કૉન્ગ્રેસે કરેલાં પાપને ધોવા હજારો લોકોએ સેંકડો ઉપવાસ કરવા પડશે : મોદી

Published: 17th October, 2011 18:48 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દ્વારકામાં કોન્ગ્રેસના પાપો ધોવાના વિશે આકરા શબ્દો વાપરીને જાહેરાત પણ કરી હતી કે તેઓ ગુજરાતનાં ૩૩ સ્થળોએ ફાસ્ટ કરશે. અમદાવાદ પછી ગઈ કાલે દ્વારકાથી આગળ વધેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સદ્ભાવના મિશનના એક દિવસીય ઉપવાસની સાંજે નરેન્દ્ર મોદીએ દ્વારકામાં સ્પીચ આપી હતી.

 


તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતને આગળ વધવું હતું, પણ આગળ વધતા ગુજરાતને વિરોધ પક્ષ અટકાવીને બેઠું હતું. મેં તો માત્ર તેમનીની ચુંગાલમાંથી ગુજરાતને મુક્ત કર્યું છે. જે કૉન્ગ્રેસ પાર્ટી છેલ્લાં ૬૦ વર્ષથી પાપ કરતી આવી છે એ પાપને ધોવા માટે જ અમે આ ઉપવાસનો આશરો લીધો છે. આ પાપ એકાદ-બે ઉપવાસથી ધોવાવાનું નથી, આને માટે તો હજારો લોકોએ સેંકડો ઉપવાસ કરવા પડશે.’

ગઈ કાલે સવારે દ્વારકાધીશનાં દર્શન કરીને ઉપવાસનો આરંભ કરનારા નરેન્દ્ર મોદીએ સાંજે બધાની વચ્ચે કહી દીધું હતું કે મેં દરેક જિલ્લામાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું પણ હવે મેં ગુજરાતમાં કુલ ૩૩ સ્થળોએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને ગઈ કાલે સાંજે પોતાના બીજા પ્રતીક ઉપવાસનું સ્થળ જાહેર કરતાં કહ્યું હતું કે હવે વીસમી તારીખે નવસારીમાં સદ્ભાવના મિશનનો ઉપવાસ કરવામાં આવશે.

અમદાવાદમાં કરેલા ઉપવાસો દરમ્યાન અનેક રાષ્ટ્રીય નેતાઓ નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા. ગઈ કાલના ઉપવાસ દરમ્યાન કોઈ રાષ્ટ્રીય નેતા હાજર નહોતા રહ્યા, પણ ગુજરાત સરકારના બાર પ્રધાનો નરેન્દ્ર મોદી સાથે મંચ પર હાજર રહ્યા હતા. ગઈ કાલના દિવસે નરેન્દ્ર મોદીએ સવારે અને સાંજે એમ બે વખત હિન્દીમાં સ્પીચ આપી હતી. એક વખત ચાલુ સ્પીચે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે મને મારા ગુજરાતની તો ખબર છે, પણ ગુજરાત બહાર બેઠેલા ગુજરાતના હિતશત્રુઓ મારા શબ્દોનું અર્થઘટન ખોટી રીતે ન કરે એ માટે હિન્દીનો પ્રયોગ કરી રહ્યો છું.

માડમને કોઈ મહત્વ નહીં

મુખ્ય પ્રધાન સામે ઉપવાસ પર બેઠેલા જામનગરના કૉન્ગ્રેસના સંસદસભ્ય વિક્રમ માડમ વિશે મુખ્ય પ્રધાને પોતાની સ્પીચમાં કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. આ ઉપરાંત તેમણે કૉન્ગ્રેસના ગુજરાતના નેતાઓ વિશે પણ નામ સહિત ટીકા કરવાનું ટાળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK