામાં વિટામિન K અને પ્રોટીનની માત્રા ઘણી ઊંચી હોય છે. સો ગ્રામ વટાણામાં આશરે ચાર ગ્રામ પ્રોટીન હોય છે. વટાણા આમ તો બારેમાસ મળે છે, પણ અત્યાર જેવાં કુમળાં અને લીલાછમ બિયાં પછી જોવા મળતાં નથી તેથી ખવાય એટલા ખાઈ લેવા જોઈએ. વટાણાની જેમ લીલી તુવેરમાંથી પણ પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી રહે છે. સારા પ્રમાણમાં સલ્ફર ધરાવતી તુવેર ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે જરૂરી છે. કોષોને લગતા ઘસારાથી આપણને સુરક્ષિત રાખે છે. ડાયાબિટીઝના દરદીએ ખાસ ખાવી જોઈએ. ફાઇબરનો વિશેષ ગુણ ધરાવતી પાપડી આંતરડાની સફાઈ કરે છે તેમ જ એના રેષાઓ કૉલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. હમણાં લાલ અને લીલી ચોળી ખૂબ આવે છે. એનાં બિયાં પણ ગુણકારી છે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણ ધરાવતી શાકભાજીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલું જ નહીં, પ્રદૂષણથી લડવાની તાકાત મળે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યા ધરાવતી મહિલાઓએ બિયાંવાળી શાકભાજી ખાસ ખાવા જોઈએ. આપણે ત્યાં ખૂબ ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ગુણકારી છે એનું કારણ એમાં પડતી બિયાંવાળી શાકભાજી છે.’
પાનવાળી ભાજી
બિયાંવાળી શાકભાજી ઉપરાંત લીલું લસણ, લીલા કાંદા, મૂળા, તાંદળિયાની ભાજી, પાલક અને મેથીની ઝૂડી પણ આ જ સીઝનમાં સારી મળે છે. ન્યુટ્રિશનથી ભરપૂર પાનવાળી લીલી ભાજી પણ ખૂબ ખાવી જોઈએ એમ જણાવતાં કિલ્પા આગળ કહે છે, ‘અન્ય પાનવાળી ભાજીની તુલનામાં મેથીમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ભાજીમાં કુદરતી રીતે જ મીઠાનું પ્રમાણ હોય છે તેથી રસોઈમાં વધુ મીઠું નાખવાની જરૂર રહેતી નથી. આ રીતે બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. સારુંએવું પાણીનું પ્રમાણ ધરાવતી લીલી ભાજી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં હેલ્પ કરે છે. શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જતી હોય તેમણે ભાજી ખૂબ ખાવી જોઈએ.’
શિયાળામાં જ કેમ?
શિયાળામાં મળતી તાજાં મજાનાં લીલાં શાકભાજી પ્રકૃતિએ આપેલી મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ છે. કઈ શાકભાજીમાં કેટલી કૅલરી છે કે કેટલાં પોષક તત્ત્વો છે એની પળોજણમાં પડવા કરતાં એને આરોગવાની મજા લો એ વધુ મહત્ત્વનું છે એવો અભિપ્રાય આપતાં ઓજસ લાઇફ નૅચરલ લિવિંગ એક્સપર્ટ પારુલ શેઠિયા પાન્ડે કહે છે, ‘આ સીઝનમાં આપણે લીલી શાકભાજી ખૂબ ખાઈએ છીએ, કારણ કે એ સસ્તી છે અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હેલ્ધી રહેવાનો સરળ માર્ગ છે રીજનલ અને સીઝનલ ફૂડનો ઇનટેક. સ્થાનિક બજારમાં જે શાકભાજી ઢગલાબંધ તેમ જ સૌથી સસ્તી મળે એ ખાવી જોઈએ. પ્રકૃતિએ દરેક સ્થળના હવામાનને અનુરૂપ વ્યવસ્થા કરેલી છે. તમે જોશો તો મરી, લવિંગ, તજ જેવા તીખા તમતમતા મસાલા ત્યાં જ ગ્રો થાય છે જ્યાં ખૂબ ઠંડી પડે છે. એવી જ રીતે આપણને અત્યારે વાલોળ, વટાણા, પાપડી જેવી શાકભાજી મળી રહી છે એ મુંબઈના વાતાવરણને અનુરૂપ ઊગેલી છે. લીલા કાંદા, લીલું લસણ અને અન્ય ભાજીઓ પણ આ જ સીઝનમાં મળે છે. લીલાં પાનવાળાં કાંદા-લસણ ખાવાથી તમારા શરીરમાં ગરમાવો રહે છે. શિયાળુ શાકભાજીની બીજી વિશેષતા છે એની ગુણવત્તા. વીસ રૂપિયે કિલોના ભાવના વટાણાની જે ગુણવત્તા છે એવી તમને ૧૨૦ રૂપિયા આપતાં ઉનાળામાં નથી મળવાની.’
આસપાસમાં ઊગતી શાકભાજી અને મોસમી ફળ તમારા બૉડીને ડિટૉક્સ કરે છે. આગળ વાત કરતાં પારુલ કહે છે, ‘શરીરને અંદરથી સ્વચ્છ કરવા શાકભાજીને કાચી જ ખાવી જોઈએ. હવે તમને થશે કે વટાણા કે વાલોળ કંઈ કાચા ખવાતા હશે? વાસ્તવમાં રાંધેલો આહાર મારો વિષય નથી. પ્રાકૃતિક જીવનશૈલી કન્સેપ્ટ પ્રમાણે રાંધવું એટલે ડેડ ફૂડ. જોકે બિયાંવાળી શાકભાજી આપણે રાંધીને જ ખાવા ટેવાયેલા છીએ. આપણે શ્રમ નથી કરતા તેથી કાચી શાકભાજી પચવામાં ભારે પડે છે. રાંધવાથી ન્યુટ્રિશન વૅલ્યુ સંપૂર્ણપણે ખતમ નથી થતી, પરંતુ ઓછી થઈ જાય છે તેથી શક્ય હોય ત્યાં સુધી એને ગળી જાય ત્યાં સુધી ન રાંધવું જોઈએ.’
આટલું કરો
ઘણી મહિલાઓ એવી શાકભાજીને ધૂએ છે જેની છાલ ખાવાની હોય. બીયાં તો અંદરથી કાઢ્યાં છે તેથી ધોવાની શું જરૂર એવું તેઓ માને છે. આવું ન કરવાની ભલામણ આપતાં કિલ્પા કહે છે, ‘શાકભાજી માટીમાં ઊગે છે અને એના પર જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે તેથી વપરાશમાં લેતાં પહેલાં એને સરખી રીતે ધોવી જોઈએ. બિયાંને પાણીમાં ડુબાડીને ધોવાં. હમણાં ખવાય એટલી શાકભાજી ખાઈ લો, પછી ઉનાળામાં ખાવા માટે માત્ર બિયાંને સ્ટોર કરી લો. જોકે સ્ટોર કરવાથી ૧૦૦ ટકા ન્યુટ્રિશન વૅલ્યુ રહેતી નથી, પરંતુ સુપર માર્કેટમાંથી લાવીને ખાવા કરતાં ઘરના ડીપ ફ્રીઝરમાં મૂકેલાં બિયાંમાં પોષક તત્ત્વો સારી રીતે જળવાઈ રહે છે. વિવિધ પ્રકારનાં શાક, ફાસ્ટ ફૂડ અને રાઇસની આઇટમમાં આ બિયાં ઉમેરવાં જોઈએ. વાપરવાનાં હોય ત્યારે બિયાંને થોડી વાર રૂમ ટેમ્પરેચરમાં રાખી વાપરવાં.’



શું તમે વટાણામાંથી બનતા દૂધ વિશે સાંભળ્યું છે?
એક રિસર્ચ અનુસાર વર્તમાન સમયમાં વિશ્વની સાઠ ટકાથી વધુ વસ્તી લૅક્ટોઝને લગતી સમસ્યાથી પીડાય છે. સસ્તન પ્રાણીઓમાંથી પ્રાપ્ત દૂધની ઍલર્જી, હાઇજીન ઇશ્યુ, વીગન લોકોની વધતી સંખ્યા જેવાં વિવિધ કારણોસર છેલ્લાં કેટલાંક વર્ષમાં દૂધના અન્ય વિકલ્પ પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. ડેરી ઑલ્ટરનેટિવમાં હવે બદામ, કોકોનટ, ઓટ્સ, સોયાબીન એમ જુદા-જુદા પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવતાં રિપલ મિલ્ક (છોડ આધારિત દૂધ)ની ડિમાન્ડ વધી છે. હાલમાં વટાણામાંથી તૈયાર કરવામાં આવેલું મિલ્ક ખાસ્સું લોકપ્રિય થઈ રહ્યું છે.
નામ સાંભળીને એમ ન ધારી લેતા કે દૂધનો રંગ લીલો હશે. એનો રંગ અસલ દૂધ જેવો જ હોય છે. આ પ્રકારના દૂધની બનાવટમાં સહેજ પીળાશ પડતા વટાણાનો ઉપયોગ થાય છે. વટાણાના પ્રોટીનમાંથી દૂધ બને છે. હાઈ પ્રોટીન વૅલ્યુ ઉપરાંત આ દૂધમાંથી ગાયના દૂધ કરતાં પચાસ ટકા વધુ કૅલ્શિયમ મળી રહે છે જેનાથી હાડકાં મજબૂત બને છે. એમાં શુગર અને કાર્બ્સનું પ્રમાણ ઓછું હોય છે. આ ઉપરાંત નર્વ્સ સિસ્ટમ, મગજ અને હૃદયના આરોગ્યમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવું નિષ્ણાતોનું કહેવું છે. જોકે એમાં ફૅટ્સનું પ્રમાણ નહીંવત હોય છે. દૂધને ક્રીમી બનાવવા એમાં એડિબલ ઑઇલ ઉમેરવામાં આવે છે.


શિયાળામાં આપણે ત્યાં ખૂબ ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ગુણકારી છે એનું કારણ એમાં પડતી બીયાંવાળી શાકભાજી. વાલોળ, પાપડી, વટાણા, તુવેર તેમ જ પાનવાળી લીલી શાકભાજીમાંથી આપણા શરીરને આવશ્યક તમામ પોષક તત્ત્વો મળી રહે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતી આ શાકભાજી શરીરને ડિટૉક્સ કરવાનું કામ પણ કરે છે તેથી અત્યારે પેટ ભરીને ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. - કિલ્પા કચેરિયા, ડાયટિશ્યન

શરીરને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ માર્ગ છે આપણી આસપાસ જે શાકભાજી વધુ પ્રમાણમાં બજારમાં ઠલવાય અને સસ્તી હોય એ ખાવી. પ્રાકૃતિક જીવનશૈલી કન્સેપ્ટ પ્રમાણે રાંધવું એટલે ડેડ ફૂડ. જોકે બિ‍યાંવાળી શાકભાજી આપણે રાંધીને જ ખાવા ટેવાયેલા છીએ. આપણે શ્રમ નથી કરતા તેથી કાચી શાકભાજી પચવામાં ભારે પડે છે. રાંધવાથી ન્યુટ્રિશન વૅલ્યુ સંપૂર્ણપણે ખતમ નથી થતી, પરંતુ ઓછી થઈ જાય છે - પારુલ શેઠિયા પાન્ડે, ઓજસ લાઇફ નૅચરલ લિવિંગ એક્સપર્ટ


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:16 PM IST | Mumbai Desk | varsha chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK