મલાલાએ નોબેલના સમારંભમાં મોદી અને શરીફને ઇન્વાઇટ કર્યા

Published: 12th October, 2014 05:10 IST

વિશ્વની સૌથી નાની વયની નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફને નોબેલ પુરસ્કાર વિતરણ સમારંભમાં હાજરી આપવાનું નોતરું પાઠવ્યું છે. આ સમારંભ ડિસેમ્બરમાં સ્ટૉકહોમ ખાતે યોજાવાનો છે.

બ્રિટનના બર્મિંગહૅમ ખાતે આંતરરાષ્ટ્રીય મીડિયાને શુક્રવારે સંબોધતાં મલાલાએ કહ્યું હતું કે ‘મને શાંતિ પુરસ્કાર અર્પણ કરવામાં આવે ત્યારે ઉપસ્થિત રહેવા મેં નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફને વિનંતી કરી છે. આ આમંત્રણને યોગ્ય પ્રતિસાદ મળશે એવી મને આશા છે.’

નોબેલના ન્યુઝ મળ્યા એ વખતે મલાલા કેમિસ્ટ્રીના ક્લાસમાં હતી


બ્રિટનના બર્મિંગહૅમસ્થિત એજબૅસ્ટન હાઈ સ્કૂલ ફૉર ગલ્ર્સની સ્ટુડન્ટ મલાલા યુસુફઝઈ શુક્રવારે સવારે સવાદસ વાગ્યે કેમિસ્ટ્રીના ક્લાસમાં ઇલેક્ટ્રૉલિસિસનો અભ્યાસ કરતી હતી ત્યારે તેના ટીચર મહત્વના એક સમાચાર લઈને ક્લાસમાં પ્રવેશ્યા હતા. તેમણે ૧૭ વર્ષની મલાલાને બોલાવીને સમાચાર આપ્યા હતા કે નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેની પસંદગી થઈ છે. આ સમાચાર સાંભળ્યા બાદ મલાલાના મિત્રો તેના પર અભિનંદન વરસાવતા હતા, પણ મલાલાએ ફરી પોતાના ક્લાસમાં જઈને ભણવાનું ચાલુ રાખ્યું હતું. મલાલાએ કહ્યું હતું કે ‘અવૉર્ડ મળ્યાનો મને આનંદ છે, પણ એનાથી મને સ્કૂલની એક્ઝામમાં કોઈ લાભ નથી થવાનો. પરીક્ષામાં તો મારી મહેનત જ કામ આવશે.’

હું અને મલાલા સાથે મળીને શાંતિ માટે કામ કરીશું : સત્યાર્થી

નોબેલ શાંતિ પુરસ્કારના ભારતીય વિજેતા કૈલાસ સત્યાર્થીએ જણાવ્યું હતું કે બાળકોના શોષણ વિરુદ્ધની ચળવળમાં તેમ જ ભારતીય ઉપખંડમાં શાંતિની સ્થાપના માટે સાથે મળીને કામ કરવાની વિનંતી સાથે તેઓ આ પુરસ્કારની સહવિજેતા મલાલા યુસુફઝઈને મળશે.

બચપન બચાઓ આંદોલનના સ્થાપક સત્યાર્થીએ કહ્યું હતું કે ‘હું મલાલાને અંગત રીતે ઓળખું છું. બાળકો માટે અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણના અધિકાર માટેની લડાઈમાં અમારી સાથે જોડાવા હું મલાલાને જણાવીશ. પોતાનાં બાળકો શાંતિમય વાતાવરણમાં જન્મે તથા વિકસે એ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના બહુ જ જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK