બુલંદ ઇરાદા વિનાની મહાન વાતોનો કોઈ જ અર્થ નથી

Published: 31st October, 2014 05:34 IST

નરેન્દ્ર મોદી જ્યારે થિન્ક બિગ કહે છે તો આ બિગ થિન્કિંગ છે. કેટલા રાજકારણીઓને આ સમજાય છે અને સમજાય છે તો નિસબત ધરાવે છે? જો કોઈ સમજ અને નિસબત ધરાવનાર રાજકારણી બિગ થિન્કિંગ કરે તો એને માટેની કોઈ અનુકૂળતા છે ખરી? એ અનુકૂળતા બનાવવાની પહેલી ફરજ દસ્તૂરખુદ નરેન્દ્ર મોદીની છે
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા


થિન્ક બિગ, થિન્ક બિયૉન્ડ પૉલિટિક્સ. વડા પ્રધાને રવિવારે NDAના સંસદસભ્યોને આવી સલાહ આપી હતી. આ સોનેરી સલાહનું પાલન સરકારે એટલે કે વડા પ્રધાને પોતે કરવું જોઈએ; કારણ કે કેન્દ્રમાં સરકાર અત્યારે એક વ્યક્તિની છે, બાકીના બધા તો ડમી છે. જો સરકાર બિગ થિન્કિંગ કરતી હોત તો સડક પરના કચરાને દૂર કરવાની જગ્યાએ સરકારી ભ્રક્ટાચારનો કચરો દૂર કરવાનું વિચાર્યું હોત. ગાંધીજીએ બાહ્ય સ્વચ્છતા કરતાં આંતરિક સ્વચ્છતાને વધારે મહત્વ આપ્યું હતું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા એને દોઢસો દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી વહીવટી સુધારાની દિશામાં કોઈ બિગ થિન્કિંગ જોવા મળતું નથી. રોજેરોજ મીડિયાને આકર્ષનારા ખેલ પાડવાથી જેમ ગુજરાત ગોકળિયું થયું નથી એમ દેશ મહાન બનવાનો નથી. એને માટે ખરેખર બિગ થિન્કિંગ કરવું પડશે અને એટલાં જ મોટાં, નિર્ણાયક હિંમતપૂર્વકનાં પગલાં લેવાં પડશે.

બિયૉન્ડ પૉલિટિક્સ એ વડા પ્રધાને આપેલી બીજી સોનેરી સલાહ છે. બિયૉન્ડ પૉલિટિક્સનો અર્થ થાય છે અંગત અને પક્ષીય રાજકીય કરતાં અદકેરું એવું પ્રજાકીય કે રાષ્ટ્રીય હિત. આને માટે પહેલાં તો રાજકારણી પાસે એટલી સમજ હોવી જોઈએ. બીજું, નિસબત હોવી જોઈએ અને ત્રીજું, અનુકૂળતા હોવી જોઈએ. આપણે ત્યાં વત્તાઓછા પ્રમાણમાં આ ત્રણેનો અભાવ છે. પચાસ ટકા રાજકારણીઓમાં સમજનો અભાવ છે, ૯૦ ટકા રાજકારણીઓમાં નિસબતનો અભાવ છે અને સોએ સો ટકા રાજકારણીઓ માટે અનુકૂળતાનો અભાવ છે. કૂવામાં જ ન હોય તો હવાડામાં ક્યાંથી આવે? સમજ અને નિસબતવાળા લોકો રાજકારણથી દૂર રહે છે, કારણ કે રાજકારણમાં થિન્ક બિગ અને થિન્ક બિયૉન્ડ પૉલિટિક્સ માટે અનુકૂળતાનો અભાવ છે. રાજકારણમાં પ્રવેશીને કલંકિત થવું એના કરતાં રાજકારણથી દૂર રહીને સમાજ માટે શા માટે કંઈક કરી ન છૂટવું?

એવું નથી કે દેશમાં સમજ અને નિસબત ધરાવતા માણસો નથી. રાજકારણીઓની કુલ જમાત કરતાં આવા લોકોની જમાત ઘણી મોટી છે. તેઓ રાજકારણમાં જતા નથી, કારણ કે તેમને ખાતરી છે કે ભારતની રાજકીય વ્યવસ્થા તેમને ટકવા દે એવી અનુકૂળ નથી. તેઓ પોતપોતાની રીતે સંસ્થાઓ અને સંગઠનો રચીને સમાજના હિતમાં કામ કરે છે. આવાં કામ કરનારા ભારતના એક ડઝન માણસોને વૈકલ્પિક નોબેલ પ્રાઇઝ ગણાતા રેમન મૅગ્સેસે અવૉર્ડ મળ્યા છે અને તાજેતરમાં કૈલાસ સત્યાર્થીને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. સમાજના હિતમાં કામ કરનારી અનેક સંસ્થાઓને પ્રતિãષ્ઠત પારિતોષિકો મળ્યાં છે અને એનર્જીના ક્ષેત્રમાં કામ કરનારી સંસ્થાને તો નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે.

કલ્પના કરો કે આવા લોકો જાહેર જીવનમાં પ્રવેશ્યા હોત કે રાજકીય પક્ષોમાં જોડાયા હોત તો દેશ આજે ક્યાં હોત? કલ્પના સુખ આપનારી છે, નહીં? પણ બીજી બાજુ કલ્પના કરો કે આવા લોકો એક દિવસ માટે પણ રાજકારણમાં ટકી શક્યા હોત ખરા? કલ્પના વેદના જગાડનારી છે. ભૂતકાળમાં અનેક માણસોએ રાજકીય પક્ષો દ્વારા સમાજકલ્યાણ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ નિષ્ફળ ગયા છે. સત્તા સમજાવટ કરતાં પરિવર્તન માટે વધારે અસરકારક માધ્યમ છે એની લાલચે સત્તા દ્વારા દેશ બદલવા ઘણા લોકોએ રાજકારણનો માર્ગ અપનાવી જોયો છે. ઊંડી સમજ અને સાચી નિસબત ધરાવનારા ભલા માણસો રાજકારણમાં પ્રવેશી શકતા નથી અને જો પ્રવેશે છે તો ટકી શકતા નથી.

જે કોઈ પ્રવૃત્તિથી સારા માણસો દૂર રહેતા હોય તો એ પ્રવૃત્તિને અનિક્ટ સમજવી જોઈએ. આ વાત સમજવા માટે બહુ મોટી બુદ્ધિની કે તર્કની જરૂર નથી. ચોરી એક પ્રવૃત્તિ છે, જુગાર એક પ્રવૃત્તિ છે, છેતરપિંડી એક પ્રવૃત્તિ છે, ડ્રગ-ટ્રાફિકિંગ અને ફ્લેશ-ટ્રાફિકિંગ એક પ્રવૃત્તિ છે જે સમાજકલ્યાણની સમજ અને નિસબત ધરાવનારા સારા માણસો ક્યારેય કરશે ખરા? આ અનિક્ટ પ્રવૃત્તિ છે એટલે સારા માણસો દૂર રહે છે એમ જો રાજકારણથી સારા માણસો દૂર રહેતા હોય તો એ નિ:શંક અનિક્ટ પ્રવૃત્તિના સ્તરની હોવી જોઈએ એમ માનવામાં કોઈ ભૂલ થવાની સંભાવના નથી.

અનિક્ટ પ્રવૃત્તિ કરવાથી ઓછી મહેનતે ઝડપી પૈસા મળે છે એ તો સમજાય છે, પણ અનિક્ટ રાજકારણ શા માટે કરવામાં આવે છે? આનું કારણ એ છે કે ભારતની રાજકીય વ્યવસ્થા અનિવાર્યપણે અનિક્ટ રાજકારણ કરવું પડે એવી છે. ચૂંટણી લડવી હોય તો પૈસા જોઈએ અને પૈસા જોઈતા હોય તો ચૂપચાપ અદાણીને ગોન્દિયામાં જંગલની જમીન આપી દેવી પડે. એ પછી મીડિયામાં ઊહાપોહ ન થાય એ માટે મીડિયાને ખરીદવાં પડે. તમે આ સમાચાર કેટલી ટીવી-ચૅનલ પર જોયા? અનિક્ટતા વિના ભારતમાં રાજકારણમાં સફળતા મળતી નથી એટલે ભારતીય રાજકારણ કેટલેક અંશે સમજ વિનાના અને મહદંશે નિસબત વિનાના નીંભર લોકોના હાથમાં સરકી ગયું છે. સંવેદનહીન જાડી ચામડીના લોકો આજે રાજકારણમાં પ્રવેશ્યા છે અને રાજકીય પક્ષોનો કબજો કર્યો છે એટલે સ્વાભાવિકપણે તેમણે અનિક્ટ પ્રવૃત્તિ કરીને ઝડપી પૈસા બનાવનારા ઉપર કહ્યા એવા લોકો સાથે ધરી રચી છે.

નરેન્દ્ર મોદી જ્યારે થિન્ક બિગ કહે છે તો આ બિગ થિન્કિંગ છે. કેટલા રાજકારણીઓને આ સમજાય છે અને સમજાય છે તો નિસબત ધરાવે છે? અને જો કોઈ સમજ અને નિસબત ધરાવનાર રાજકારણી બિગ થિન્કિંગ કરે તો એને માટેની કોઈ અનુકૂળતા છે ખરી? એ અનુકૂળતા બનાવવાની પહેલી ફરજ દસ્તૂરખુદ નરેન્દ્ર મોદીની છે. થોડા માણસોને થોડો સમય મૂરખ બનાવી શકાય છે, બધા માણસોને બધો સમય મૂરખ નથી બનાવી શકાતા. જો નરેન્દ્ર મોદી વ્યવસ્થા-પરિવર્તન માટેની સાચી નિસબત અને હિંમત નહીં બતાવે તો લખી રાખજો કે તેઓ બોલબચન વડા પ્રધાન તરીકે હાસ્યાસ્પદ સાબિત થશે. તેમની પાસે પૂરતો સમય પણ છે અને અનુકૂળતા પણ છે. બીજી બાજુ કસોટીની ઘડિયાળ ટિક-ટિક ચાલી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK