પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામીની સરકાર સોમવારે ગૃહમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ નીવડતાં તેમણે અને તેમની કૅબિનેટે રાજીનામું આપ્યું હતું. વી. નારાયણસામીની સરકારને ૧૧, જ્યારે વિપક્ષને ૧૪ મત મળ્યા હતા.
ગૃહમાં વિશ્વાસનો મત જીતવાની પ્રક્રિયા અગાઉ વૉકઆઉટ કર્યા બાદ નારાયણસામી રાજનિવાસ પહોંચ્યા હતા અને તેમણે લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સુંદરરાજનને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘બીજેપીના ત્રણ નામાંકિત સભ્યોના સંદર્ભમાં માત્ર ચૂંટાયેલા સભ્યોને જ મતદાનનો અધિકાર છે, એવો તેમણે નોંધાવેલો વિરોધ સ્પીકર વી. શિવકોલુન્ધુએ ન સ્વીકારતાં શાસક પક્ષે વૉકઆઉટ કર્યો હતો.
ફક્ત ચૂંટાયેલા સભ્યો જ ગૃહમાં મતદાન કરી શકે એવા અમારા અભિપ્રાયને સ્પીકરે સ્વીકાર્યો ન હતો આથી અમે વિધાનસભામાંથી વૉકઆઉટ કરી ગયા હતા અને લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા હતા અને મારા મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
જોકે તેમના ભાવિ આયોજન વિશે તેમણે કશું જણાવ્યું ન હતું.