મોદી મૅજિક

Published: Sep 17, 2020, 10:34 IST | Rashmin Shah | Mumbai

નરેન્દ્ર મોદીને પર્સનલી મળેલી આ સેલિબ્રિટીઝ કરિશ્માઈ નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમની પાસેથી તેમનો કયો મૅજિક મેળવવા માગે છે એની વાત અહીં કરે છે

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

હકારાત્મકતા

મનોજ જોષી (ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર)
નરેન્દ્ર મોદી પાસેથી હું પૉઝિટિવિટી લઉં. તેમનામાં જે હકારાત્મકતા છે એ અદ્ભુત છે. આફતને અવસરમાં પલટવાની તેમની જે ક્વૉલિટી છે એ ક્વૉલિટી આ હકારાત્મકતાને જ આભારી છે. હું એ પણ કહીશ કે માત્ર હકારાત્મકતા ક્યારેય પરિણામ નથી આપતી. હકારાત્મકતાની સાથોસાથ તમારામાં અન્ય ગુણો પણ હોવા જોઈએ. હાર્ડ વર્કની ક્ષમતા પણ હોવી જોઈએ અને સખત ડિસિપ્લિન સાથેનું ટાઇમ મૅનેજમેન્ટ પણ તમારામાં હોવું જોઈએ. હું કહીશ કે નરેન્દ્ર મોદીના ટાઇમ મૅનેજમેન્ટની આપણે સૌએ દાદ આપવી પડે. દુનિયા ઉપરથી નીચે થઈ જાય પણ તેમના ટાઇમ મૅનેજમેન્ટમાં કોઈ ફરક ન આવે. સતત કામમાં રહેવાનું અને કામમાં રહ્યા પછી જરૂર પડે ત્યારે ત્વરા સાથે નિર્ણય લેવાની તૈયારી પણ રાખવાની. નિર્ણય લેવાની તૈયારી પણ રાખવાની અને એ પણ પૂરી હકારાત્મકતા સાથે કે જે પરિણામ આવશે એ રાષ્ટ્રહિતમાં જ આવશે. મારે કહેવું છે કે તેમની હકારાત્મકતાએ જ આજે દેશને અનેક એવાં પરિણામો આપ્યાં છે જેની રાહ દેશવાસીઓ વર્ષોથી જોતા હતા.

Manoj Joshi with PM Narendra Modi

રામ મંદિર અને જમ્મુ-કાશ્મીરમાં લેવામાં આવેલા રાજકીય નિર્ણયો એનું જ પરિણામ છે. વિરોધીઓ બકબક કર્યા કરે પણ તમે તમારી હકારાત્મકતા સાથે આગળ વધતા રહો તો જગતનો કોઈ વિઘ્નસંતોષી તમને નડી નથી શકતો એનું શ્રેષ્ઠ ઉદાહરણ જો કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી છે. નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ હકારાત્મક રહેવું બહુ અઘરું છે. નરેન્દ્ર મોદીની આજુબાજુ જુઓ તમે, બધા નેગેટિવ લોકો તેમના વિરોધમાં ઊભા છે અને એ પછી પણ તે અડીખમ બનીને આગળ વધે છે. લોકસભા ઇલેક્શન યાદ કરો, દેશભરના તમામ રાજકીય પક્ષ એક થઈને ઊભા રહી ગયા હતા અને એ પછી પણ નરેન્દ્ર મોદીએ એકલા હાથે એ તમામનો ધ્વંસ કર્યો. આ ધ્વંસ સમયે પહેલી વાર પુરવાર થયું કે હકારાત્મકતા જગત આખાની નેગેટિવિટીને કાપવાની ક્ષમતા ધરાવે છે. આપણે ત્યાં કહેવાય છે કે એક ખરાબ કેરી બધી સારી કેરીને બગાડે પણ નરેન્દ્ર મોદીની બાબતમાં સાવ ઊલટું છે. એક સારી કેરી આજે બધી ખરાબ કેરીને સુધારવાનું કામ કરે છે અને એનો જશ જો કોઈને આપવો પડે તો એ છે તેમનામાં રહેલી હકારાત્મકતા.

સમયસૂચકતા

Geetaben Rabari with PM Narendra Modi

ગીતા રબારી (લોકકલાકાર)
જો મારું ચાલે તો હું નરેન્દ્રભાઈમાંથી આ ગુણ લઈ લઉં. સમયસૂચકતા. સમયસૂચકતાની સાથોસાથ જો તેમની પાસેથી કંઈ શીખવા જેવું હોય તો એ છે સમયનું પાલન અને સમયનું અનુશાસન. આ ત્રણ ગુણ એવા છે જે તમે તમારા જીવનમાં અપનાવો તો તમે ક્યારેય કોઈ જગ્યાએ હેરાન થાઓ નહીં. ક્યારે ક્યાં સમયસૂચકતા રાખવી, કયા નિર્ણય લેવામાં ધ્યાન રાખવું અને કેવા સંજોગોમાં નિર્ણય લેવામાં જરા પણ સમય ગુમાવવો નહીં એ તેમના લોહીમાં છે. મને લાગે છે કે દરેક માણસ જો સમયની બાબતમાં આ ત્રણ બાબતનું ધ્યાન રાખતા થઈ જાય તો તે સમય ઉપર પણ જીત મેળવી શકે. હું જ્યારે પણ નરેન્દ્ર મોદીનો ફોટો જોઉં ત્યારે મને તરત જ આ બધા વિચારો આવવા માંડે. હું પ્રયાસ પણ કરું છું પણ એમ છતાં તેમના સ્તરની સમયની કદર નથી થઈ શકતી. સમયની બાબતમાં માણસ જેટલી તકેદારી રાખે એટલો જ તેને લાભ થવાનો છે. તેને પણ થવાનો છે અને તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિને પણ થવાનો છે. આજના જ આ સમયને જુઓ તમે. કોરોનાની આ મહામારીના સમયમાં તેમની સમયસૂચકતા જ દેશને લાભ કરાવી ગઈ છે. લૉકડાઉનથી લઈને અનલૉકના આ પિરિયડમાં પણ તમને તેમની સમયસૂચકતા જોવા મળે છે. હું તો કહીશ કે આજે સવા અબજનો આ દેશ રાતે શાંતિથી સૂઈ શકે છે તો એ તેમને લીધે. તે ખરા અર્થમાં ચોકીદાર બનીને પોતાના સમયનું પ્લાનિંગ કરે છે અને આ સમયનું પ્લાનિંગ પણ હું તેમની પાસેથી લેવાનું ઇચ્છીશ. મને એક વાત એ પણ કહેવી છે કે તે બધાને આપવા જ બેઠા છે. તેમનામાંથી લેવાની ક્ષમતા આપણી હોવી જોઈએ. હું તો મારી રીતે પ્રયાસ કરતી રહું છું પણ એમ છતાં એટલી પાબંદી લાવી નથી શકતી જેટલી લાવવી જોઈએ. મારા નિયમો તૂટે ત્યારે મને પહેલો વિચાર એ જ આવે, મોદીસાહેબ કેવી રીતે પોતાની જાત સાથે આટલા સ્ટ્રિક્ટ રહી શકતા હશે!

એનર્જી

Dharmesh Mehta with PM Narendra Modi

ધર્મેશ મહેતા (ડિરેક્ટર, પ્રોડ્યુસર)
જો મારું ચાલે તો હું તેમની આ જે એનર્જી છે એ લઈ લઉં પણ આ હું મારી અંગત વાત કરું છું. બાકી તેમની પાસેથી લેવાની વાત હોય તો હું કહીશ કે નરેન્દ્ર મોદી ગુણોનો એક ખજાનો છે. શીખવા માટેની એક આખી યુનિવર્સિટી છે. તમે સતત શીખી શકો, એકધારું શીખી શકો અને દરેક વખતે નવું શીખી શકો એટલી ક્ષમતા તેમનામાં છે. આજની આ મહામારીની પરિસ્થિતિમાં પણ તે જે રીતે દેશ ચલાવે છે એ દેખાડે છે કે તેમની ક્ષમતા વિશ્વનેતા સ્તરની છે. અમેરિકા અને બ્રિટનમાં હાલત ખરાબ છે. હજી પણ ત્યાં લોકો ત્રાહિમામ પોકારે છે એવા સમયે આપણે ત્યાં પરિસ્થિતિ એવી તો બગડી નથી જ નથી. તેમની સ્ટ્રેંગ્થ, તેમના એફર્ટ્સ, સામે વિરોધીઓની લાંબી ફોજ અને એ પછી પણ જરા પણ વિચલિત થયા વિના તે જે રીતે આગળ વધે છે એ દર્શાવે છે કે તે સાચા અર્થમાં હાથી છે અને હાથી ક્યારેય ભસતાં કૂતરાં તરફ ધ્યાન નથી આપતો. તમે તેમની આ ઉંમરે પણ ત્વરા જુઓ, એનર્જી જુઓ. તમને જરા પણ તે ઢીલા ન દેખાય. કોઈ પણ સમયે તે તમને એકસરખી એનર્જી સાથે જોવા મળે. મારે તેમનો આ ગુણ તેમની પાસેથી લેવો છે.
તમે તેમને ક્યારેય પણ મળો, તે તમને એ જ એનર્જી સાથે જોવા મળે જે પાંચ-સાત કે પંદર વર્ષ પહેલાંની એનર્જી તમે જોઈ હોય. કોઈ પણ સમયે તેમના ચહેરા પર કે તેમની બૉડી લૅન્ગ્વેજમાં ક્યાંય તમને થાક ન વર્તાય, ગજબનાક એનર્જી છે. ફટાફટ બધાં કામ થાય અને એ કામ પણ અવ્વલ દરજ્જાનાં જ થાય. આટલા પ્રવાસો કર્યા તેમણે પણ એ પ્રવાસ પછી પણ તમને તેમનામાં ક્યાંય થાક નહીં દેખાય. લૉકડાઉન પહેલાંનો સમયગાળો જુઓ તમે. બે દિવસ અહીં, બે દિવસ અમેરિકા, ત્યાંથી પાછા નેપાળ અને ત્યાંથી રશિયા અને ફરી પાછા ઇન્ડિયા. જેણે ફૉરેન ટ્રાવેલ કર્યું હશે તેમને ખબર હશે કે જેટલેગ કઈ હદે તમને નિચોવી નાખે. પણ ના, તમને મોદીસાહેબમાં એવું કશું જોવા મળે નહીં. એ જ એનર્જી, એ જ ક્ષમતા અને એ જ સ્વસ્થતા. હૅટ્સ ઑફ. જો મારું ચાલે તો હું તેમની આ ક્વૉલિટી લઉં.

દૃઢ નિશ્ચય અને એ પણ ત્યાગ સાથેનો

Sairam Dave with PM narendra Modi

સાંઈરામ દવે (હાસ્ય-લોકકલાકાર અને કેળવણીકાર)
તમને એક વાત કહું. સીતાના પિતા રાજા જનક વિદેહ કુળના હતા. ખરા ત્યાગી રાજા. આખું રાજ્ય જો રાતોરાત ચાલ્યું જાય તો પણ કોઈ ચિંતા કરે નહીં અને એ પછી પણ રાજ કરવામાં જરા સરખી પણ બેદરકારી દાખવે નહીં. નરેન્દ્ર મોદીનું પણ એવું જ છે. ત્યાગ સતત તેમની નજર સામે છે અને એક વાત યાદ રાખજો, ત્યાગ કરી શકે એ જ લોકચાહના પણ મેળવી શકે. નરેન્દ્ર મોદીની લોકચાહનાનું સાચું કારણ પણ તેમની ત્યાગવૃત્તિ છે. તેમને ક્યારેય સત્તાનો મોહ હતો નહીં અને આજે પણ એવું જ છે. આજે પણ એ સત્તાના મોહમાં બિલકુલ નથી. દેશસેવા તેમનો નિર્ધાર છે અને સત્તા એના ભાગરૂપે તે સાચવે છે. નરેન્દ્ર મોદીની એનર્જીને હું કોસ્મિક એનર્જી કહીશ. આ કોસ્મિક એનર્જી ઈશ્વરીય દેન છે. એ લાવવાનો પ્રયાસ પણ ન થઈ શકે, એ તો હજાર હાથવાળો જ આપે. પણ જે તમે તમારી જાતે લાવી શકો કે પછી લાવવાનો પ્રયાસ કરી શકો એવું જો કંઈ હોય તો એ છે કે દૃઢ નિશ્ચય.
તમે જુઓ, મોદીસાહેબે જે કંઈ કર્યું એ બધું દૃઢ નિશ્ચયને આધારિત છે. ગુજરાતને બેસ્ટ બનાવવું છે, બનાવ્યું. બીજેપીની સરકાર કેન્દ્રમાં બનશે. બની. રામ મંદિર આવશે. ફાઇનલી કામ શરૂ થઈ ગયું. જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકારો નહીં મળે, લઈ લીધો નિર્ણય. જીએસટી આવશે અને રાતે દોઢ વાગ્યે દેશમાં જીએસટી દાખલ કર્યો. પાકિસ્તાનને જવાબ મળશે, આપ્યો જવાબ અને મોઢું સંતાડ્યા વિના આપ્યો જવાબ. આ જે નિર્ણયશક્તિ છે, દૃઢ નિર્ણયશક્તિ છે એ સુપરવિલનું સુપર ઉદાહરણ છે. સતત લોકો તમને ઉશ્કેરતા હોય, તમારી ટીકા કરતા હોય, તમને ઉતારી પાડતા હોય ત્યારે તમે તમારા નિર્ણય પરથી ડગમગી જાઓ એવું બને અને એ બનવું સહજ છે પણ નરેન્દ્ર મોદી એ બધાથી પર છે. તેમના નિર્ણયો ડગતાં નથી અને તે ક્યારેય ખચકાતા નથી. જવાબ દેવાની ઉતાવળ પણ તે નહીં કરે અને વિચારોમાં અસ્થિરતા પણ નહીં આવે. મૌન રહેવું અને માત્રને માત્ર આગળ આગળ વધવું. બહુ અઘરું છે આવો અપ્રોચ રાખવો, પણ તે રાખે છે અને સહજ રીતે રાખે છે. તેમના સ્વભાવની આ ખાસિયત મારે મારા જીવનમાં લાવવી છે. જવાબ આપવાને બદલે તમારા કામને જબાન આપો, એ જવાબ આપશે અને નરેન્દ્ર મોદી એ જ કરે છે.

ફોકસ

Bhavya Gandhi with PM Narendra Modi

ભવ્ય ગાંધી (ઍક્ટર)
મારે તેમની પાસેથી ફોકસ શીખવું છે. ગમે એ થઈ જાય, ગમે એટલું બની જાય, વિપરીત સંજોગો હોય તો પણ તે પોતાના ફોકસ પર અકબંધ રહે છે. બહુ ભાગ્યે જ આ ક્વૉલિટી જોવા મળતી હોય છે પણ આ જે ક્વૉલિટી છે એ ક્વૉલિટી જો તમે એક વાર કેળવી લો તો તમારા હરીફ કે પછી વિઘ્નસંતોષીની કાયમ માટે બોલતી બંધ થઈ જાય. નરેન્દ્ર મોદીએ એવું જ કર્યું છે. આજે તમે જુઓ, ઑપોઝિશન પાર્ટી કેવી હોય અને એમાં કેટલા લોકો હોય એ અમારા જેવા યંગસ્ટર્સને ખબર નથી. છેલ્લાં ત્રીસ વર્ષમાં બીજેપીએ જે પ્રકારે ગ્રોથ કર્યો છે એ ગ્રોથ કોઈ પણ ઇકૉનૉમિસ્ટને પણ અચરજ આપે એવો છે. આ ગ્રોથનું કારણ માત્ર એક જ છે, નરેન્દ્ર મોદીનું ફોકસ. તેમના વિચારો ડોલતા નથી, નિર્ણય તેમના ફરતા નથી અને તે જ્યારે પણ કામની શરૂઆત કરે છે ત્યારે પોતાને જોઈતું રિઝલ્ટ નક્કી કરી લે છે. મને હજી પણ યાદ છે અમારી પહેલી મુલાકાત. હું તો ત્યારે સાવ નાનું બચ્ચુ હતો. બાર-તેર વર્ષની મારી ઉંમર હશે એ સમયે અને એ સમયે તે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. એ સમયે તેમણે વાત કરતાં-કરતાં એક સ્ટેટમેન્ટ કર્યું હતું.
હાર નહીં માનો તો તમારી જીત નક્કી છે.
મારી લાઇફમાં આ વાક્ય કાયમ માટે કોતરાઈ ગયું છે. તેમણે કહેલું આ વાક્ય ફોકસને સ્પષ્ટ કરે છે. ફોકસ હોવું જોઈએ અને એ જીત માટેનું હોવું જોઈએ. ફોકસ માટે તમારે આજુબાજુમાં જોવાનું છોડી દેવાનું, વિરોધીઓને જે કરવું હોય એ કરવા દેવાનું અને જે બોલવું હોય એ બોલવા દેવાનું. આ જે સિચુએશન છે એની માટે એક ગુજરાતી શબ્દ છે સ્થિતપ્રજ્ઞતા. હા, બિલકુલ સ્થિતપ્રજ્ઞતા અપનાવીને આપણું ધ્યાન માત્ર લક્ષ પર રાખવાનું, પણ આપણે એ કરી નથી શકતા. કોઈ જ્યારે તમારા પર અટૅક કરે ત્યારે આપણે સામાન્ય રીતે સામે રીઍક્ટ થઈ જતા હોઈએ છીએ. પણ તમે જુઓ નરેન્દ્ર મોદીને, તે અટૅક સામે પણ ડિફેન્સ રહે છે; કારણ કે તેમની તમામ એનર્જી લક્ષની દિશામાં છે. વિરોધીઓ સી ગ્રેડની વાતો કર્યા કરે, સતત તમારું ફોકસ તોડ્યા કરે અને એ પછી પણ મૌન રહી લક્ષને હાંસિલ કરવાનું કામ અઘરું છે પણ એ કામ નરેન્દ્ર મોદી એક્સપર્ટની અદાથી કરે છે. બસ, મારે પણ આ જ આવડત કેળવવી છે અને તેમની પાસેથી ફોકસની આ ખાસિયત મેળવવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK