મોદી ગેરહાજર રહીનેય છવાઈ ગયા

Published: 1st October, 2011 21:27 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલથી નવી દિલ્હીમાં શરૂ થયેલી બીજેપીની રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહ્યા હોવા છતાં છવાઈ ગયા હતા. બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા ગુજરાતને બદલે બિહારથી કાઢી એ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરવા મોદી ગેરહાજર રહ્યા છે એવી અટકળો વચ્ચે પત્રકારોએ બીજેપીના સિનિયર નેતાઓને સતત તેમની ગેરહાજરી માટેનાં કારણો પૂછ્યાં હતાં.

 

 

બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે મોદીને કારોબારીમાં હાજર રહેવાનું સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમ છતાં તેઓ હાજર નહોતા રહ્યા. બીજેપીના નેતાઓએ મોદીની ગેરહાજરીને ઓછું મહત્વ આપવાનું નક્કી કર્યું હતું. બીજેપીના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે અમારા પક્ષમાં નહીં, કૉન્ગ્રેસમાં આંતરવિગ્રહ છે. પક્ષના નેતાઓ વચ્ચે તિરાડ હોવાની વાતને રદિયો આપતાં બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે પક્ષમાં કોઈ ટકરાવ નથી. લોકસભાનાં વિરોધપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે ‘મને મિડિયાના રર્પિોટથી જ ખબર પડી છે કે મોદી નથી આવવાના. હું તપાસ કરીને કહીશ.’

જોકે બીજેપીના નેતાઓ અડવાણી અને મોદીના અંટશ વિશે મૌન છે. મોદી સુરાજ્ય અને સ્વચ્છ રાજકારણ માટેની અડવાણીની ૧૧ ઑક્ટોબરની રથયાત્રાથી નારાજ છે. મોદીએ અડવાણીને એમ કહ્યું હોવાનું મનાય છે કે તેમની યાત્રા બિનજરૂરી અને અપ્રાસંગિક છે. બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘મોદી નારાજ નથી. નવરાત્રિમાં ઉપવાસ કરે છે એટલે તેઓ રાજ્યની બહાર જતા ન હોવાથી આવ્યા નથી.’

તેમના રાજકીય હરીફ સંજય જોશીને પક્ષમાં લેવામાં આવ્યા એનાથી પણ મોદી નારાજ છે. જોકે જોશીને અગાઉની જેમ સેક્રેટરી જેવો હાઇ-પ્રોફાઇલ હોદ્દો નથી આપવામાં આવ્યો. કર્ણાટકના મુખ્ય પ્રધાન બી. એસ. યેદીયુરપ્પા પણ તેમને અંગત કામ હોવાથી નથી આવ્યા. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમેશ પોખરિયાલ પણ કારોબારીમાં હાજર નથી રહ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK