Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હું નરેન્દ્ર દામોદર મોદી શપથ ગ્રહણ કરું છું કે... મોદી બન્યા ચોથી વખત મુખ્યમંત્રી

હું નરેન્દ્ર દામોદર મોદી શપથ ગ્રહણ કરું છું કે... મોદી બન્યા ચોથી વખત મુખ્યમંત્રી

26 December, 2012 06:13 AM IST |

હું નરેન્દ્ર દામોદર મોદી શપથ ગ્રહણ કરું છું કે... મોદી બન્યા ચોથી વખત મુખ્યમંત્રી

 હું નરેન્દ્ર દામોદર મોદી શપથ ગ્રહણ કરું છું કે... મોદી બન્યા ચોથી વખત મુખ્યમંત્રી





ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૫ બેઠકો સાથે જીતની હૅટ-ટ્રિક રચ્યા બાદ નરેન્દ્ર મોદીએ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે સળંગ ચોથી વખત શપથ લીધા હતા. ગઈ કાલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલી ભવ્ય શપથવિધિમાં તેમની સાથે કૅબિનેટ કક્ષાના સાત અને રાજ્ય કક્ષાના નવ એમ કુલ ૧૬ પ્રધાનોએ શપથ લીધા હતા. સાત રાજ્યોના મુખ્ય પ્રધાનો, બીજેપીના વરિષ્ઠ આગેવાનો, અન્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓથી માંડીને સાધુ-સંતો, ટીવી-ફિલ્મસ્ટાર્સ અને હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-શુભેચ્છકોની શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલે મોદીને શપથ લેવડાવ્યા હતા.

મોદી સાથે કોણે લીધા શપથ?

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઈશ્વરને નામે શપથ લીધા હતા ત્યાર બાદ ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલાજીએ ગુજરાતના પ્રધાનમંડળના કૅબિનેટ કક્ષાનાં સાત પ્રધાનો નીતિન પટેલ, આનંદીબહેન પટેલ, રમણ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા અને બાબુભાઈ બોખિરિયાને તેમ જ રાજ્ય કક્ષાના નવ પ્રધાનો પુરુષોત્તમ સોલંકી, પરબતભાઈ પટેલ, વસુબહેન ત્રિવેદી, પ્રદીપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદ પટેલ, નાનુભાઈ વાનાણી અને જયંતીભાઈ કવાડિયાને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

સતત ચોથી વાર અને ૧૧ વર્ષથી સૌથી લાંબા સમયના રાજ્ય શાસક તરીકે ગુજરાતના મુખ્ય પ્રધાનનું પદ સંભાળીને ઇતિહાસ રચનાર મોદીએ શપથવિધિ સમારોહ પૂરો થયા બાદ સુશોભિત કરેલી ખુલ્લી જીપમાં બીજેપીના પ્રદેશપ્રમુખ આર. સી. ફળદુ સાથે ઊભા રહીને સ્ટેડિયમને ફરતે ચક્કર મારીને સ્ટેડિયમમાં ઉપસ્થિત હજ્જારો કાર્યકરો-શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

સૌથી પહેલાં સાધુઓને નમસ્કાર

શપથવિધિ સમારોહ સ્થળે આવીને નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં સાધુ-સંતોને નમન કરીને આર્શીવાદ લીધા હતા અને તેમનાં માતા હીરાબાને પગે લાગી આર્શીવાદ લીધા હતા, જ્યારે તેમના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત થયેલા અનેક રાજકીય અગ્રણીઓને વિનયપૂર્વક મળીને શુભેચ્છાની આપ-લે કરી હતી.

વીવીઆઇપીઓની વણજાર


શપથવિધિ સમારોહમાં અનેક-અનેક વીવીઆઇપીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતનાં સાત રાજ્યના મુખ્ય પ્રધાનો જેમાં તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા, પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ, કર્ણાટકના મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ડૉ. રમણ સિંહ, ઝારખંડના મુખ્ય પ્રધાન અજુર્ન મુંડા, ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકર, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલા, બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, વૈંકયા નાયડુ, અરુણ જેટલી, સુષમા સ્વરાજ, સુંદરલાલ પટવા, અનંતકુમાર તથા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, રિપબ્લિકન પાર્ટીના રામદાસ આઠવલે પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલ, વિવિધ ધર્મ સંપ્રદાયોના ધર્માચારીઓ, સંતો-મહંતો તથા ટોચના બિઝનેસમેનો પણ હાજર રહ્યા હતા.

મિનિસ્ટરમાં સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ?

નરેન્દ્ર મોદી યુવાનોને વધુ પ્રાધાન્ય આપે છે અને આ જ કારણે તે હંમેશાં ટેક્નૉસૅવી બનીને સોશ્યલ વેબસાઇટથી માંડીને થ્રી-ડી ટેક્નૉલૉજીની જાહેર સભાથી માંડીને ગૂગલ પ્લસની વિડિયો-કૉન્ફરન્સનું આયોજન કરતા રહે છે. મોદીનો આ યુવાપ્રેમ જોઈને એવી ધારણા મૂકવામાં આવતી હતી કે નરેન્દ્ર મોદીના નવા પ્રધાનમંડળમાં યુવા નેતાઓને સમાવેશ કરવામાં આવશે પણ એવું થયું નથી. ગઈ કાલે સમાવવામાં આવેલા પ્રધાનોની ઍવરેજ ૬૨ વર્ષની આવે છે. ગઈ કાલે સમાવવામાં આવેલા પ્રધાનોમાં સૌથી મોટી ઉંમર જો કોઈની હોય તો એ આનંદીબહેન પટેલની છે.

ઉંમરની દૃષ્ટિએ મોદીના પ્રધાનમંડળમાં સૌથી ઓછી વયના પ્રધાન જો કોઈ હોય તો એ ગણપત વસાવા છે. દક્ષિણ ગુજરાતની માંગરોળ બેઠકના આ વિધાનસભ્યની ઉંમર ૪૦ વર્ષની છે. બાકીના તમામ પ્રધાનોની ઉંમર ૫૦થી ૬૫ વર્ષની વચ્ચે છે. મજાની વાત એ છે કે મુખ્ય પ્રધાનના ગયા પ્રધાનમંડળની ઍવરેજ ઉંમર ૫૭ વર્ષ થતી હતી, જે હવે પરિપક્વની જેમ ૬૨ પર આવીને અટકી છે.






શપથવિધિની હાઈલાઈટ્સ


- નરેન્દ્ર મોદીએ શપથવિધી બાદ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કર્યું.


- આ વખતે નરોત્તમ પટેલ તેમ જ વજુભાઈ વાળાની ટીમ મોદીમાંથી થઈ બાદબાકી

- નરેન્દ્ર મોદી ગુજરાતના સતત ચોથી વખત મુખ્યમંત્રી બન્યાં.


12 : 39 : શપથવિધિ સમાપ્ત


12 :35 : જયંતિભાઈ કાવડિયાએ શપથ ગ્રહણ કર્યાં.


12 :32 : નાનુભાઈ વાનાણીએ શપથ ગ્રહણ કર્યાં.


12 :30 : ગોવિંદભાઈ પટેલે શપથ ગ્રહણ કર્યાં.


12 :27 : રજનીકાંત પટેલે (બેચરાજી) શપથ ગ્રહણ કર્યાં. કડવા પટેલ સમુદાયના શસક્ત નેતા.


12 :25 : લીલાધર વાઘેલાએ (ડીસા) શપથ ગ્રહણ કર્યાં. અગાઉની સરકારમાં શ્રમ રાજ્યમંત્રી હતાં.


12 :23 : પ્રદીપસિંહ જાડેજા (વટવા-અમદાવાદ) શપથ ગ્રહણ કર્યાં. અગાઉની સરકામાં વિધાયી કાર્યમંત્રી હતાં.


12 :21 : વસુબેન ત્રિવેદીએ (જામનગર) શપથ ગ્રહણ કર્યાં. અગાઉની સરકારમાં ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી હતાં.


12 :19 : પરબત પટેલે (થરાદ) શપથ ગ્રહણ કર્યાં. અગાઉની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતાં.


12 :17 : પરસોત્તમ સોલંકીએ (ભાવનગર ગ્રામ્ય) શપથ ગ્રહણ કર્યાં. પરસોત્તમભાઈએ કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહેલને હરાવ્યા હતાં.


- રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ શરૂ થશે


12:15 : બાબુભાઈ બોખીરિયાએ (પોરબંદર) શપથ ગ્રહણ કર્યાં. અગાઉની સરકારમાં સિંચાઈ મંત્રી હતા. બાબુભાઈએ પોરબંદર બેઠક પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતાં.


12:12 : ગણપત વસાવાએ (માંગરોળ-સુરત) શપથ ગ્રહણ કર્યા. ગત વિધાનસભામાં તેઓ સ્પીકર હતાં.


12:11 : સૌરભ પટેલે (અકોટા) શપથ ગ્રહણ કર્યાં. સૌરભ પટેલ અગાઉની સરકારમાં ઊર્જામંત્રી હતાં.


12:10 : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (ધોળકા) શપથ ગ્રહણ કર્યાં. બીજેપીના ક્ષત્રિય નેતાઓમાંથી પ્રમુખ નેતા છે. આ પહેલાં તેઓ એકવાર કૃષિમંત્રી રહી ચૂક્યાં છે.


12:08 : રમણલાલ વોરાએ (ઇડર સીટ) શપથ ગ્રહણ કર્યાં. રમણલાલ અગાઉની સરકારમાં શિક્ષણ મંત્રી હતાં.


12:06 : આનંદીબેન પટેલે (ઘાટલોડિયા સીટ) શપથ ગ્રહણ કર્યાં. આનંદીબેન અગાઉની સરકરામાં મહેસૂલ મંત્રી હતા. આનંદીબેન પટેલ રાજ્યમાં સૌથી વધારે વોટથી આ વખતે ચૂંટાયા છે.


12:05 : નિતિન પટેલે (મહેસાણા બેઠકથી) શપથ ગ્રહણ કર્યા... નિતિન પટેલ અગાઉની સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા.


- હવે  કેબિનેટ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે


12:04 -રાજ્યપાલ કમલા બેનીવાલે નરેન્દ્ર મોદીને ફૂલ આપી સન્માન કર્યું


12:03 - મોદીએ શપથ પૂરાં કર્યા


12:00 - મોદીએ કહ્યું "હું નરેન્દ્ર દામોદર મોદી શપથ લઉં છું" એમ કરીને શપથ વિધિ શરૂ કરી...


11:58 - મોદી એ શપથગ્રહણ શરૂ કર્યા

- થોડી વારમાં શપથગ્રહણ કરશે
- નરેન્દ્ર મોદીએ મંચ પર આવેલા મહેમાનો તેમ જ નેતાઓને મળીને ધન્યવાદ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2012 06:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK