રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીનું ફરી કૉન્ગ્રેસમાં વિલીનીકરણ થશે?

Published: May 31, 2019, 10:41 IST | દિલ્હી

દિલ્હીમાં રાહુલ ગાંધી અચાનક શરદ પવારના ઘરે પહોંચ્યા

લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ધબડકાને પગલે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવા તૈયાર થયેલા રાહુલ ગાંધી ગઈ કાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને મળવા દોડી ગયા હતા. જોકે રાહુલ ગાંધી અચાનક દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને મહેમાન બનીને પહોંચતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ફરી એક વખત કૉન્ગ્રેસ સાથે એકરૂપ બનવાની અટકળો શરૂ થઈ હતી.

મૂળ કૉન્ગ્રેસી શરદ પવારે ૧૯૮૦ની આસપાસના ગાળામાં સ્થાપેલો પક્ષ સમાજવાદી કૉન્ગ્રેસ ૧૯૮૬માં કૉન્ગ્રેસમાં વિલીન કર્યો હતો. વિલીનીકરણની એ વિધિ ઔરંગાબાદમાં એ વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીની હાજરીમાં પાર પડી હતી.

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ જો કૉન્ગ્રેસમાં વિલીન થાય તો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો કૉન્ગ્રેસને પ્રાપ્ત થઈ શકે એમ છે. કારણ કે લોકસભામાં સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મેળવવા માટે પંચાવન સંસદસભ્યોનું સંખ્યાબળ કોઈ પણ રાજકીય પક્ષ પાસે હોવું જરૂરી છે. હાલમાં લોકસભામાં કૉન્ગ્રેસના એકાવન સભ્યો અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પાંચ સભ્યો છે. એથી બે પક્ષો વિલીન થાય તો કુલ છપ્પનનું સંખ્યાબળ એમને સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મેળવવાને પાત્ર બનાવી શકે.

આ પણ વાંચોઃ Video:આ છે TMCના સાંસદ, કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાઈરલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ફક્ત ૪૪ બેઠકો મળતાં સત્તાવાર રીતે કૉન્ગ્રેસને વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મળ્યો નહોતો, પરંતુ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાજુર્ન ખડગેને શોભાના ગાંઠિયાની માફક વિપક્ષી આગેવાન રૂપે બેસાડવામાં આવતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK