કટોકટીનો સામનો કરી રહેલા કેન્દ્રશાસિત પ્રદેશના વિરોધ પક્ષોએ બુધવારે લેફ્ટનન્ટ ગવર્નરની કચેરીએ આવેદનપત્ર સુપરત કરીને મુખ્ય પ્રધાન વી. નારાયણસામીને ગૃહમાં તેમની બહુમતી સિદ્ધ કરવાનો આદેશ આપવાની માગણી કરી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા એન. રંગાસામી અને એઆઇએડીએમકેના ફ્લોર નેતા એ. અંબાઝગન અને બીજેપીના ફ્લોર લીડર વી. સ્વામીનાથને ૧૪ ધારાસભ્યોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર રાજ્યપાલની ઑફિસમાં સુપરત કરીને વિશ્વાસનો
મત હાથ ધરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર યોજવાની માગણી કરી હતી.
રંગાસામીએ જણાવ્યું હતું કે ‘પૉન્ડિચેરીમાં કૉન્ગ્રેસની સરકારના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હોવાથી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે અને વિપક્ષ ૧૪ ધારાસભ્યો ધરાવે છે. આથી કૉન્ગ્રેસે શાસનનો અધિકાર ગુમાવી દીધો છે અને મુખ્ય પ્રધાન વી. નારાયણસામીને તેમની સરકારની બહુમતી સાબિત કરવાનો આદેશ આપવો જોઈએ.’
મુખ્ય પ્રધાન નારાયણસામી પર આક્ષેપ કરતાં રંગાસામીએ જણાવ્યું હતું કે ‘તેઓ કદી તેમની ભૂલ કે બિનકાર્યક્ષમતા નહીં સ્વીકારે બલકે અન્યોને દોષ દેશે. પૉન્ડિચેરીની સ્થિતિ ખરાબ છે અને નારાયણસામી તેમનાં વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યા છે.’