Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોદીની હૅટ-ટ્રિકની મુંબઈમાં થશે જબ્બર ઉજવણી

મોદીની હૅટ-ટ્રિકની મુંબઈમાં થશે જબ્બર ઉજવણી

18 December, 2012 03:31 AM IST |

મોદીની હૅટ-ટ્રિકની મુંબઈમાં થશે જબ્બર ઉજવણી

મોદીની હૅટ-ટ્રિકની મુંબઈમાં થશે જબ્બર ઉજવણી




રોહિત પરીખ





મુંબઈ, તા. ૧૮

ગુરુવારે ગુજરાત વિધાનસભાનું પરિણામ બીજેપીની ફેવરમાં આવતાં જ મુંબઈમાં ઘાટકોપર, મુલુંડ, કાંદિવલી અને બોરીવલીમાં બીજેપીના કાર્યકરો ગુજરાત બીજેપીની જીતની ખુશીમાં ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી અને રૅલીનું આયોજન કરી ગુજરાત બીજેપીને વધામણાં આપશે જેમાં ઘાટકોપરમાં તો ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર બંધ થયો ત્યારે જ બાઇકરૅલીની તૈયારી થઈ ચૂકી છે; જ્યારે ડિસેમ્બરની ૨૪મીએ બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શેટ્ટી અને બોરીવલીના નગરસેવક પ્રવીણ શાહ તરફથી લોકમાન્ય તિલક રોડ પર આવેલા વીર સાવરકર ઉદ્યાનમાં એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂરું થાય એ પહેલાં જ ઘાટકોપર બીજેપીના કાર્યકરોએ ગુરુવાર, ૨૦ ડિસેમ્બરના સાંજે સાડાચાર વાગ્યે નરેન્દ્ર મોદીની વિજયરૅલી કાઢવાની તૈયારી શરૂ કરી દીધી છે. આમ તો આ તૈયારી પહેલા તબક્કાની ચૂંટણીનો પ્રચાર બંધ થયો એને બીજે દિવસે એટલે કે ડિસેમ્બરની ૧૨મીએ શરૂ થઈ ગઈ હતી. આ રૅલીની જાહેરાત કરતા એસએમએસ ગઈ કાલથી ફરતા થઈ ગયા છે.

ઘાટકોપર (ઈસ્ટ)ના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા જામનગરથી ચૂંટણી લડી રહેલા ગુજરાત બીજેપીના અધ્યક્ષ આર. સી. ફળદુના પ્રચારમાંથી હળવા થઈને ઘાટકોપર ૧૨મી ડિસેમ્બરે પાછા આવ્યા કે તરત જ તેમણે ઘાટકોપરના બીજેપીના યુવાન કાર્યકરોની મીટિંગ લઈને તેમને કહ્યું હતું કે ‘ગુજરાતમાં બીજેપી બે-તૃતીયાંશ મતોથી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવશે અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્ય પ્રધાન બનશે એમાં કોઈ જ શંકા નથી. એટલે આપણે ઘાટકોપરના ગુજરાતી વિસ્તારોને આવરી લેતી એક વિજય બાઇકરૅલીનું આયોજન કરવાનું છે.’

પ્રકાશ મહેતાની આ વાતને કાર્યકરોએ ચિચિયારી અને તાળીના ગડગડાટથી વધાવી લીધી હતી અને બાઇકરૅલીમાં ઓછામાં ઓછી ૨૦૦ બાઇક, ૧૫ ગાડીઓ અને સંગીતના સૂર રેલાવતા ત્રણ ટેમ્પો અને સેંકડો કાર્યકરો ગળામાં બીજેપીના સ્કાર્ફ પહેરીને જોડાશે.

વિજય રૅલીના કાર્યક્રમની માહિતી આપતાં ઘાટકોપર બીજેપીના સિનિયર કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો એ દિવસથી જ તેમની ટીમ સાથે જામનગરમાં આર. સી. ફળદુના પ્રચારકાર્યમાં વ્યસ્ત હતા. આ સમયે તેમણે કરેલા વિશ્લેષણ પ્રમાણે ગુજરાતમાં બીજેપી બે-તૃતીયાંશ બહુમતી મતોથી વિધાનસભામાં ચૂંટાઈને હૅટ-ટ્રિક કરશે. આ કારણે જ તેમણે તેમના કાર્યકરો સાથે ગઈ કાલ સુધીમાં ઘાટકોપર (ઈસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પાસે આવેલી ઓઘડભાઈ લેનમાં આવેલી ઑફિસમાં ત્રણ વાર મીટિંગ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જે દિવસે જાહેર થવાનાં છે એ ૨૦ ડિસેમ્બરના સાંજે ૪.૩૦ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સંપૂર્ણ ઘાટકોપરનો ગુજરાતી વિસ્તાર આવરી લેવાય એ રીતની ભવ્ય બાઇકરૅલીનું આયોજન કર્યું છે જેમાં બીજેપીના ફ્લૅગ લગાડીને ૨૦૦-૨૫૦ બાઇક, ૧૫-૨૦ ગાડીઓ, ત્રણ ટેમ્પોની સાથે સાઇકલો, સેંકડો કાર્યકરો તેમ જ નરેન્દ્ર મોદીના ચાહકો ફટાકડા ફોડતા, નાચતા-કૂદતા, પેંડા વહેંચતા ઘાટકોપરમાં ફરશે. આ દિવસે સવારથી ઘાટકોપરના રાજમાગોર્ પર નરેન્દ્ર મોદીના કટઆઉટ્સ અને બૅનર્સ લગાડવામાં આવશે.’

બોરીવલીના વૉર્ડ-નંબર ૧૬ના બીજેપીના નગરસેવક પ્રવીણ શાહે ગુજરાત વિધાનસભામાં બીજેપીની જીતની ઉજવણીની બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શેટ્ટી અને મારા તરફથી ડિસેમ્બરની ૨૪મીએ લોકમાન્ય તિલક માર્ગ પર આવેલા વીર સાવરકર ઉદ્યાનમાં ચેતન ગઢવી અને નીલેશ ઠક્કરના એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અહીં વિજય રૅલી પણ યોજવામાં આવશે.’

કાંદિવલીના વિધાનસભ્ય યોગેશ સાગરે મિડ-ડેને કહ્યું હતું કે ‘કાંદિવલીમાં ગુજરાતની બીજેપીને જીતનાં વધામણાં આપવા માટે ફટાકડા ફોડીશું, ગુલાલ ઉડાડીશું અને ભવ્ય રૅલીનું આયોજન પણ કરીશું.’

યુવાનો મુંડન કરાવશે

૨૦ ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળતાં અને નરેન્દ્ર મોદી વિજેતા બનતાં જ ઘાટકોપર અને મુલુંડથી ૧૮-૨૦ યુવાન કાર્યકરો તામિલનાડુના તિરુપતિ બાલાજી મંદિરમાં જઈ મુંડન કરાવશે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 03:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK