નરેન્દ્ર મોદી અને સંઘપરિવાર હિન્દુઓની સરસાઈનું પાણી માપવાનો ઇરાદો ધરાવે છે

Published: 25th December, 2014 05:37 IST

તેઓ ભારતને ઇઝરાયલ જેવું આધુનિક સેક્યુલર રાજ્ય બનાવવા માગે છે જેમાં હિન્દુઓની વ્યવહારમાં સરસાઈ હોય, પણ એકંદર રાજ્ય સમાન અધિકારો આપનારું સેક્યુલર હોય




કારણ-તારણ - રમેશ ઓઝા


જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મનસૂબો BJPને જમ્મુથી આગળ લઈ જઈને કાશ્મીરની ખીણમાં અને લદ્દાખમાં લઈ જવાનો હતો. BJP રાષ્ટ્રીય પક્ષ છે એટલે આખા રાષ્ટ્રમાં BJPની હાજરી હોવી જોઈએ અને આખા રાષ્ટ્રની દરેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ એ સ્વાભાવિક અપેક્ષા છે. એમાં પાછા નરેન્દ્ર મોદી મહત્વાકાંક્ષી અને ઉદ્યમી માણસ છે એટલે તેમણે એકલે હાથે પક્ષને વિસ્તારવાનું અને દેશભરમાં દરેક પ્રજાની માન્યતા મેળવવાનું બીડું ઉઠાવ્યું છે.

આમાં જમ્મુ અને કાશ્મીરનું વિશેષ મહત્વ છે. જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્ય છે તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૪૭ના વિભાજન વખતથી ઝઘડાનું કારણ છે. પાકિસ્તાન માટે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ અનૈતિક અને ગેરકાનૂની છે એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચેના અધૂરા રહેલા વિભાજનનો પ્રશ્ન છે. ભારત માટે જમ્મુ અને કાશ્મીર બીજી કોઈ પણ રિયાસત જેવી એક રિયાસત હતી. એ રિયાસતના રાજવીએ ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને એને મુસ્લિમોની બહુમતી સાથે કોઈ સંબંધ નથી. સંબંધ એટલા માટે નથી કે ભારત એક સેક્યુલર દેશ છે જેમાં ચોક્કસ ધર્માનુયાયીઓની બહુમતી કે લઘુમતી સાથે રાજ્યને સંબંધ નથી. ભારતમાં અનેક હિન્દુ બહુમતી રાજ્યો છે. અડધો ડઝન ખ્રિસ્તી બહુમતી રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો (આંદામાન નિકોબાર અને ઈશાન ભારતનાં રાજ્યો) છે, એક બૌદ્ધ બહુમતી રાજ્ય (સિક્કિમ) છે એમ એક મુસ્લિમ બહુમતી રાજ્ય છે. સેક્યુલર દેશની આ જ તો ખૂબી છે. એને જે-તે પ્રજાની લઘુમતી-બહુમતી સાથે સંબંધ નથી. બીજું, પાકિસ્તાને કોમી ધોરણે ભારતના વિભાજનની માગણી કરી હતી જેનો ભારતે સેક્યુલર સહઅસ્તિત્વના ધોરણે વિરોધ કર્યો હતો. ભારતનું વિભાજન કોમી ધોરણે નથી થયું, પરંતુ સેક્યુલર ભારતમાંથી પાકિસ્તાન કોમી ધોરણે બહાર નીકળી ગયું છે. ભારતના મુસ્લિમને કે બહુમતી મુસ્લિમ પ્રદેશના મુસ્લિમોને ઇસ્લામિક પાકિસ્તાનની જગ્યાએ સેક્યુલર ભારતમાં રહેવું હોય તો એ તેમનો અધિકાર છે. પાકિસ્તાન કરતાં ભારતમાં મુસ્લિમોની વસ્તી વધુ છે એ બતાવે છે ભારતના મુસ્લિમોને સેક્યુલર વિકલ્પ વધારે સ્વીકાર્ય છે. આમ જમ્મુ અને કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં એ સેક્યુલર ભારતમાં સહઅસ્તિત્વના ધોરણે શા માટે ન રહી શકે? જમ્મુ અને કાશ્મીરની બંધારણસભામાં શેર-એ-કાશ્મીર શેખ અબદુલ્લાએ પોતે આનો સ્વીકાર કર્યો છે અને અસ્સલ આવી જ દલીલો કરી હતી.

જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન UNની સલામતી સમિતિમાં ગયો ત્યારે ભારતે પાકિસ્તાનની દલીલોના ખંડનમાં આવી દલીલો કરી હતી. એ પહેલાં બીજી ગોળમેજ પરિષદમાં મહાત્મા ગાંધીએ જુદા સંદર્ભમાં પણ ભારતના કોમી વિભાજનની કોઈ પણ તજવીજનો વિરોધ કરતાં આવી દલીલો કરી હતી અને આગ્રહ રાખ્યો હતો કે તેમને હિન્દુઓના તો નહીં જ, કૉન્ગ્રેસના પણ નહીં, પણ સમગ્ર દેશની દરેક પ્રજાના પ્રતિનિધિ ગણવામાં આવે. ગોળમેજ પરિષદમાં જે-તે સમાજવિશેષના ૧૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ હતા, સમગ્ર ભારતની સમગ્ર પ્રજાનો પ્રતિનિધિ માત્ર એક જ હતો; મોહનદાસ કરમચંદ ગાંધી. હજી હમણાં, બે દાયકા પહેલાં પાકિસ્તાન જ્યારે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન UNની માનવ અધિકાર માટેની પરિષદમાં લઈ ગયું ત્યારે ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એ સમયના વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું અને પ્રતિનિધિમંડળમાં ફારુક અબદુલ્લાની ખાસ હાજરી હતી. પ્રતિનિધિમંડળના નેતૃત્વમાં આ બે નેતાઓનું હોવું સૂચક હતું. વાજપેયી હિન્દુત્વવાદી પક્ષના નેતા હતા અને ફારુક અબદુલ્લા જમ્મુ અને કાશ્મીરમાં પ્રજાકીય હક માટે રાજવી સામે લડનારા પક્ષના નેતા હતા. આ બન્ને નેતાઓએ UNની માનવ અધિકાર પરિષદમાં આ જ દલીલો કરી હતી. 

ટૂંકમાં કહીએ તો, મહાત્મા ગાંધીનું ભારતમાં આગમન થયું (આવતી ૯મી જાન્યુઆરીએ શતાબ્દી થશે) ત્યારથી અને સત્તાવાર રીતે સાયમન કમિશનના આગમન સમયથી, પહેલાં કૉન્ગ્રેસ અને પછી ભારત સરકાર એકસરખી આ જ દલીલ કરતા આવ્યા છે. અટલ બિહારી વાજપેયીએ UNની માનવ અધિકાર પરિષદમાં આ વાત લગભગ આ જ શબ્દોમાં દોહરાવીને રાષ્ટ્રીય સવર્‍સંમતિ પર સ્વીકૃતિની મહોર મારી હતી.

આ પૃષ્ઠભૂમિમાં હિન્દુત્વવાદી એજન્ડા અને ઇમેજ ધરાવતી BJP કાશ્મીરની ખીણમાં, લદ્દાખમાં અને ઈશાન ભારતનાં ખ્રિસ્તી બહુમતી રાજ્યોમાં સ્વીકૃતિ મેળવે એનું અદકેરું મહત્વ છે. સવાલ એ છે કે વિચાર, માનસ તેમ જ વલણ બદલ્યા વિના, હિન્દુ કોમવાદી એજન્ડા કાયમ રાખીને, સમાંતરે ધર્માંતરણ અને લવજિહાદ જેવા ઉધામા મચાવીને આ શક્ય બને ખરું? નરેન્દ્ર મોદી કાશ્મીરની ખીણમાં ‘સબકા સાથ સબકા વિકાસ’ની વાતો કરે અને કાશ્મીરની બહાર સંઘપરિવાર હિન્દુ બાવડાના ગોટલા બતાવે અને લલકારતા હોય એમ સાથળ થપથપાવે તો સ્વીકૃતિ મળે ખરી?

મને લાગે છે કે વડા પ્રધાન (પ્લીઝ નોટ, વડા પ્રધાન) નરેન્દ્ર મોદી અને સંઘપરિવાર હિન્દુઓની સરસાઈ (હિન્દુ હેજેમની)નું પાણી માપવાનો ઇરાદો ધરાવે છે. અન્ય ધર્માનુયાયી પ્રજા કેટલી હદે હિન્દુઓનું વર્ચસ અને દાદાગીરી સાંખી શકે છે એનો એક આંક કાઢવાનો આ ખેલ છે. તેઓ ભારતને ઇઝરાયલ જેવું સેક્યુલર આધુનિક રાજ્ય બનાવવા માગે છે જેમાં હિન્દુઓની (ઇઝરાયલમાં જેમ યહૂદીઓની છે એમ) વ્યવહારમાં સરસાઈ હોય, પણ એકંદરે રાજ્ય સમાન અધિકારો આપનારું સેક્યુલર હોય. ઇઝરાયલ જેવું હિન્દુ હેજેમોનિક સેક્યુલરિઝમનું મૉડલ ભારતમાં લાગુ કરવું શક્ય છે કે કેમ એ તેઓ ચકાસવા માગે છે એવો લૉર્ડ ભીખુ પારેખનો અંદેશો ગળે ઊતરે એવો છે. આ શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવો ઘાટ નથી. સંઘપરિવાર નરેન્દ્ર મોદીના અંકુશ બહાર છે એવું પણ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંઘપરિવારે મળીને હિન્દુ સરસાઈ ચકાસવાની રણનીતિ અપનાવી છે અને સંપીને પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બતાવે છે કે BJP જમ્મુની આગળ પીર પંજાલની પવર્‍તમાળા ઓળંગી શક્યો નથી. કાશ્મીરની ખીણમાં અને લદ્દાખમાં BJPને એક પણ બેઠક નથી મળી. હિન્દુ હેજેમોનિક સેક્યુલરિઝમ સામે મોટો રોડબ્લૉક પરિણામોમાં જોવા મળે છે. સંઘપરિવારને ભારતનું એક અટલ સત્ય સમજાતું નથી કે ભારત દુનિયાનો સૌથી વધુ પ્રજાકીય વિવિધતા ધરાવતો દેશ છે. ઇઝરાયલ અને ભારતની કોઈ તુલના ન થઈ શકે. યહૂદી હેજેમોનિક સેક્યુલરિઝમ ઇઝરાયલમાં સફળ થાય એનો અર્થ એવો નથી કે હિન્દુ હેજેમોનિક સેક્યુલરિઝમ ભારતમાં સફળ થાય. નરેન્દ્ર મોદીએ જો સફળ થવું હોય, બીજી મુદત માટે વડા પ્રધાન બનવું હોય અને ભારતના મહાન વડા પ્રધાનોમાંના એક તરીકે અમર થવું હોય તો આજે નહીં તો કાલે જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીનો માર્ગ અપનાવવો પડશે અને સંઘના એજન્ડાને બાજુએ ધકેલવો પડશે. હિન્દુ હેજેમોનિક સેક્યુલરિઝમ ભારતમાં ન ચાલે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK