નરેન્દ્ર મોદીના ૨૧ નવા પ્રધાનોમાં માત્ર બે જ પાણીદાર છે, બાકીનાઓ નવા છે કાં નકામા છે

Published: Nov 10, 2014, 05:47 IST

નજમા હેપ્તુલ્લા કરતાં નકવી BJPને વધારે વફાદાર છે અને મુસ્લિમોને નજીક લાવવામાં વધારે સક્રિય પણ છે. નકવી આ પહેલાં અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. BJPના શાસનમાં મુસ્લિમો ઓશિયાળા છે એ આમાં સાબિત થઈ રહ્યું છે
કારણ-તારણ - રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભમાં નાનકડા પ્રધાનમંડળનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ  પછી ધ્યાનમાં આવ્યું હતું કે સાવ નાનકડું પ્રધાનમંડળ આવડા મોટા દેશમાં અને અત્યારની વહીવટી વ્યવસ્થામાં ચાલી શકે એમ નથી. પ્રધાનમંડળ જો નાનું રાખવું હોય તો કેટલાંક મંત્રાલયો ખતમ કરી નાખવાં જોઈએ અને કેટલાંક એકબીજામાં ભેળવી દેવાં જોઈએ. વડા પ્રધાને પ્રારંભમાં સંબંધિત મંત્રાલયોને એક કરીને નાનકડું પ્રધાનમંડળ રચવા વિશે વિચાર્યું હતું, પરંતુ પછીથી એ વિચાર પણ પડતો મૂકવામાં આવ્યો હતો. એવી એક ભલામણ વારંવાર કરવામાં આવે છે કે હવે આપણા પરિપક્વ થઈ ગયેલા લોકતંત્રમાં કેટલીક સત્તા રાજ્યોને આપી દેવી જોઈએ અને કેન્દ્રએ પોતાનો અખત્યાર ઘટાડવો જોઈએ. જેમ કે સમાજ કલ્યાણ કે રમતગમત જેવા વિષયોની ચિંતા કરવાનું કેન્દ્રએ છોડી દેવું જોઈએ અને આનો અખત્યાર રાજ્યોને આપીને કેટલાંક મંત્રાલયો કાયમ માટે ખતમ કરી દેવાં જોઈએ.

આ પ્રકારનો સમવાયી ઢાંચો વિકસવાને હજી વાર છે. એ જ્યાં સુધી ન વિકસે ત્યાં સુધી મોટા કદના પ્રધાનમંડળ વિના ચાલવાનું નથી. આગલું ડૉ. મનમોહન સિંહનું પ્રધાનમંડળ ૭૭ સભ્યોનું હતું. એમાં ૩૨ કૅબિનેટ પ્રધાન હતા, ૧૨ સ્વતંત્ર અખત્યાર ધરાવનારા રાજ્યકક્ષાના પ્રધાનો હતા અને ૩૩ રાજ્યકક્ષાના પ્રધાનો હતા. આની સામે નરેન્દ્ર મોદીનું વિસ્તારિત પ્રધાનમંડળ ૬૬ સભ્યોનું છે. જો શિવસેનાના એક સભ્યે સોગંદ લીધા હોત તો એ ૬૭ સભ્યોનું થાત. અત્યારે પ્રધાનમંડળમાં નરેન્દ્ર મોદી સહિત ૨૭ કૅબિનેટ કક્ષાના પ્રધાનો છે, ૧૩ સ્વતંત્ર ખાતું ધરાવનારા રાજ્યકક્ષાના પ્રધાનો છે અને ૨૬ રાજ્યકક્ષાના પ્રધાનો છે. ડૉ. મનમોહન સિંહને સંયુક્ત સરકાર ચલાવવાની હતી એટલે તેમની સામે કેટલીક મજબૂરી હતી. નરેન્દ્ર મોદીની સરકાર બહુમતી ધરાવે છે એટલે તેઓ સાથીપક્ષોના મોહતાજ નથી. ટૂંકમાં કહીએ તો આનાથી નાનું પ્રધાનમંડળ અત્યારે શક્ય નથી.

માનવદ્રવ્યનો અભાવ ફરી એક વાર જોવા મળ્યો છે. ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર અને કેન્દ્રના ભૂતપૂર્વ ઊર્જા‍પ્રધાન સુરેશ પ્રભુ એ બે વ્યક્તિને છોડીને બાકીના પ્રધાનો એવા છે જેઓ કાં પહેલી વાર પ્રધાન બન્યા છે અને કાં તેઓ ઉત્તમ વહીવટી આવડતનો કોઈ ઇતિહાસ ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનોને ખાતાંઓની વહેંચણી કરી નથી, પરંતુ મનોહર પર્રિકરને સંરક્ષણ અને સુરેશ પ્રભુને રેલવેમંત્રાલય આપવાના છે એમ કહેવાય છે. મનોહર પર્રિકર સંરક્ષણ માટે ઉત્તમ પસંદગી છે. તેઓ પ્રામાણિક અને સક્ષમ માણસ છે. નાનકડા રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તેઓ અત્યાર સુધી વેડફાતા હતા. એ ઉપરાંત પર્રિકરનું નરેન્દ્ર મોદી પર ઋણ પણ હતું. ૨૦૧૩માં ગોવામાં મળેલી BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદીને પક્ષના નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં અને આગળ જતાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રસ્તો ખોલી આપવામાં મનોહર પર્રિકરનો મોટો હાથ હતો. પર્રિકર એટલા પ્રામાણિક છે કે તેમણે નરેન્દ્ર મોદીને મદદ પણ કરી હતી અને ગુજરાતનાં હુલ્લડો બદલ મોદીની ટીકા પણ કરી હતી. કેન્દ્રના પ્રધાનમંડળમાં મનોહર પર્રિકર સૌથી વધુ તેજસ્વી સાબિત થાય તો નવાઈ નહીં.

સુરેશ પ્રભુ આવા બીજા એક તેજસ્વી માણસ છે. તેઓ કોંકણની રાજાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને અટલ બિહારી વાજપેયીએ તેમને કેન્દ્રમાં ઊર્જા‍ પ્રધાન બનાવ્યા હતા. ૨૦૦૨માં બાળ ઠાકરેએ અચાનક તેમને કેન્દ્રના પ્રધાનમંડળમાંથી હટાવી દીધા હતા. સુરેશ પ્રભુ શિવસેનાના ક્વોટામાંથી કેન્દ્રના પ્રધાન હતા એટલે વાજપેયી લાચાર હતા. આ વખતે નરેન્દ્ર મોદી સુરેશ પ્રભુનો કેન્દ્રમાં ઉપયોગ કરવા કટિબદ્ધ હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે બહુ ઉત્સુક નહોતા. અડચણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની હતી. યોજના એવી હતી કે જો વિધાનસભાની ચૂંટણીમાં BJPને પર્યાપ્ત બેઠકો મળે અને શિવસેનાની ટેકણલાકડીની જરૂર ન પડે તો પ્રભુને કેન્દ્રના પ્રધાનમંડળમાં લેવા અને જો જરૂર પડે તો સુરેશ પ્રભુનો કોઈ ને કોઈ સ્પેશ્યલ ટાસ્ક માટે ઉપયોગ કરવો. નરેન્દ્ર મોદીએ આ પહેલાં જ સુરેશ પ્રભુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું અને એનાથી શિવસેના થોડી નારાજ હતી. હવે મહારાષ્ટ્રમાં BJPની સરકાર રચાઈ ગઈ છે અને જોખમરહિત છે એટલે નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેના સુરેશ પ્રભુ સામેના વિરોધને અવગણીને તેમને પ્રધાનમંડળમાં લીધા છે.

સુરેશ પ્રભુએ શિવસેનામાંથી રાજીનામું આપ્યું છે અને હવે BJP તેમને રાજ્યસભામાં મોકલીને સંસદસભ્ય બનાવશે. નરેન્દ્ર મોદીએ જ્યારે સુરેશ પ્રભુને કેન્દ્રીય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો અને પ્રભુએ સેનામાંથી રાજીનામું આપ્યું એ ઘડીએ જ BJP અને શિવસેનાના ૨૫ વર્ષ જૂના સંબંધોનો અંત આવી જવો જોઈતો હતો. ઉદ્ધવ ઠાકરે જે વ્યક્તિને ઇચ્છતા ન હોય તેને કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવે અને જેમને ઇચ્છતા હોય એ અનિલ દેસાઈને રાજ્યકક્ષાનું પ્રધાનપદ ઑફર કરવામાં આવે એમાં ઉદ્ધવ ઠાકરેનું અપમાન હતું. ઉદ્ધવ ઠાકરે હજી પણ નિર્ણય લઈ શકતા નથી કે આવડા મોટા અપમાન પછી હવે BJP સાથે છેડો ફાડવો કે નહીં?

BJP પાસે માત્ર ત્રણ મુસ્લિમ ફેસ છે, જેમાંના એક મુખ્તાર અબ્બાસ નકવીને સાવ રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવે અને નકવી એનો સ્વીકાર કરે એ આશ્ચર્ય છે. નજમા હેપ્તુલ્લા કરતાં નકવી BJPને વધારે વફાદાર છે અને મુસ્લિમોને BJPની નજીક લાવવામાં વધારે સક્રિય પણ છે. નકવી આ પહેલાં અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. BJPના શાસનમાં મુસ્લિમો ઓશિયાળા છે એ આમાં સાબિત થઈ રહ્યું છે.

બાકીના પ્રધાનોમાં રાજીવ પ્રતાપ રૂડી સહિત જે અનુભવી છે તેમનો વહીવટી ઇતિહાસ નેત્રદીપક નથી અને જે નવા છે તેમની હવે પછી કસોટી થશે. એકંદરે નરેન્દ્ર મોદીનું ૬૬ સભ્યોનું વિસ્તારિત પ્રધાનમંડળ પહેલાં જેટલું જ માનવદ્રવ્યની કૌવતમાં ગરીબ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK