૨૯ વર્ષ પછી સાર્કની ૧૮મી પરિષદ પણ નિષ્ફળ જ રહી

Published: Nov 28, 2014, 04:58 IST

નરેન્દ્ર મોદીએ પ્રામાણિક કબૂલાત, ચોખ્ખી વાત અને નક્કર દરખાસ્તો રજૂ કરીને આ વખતે પાકિસ્તાનને ઉઘાડું પાડી દીધું હતું. બધા દેશોએ ભારતની ઉદારતાની અને વ્યાવહારિકતાની કદર કરી હતી અને પાકિસ્તાનનું નામ પાડ્યા વિના નિંદા કરી હતી. નરેન્દ્ર મોદીએ આ જ નીતિ હવે પછી પણ જાળવી રાખવી જોઈએ. પાકિસ્તાન કંઈ પણ કરે, ભારતે સહયોગની ભૂમિકામાંથી હટવું ન જોઈએકારણ-તારણ - રમેશ ઓઝા

૨૯ વર્ષ અને ૧૮ શિખર પરિષદો પછી ફરી એક વાર ભારત અને પાકિસ્તાને બતાવી આપ્યું છે કે એ સાથે ચાલી શકે એમ નથી અને આ પ્રદેશના બીજા દેશોને સાથે ચાલવા દેશે પણ નહીં. ૧૯૮૫માં સાર્કની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી સાર્ક નામનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે અને એ માટે ભારત અને પાકિસ્તાન જવાબદાર છે. બિનલશ્કરી સહયોગ માટે સમાન હિતો ધરાવતા દેશોએ બ્લૉક રચવો જોઈએ અને સહિયારો પ્રયાસ કરવો જોઈએ એમ જવાહરલાલ નેહરુએ ૬૦ વર્ષ પહેલાં જગતને સમજાવ્યું હતું. આજે જગતભરમાં ૧૦૦થી વધુ બ્લૉક્સ સફળતાપૂવર્‍ક સહયોગથી વિકાસ સાધી રહ્યા છે ત્યારે નેહરુની ભૂમિમાં રચાયેલું સાર્ક જગતના મુઠ્ઠીભર નિષ્ફળ નીવડેલા બ્લૉક્સમાંનો એક છે.

સાર્ક દેશોની ૧૮મી શિખર પરિષદ નેપાલમાં કાઠમાંડુમાં જે દિવસે શરૂ થઈ એ દિવસ પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઈ પર કરેલા હુમલાનો (૨૬/૧૧) વરસીનો દિવસ હતો અને હજી આગલા દિવસે જ કાશ્મીરની ખીણમાં ૭૧ ટકા મતદાતાઓએ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ પરિષદ મહત્વની એ અર્થમાં હતી કે સાર્ક દેશોના નેતાઓએ નિર્ણય લેવાનો હતો કે દ્વિપક્ષી મતભેદો ભૂલીને સંપીને એકબીજાના સહયોગમાં આગળ ચાલવું કે પછી અત્યાર સુધી જેમ લબડધક્કે કોઈ પણ પ્રકારના ખાસ પરિણામ વિના ચાલતા આવ્યા છે એમ ચાલવું? ક્યાં સુધી પ્રાદેશિક સહયોગનું નાટક કરીને જાતને અને બીજાને છેતરતા રહીશું?

પરિણામ આપણી સામે છે. અત્યાર સુધી જેમ લબડધક્કે ચાલતા આવ્યા છીએ એમ ચાલવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ નિર્ણય ભારત અને પાકિસ્તાનનો છે, મુખ્યત્વે પાકિસ્તાનનો છે જે બાકીનાં રાષ્ટ્રોના માથે મારવામાં આવ્યો છે.

આ પરિષદની નવી વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગના નાટક દ્વારા જાતને છેતરવાની અત્યાર સુધીની પ્રવૃત્તિનો સ્વીકાર કર્યો છે. તેમણે જાતને નહીં છેતરવાની અને એની જગ્યાએ ભલે એક, પણ નિર્ણાયક ડગલું માંડવાની વાત કહી છે. સાર્કની પરિષદની જો કોઈ ફળશ્રુતિ હોય તો એ આત્મવંચનાની સ્વીકૃતિની છે. વડા પ્રધાને કહ્યું છે કે હમ પાસ-પાસ હૈં, સાથ-સાથ નહીં હૈં. જો સાથે મળીએ તો આપણી તાકાતમાં અનેકગણો વધારો થઈ શકે એમ છે. નરેન્દ્ર મોદી પહેલાં ભારતના કોઈ વડા પ્રધાને આટલી સ્પક્ટ ભાષામાં આત્મવંચનાની સ્વીકૃતિ કરી નથી. આમ પણ હવે ત્રણ દાયકા પછી મીઠી વાતો કરીને સચ્ચાઈ પર ઢાંકપિછોડો કરતા રહેવાનો કોઈ અર્થ નથી. નરેન્દ્ર મોદીએ કડવી વાસ્તવિકતા કહી બતાવી છે.

નરેન્દ્ર મોદીએ માત્ર આત્મવંચનાનો સ્વીકાર નથી કર્યો, તેમણે રાજકીય દુશ્મનાવટ અને શંકાઆશંકાના ભંવરમાંથી નીકળવું હોય તો માર્ગ પણ સૂચવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણો પ્રદેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાછળ છે. ભારત સહિત દક્ષિણ એશિયાના લગભગ બધા જ દેશો ઊર્જા‍ની ખાધ અનુભવે છે. વિજ્ઞાન, ટેક્નૉલૉજી અને વ્યાપાર માટે તેમણે નક્કર સૂચનો કયાર઼્ હતાં. તેમણે કહ્યું હતું કે એક પંજાબમાંથી બીજા પંજાબમાં માલ મોકલવો હોય તો થર્ડ પાર્ટી શિપમેન્ટ કરાવવું પડે છે. નિકાસકાર અને આયાતકાર વચ્ચે વાસ્તવમાં જેટલું ભૌગોલિક અંતર છે એનાં કરતા ૧૧ ગણું વધુ અંતર કાપીને એક પંજાબથી બીજા પંજાબમાં માલ જાય છે અને એમાં ચાર ગણો વધુ ખર્ચ થાય છે. જો વ્યાપારી સમજૂતી કરવામાં આવે તો વેચનારને નફો વધુ મળે અને ઉપભોક્તાને માલ સસ્તો મળે. તેમણે બીજી વાત એ કહી હતી કે સાર્ક દેશોના વિશ્વવ્યાપારમાં સાર્ક દેશોના આપસી વ્યાપારનો હિસ્સો પાંચ ટકા કરતાં પણ ઓછો છે. તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન અને ઊર્જા‍ને લગતી ત્રણ નક્કર દરખાસ્તો પાકિસ્તાને આગળ વધવા દીધી નહોતી.

નરેન્દ્ર મોદીએ પ્રામાણિક કબૂલાત, ચોખ્ખી વાત અને નક્કર દરખાસ્તો રજૂ કરીને આ વખતે પાકિસ્તાનને ઉઘાડું પાડી દીધું હતું. બધા દેશોએ ભારતની ઉદારતાની અને વ્યાવહારિકતાની કદર કરી હતી અને પાકિસ્તાનનું નામ પાડ્યા વિના નિંદા કરી હતી. નરેન્દ્ર મોદીએ આ જ નીતી હવે પછી પણ જાળવી રાખવી જોઈએ. પાકિસ્તાન કંઈ પણ કરે, ભારતે સહયોગની ભૂમિકામાંથી હટવું ન જોઈએ. ગયા ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સચિવ સ્તરની વાટાઘાટો રદ કરીને ભારતે ભૂલ કરી હતી. બીજું, દક્ષિણ એશિયામાં પાકિસ્તાન સિવાય પણ બીજા દેશો છે જેમની સાથે સહયોગ થઈ શકે છે. સહયોગની એવી વ્યવસ્થા બનવી જોઈએ જેમાં દરખાસ્ત પર બધા જ દેશોની સંમતી જરૂરી ન હોય. જે દેશો સંમત થતા હોય એ આગળ વધે અને જેને વાંધો હોય એ પાછળથી જ્યારે જોડાવું હોય ત્યારે જોડાય અને ક્યારેય ન જોડાવું હોય તો ન જોડાય. જગતમાં ન્યુક્લિયર નૉન-પ્રોલિફરેશન ટ્રીટી (NPT) જેવી અનેક બહુરાષ્ટ્રીય સંધિઓ છે જેમાં કેટલાક દેશો જોડાયા નથી. સાર્કે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ. આ રીતે પાકિસ્તાનને બાજુએ હડસેલી શકાય છે.

નરેન્દ્ર મોદીએ અને નવાઝ શરીફે પહેલા દિવસે એકબીજાની સામે જોવાનું ટાળ્યું હતું. બીજા દિવસે ઔપચારિકતાના ભાગરૂપે હાથ મેળવ્યા હતા. તેમની વચ્ચે સીધી અંગત બેઠક યોજાય એવું લાગતું નથી. અહીં પણ વડા પ્રધાને ઉદારતા બતાવી હોત તો કંઈ બગડી જવાનું નહોતું. ઊલટું વડા પ્રધાન વધારે ઝળક્યા હોત. વિદેશપ્રધાન સુષમા સ્વરાજ કહે છે એમ વિદેશવ્યવહારમાં અલ્પવિરામ હોય છે, પૂર્ણવિરામ હોતું નથી.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK