Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ બન્યા સ્કૂલના મોદીસાહેબ

મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ બન્યા સ્કૂલના મોદીસાહેબ

25 November, 2011 05:36 AM IST |

મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ બન્યા સ્કૂલના મોદીસાહેબ

મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ બન્યા સ્કૂલના મોદીસાહેબ


 



 


અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ ગઈ કાલે પ્રાથમિક સ્કૂલના મોદીસાહેબ બની ગયા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક દાંતા તાલુકાની મહદંશે મોમિન-મુસ્લિમ વસ્તીવાળી જશવંતગઢ ભેમાળ પ્રાથમિક સ્કૂલમાં જઈને ધોરણ ૧થી ૮ના સ્ટુડન્ટ્સને ભણાવ્યા  હતા અને તેમની કસોટી પણ કરી હતી.

નરેન્દ્ર મોદીએ ગુણોત્સવ અભિયાનના ગઈ કાલે પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લામાં જશવંતગઢ ભેમાળ પ્રાથમિક સ્કૂલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સ્કૂલમાં પહોંચી જઈને તેમણે સ્કૂલના દરેક ક્લાસરૂમમાં જઈને સ્ટુડન્ટ્સના અભ્યાસ અને બૌદ્ધિક વિકાસની જાતમાહિતી સ્ટુડન્ટ્સ પાસેથી મેળવી હતી. ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ સાથે એક શિક્ષક તરીકે ઇન્ટરઍક્શન કરીને સ્ટુડન્ટ્સને પ્રશ્નો પૂછ્યા હતા તેમ જ નકશા બતાવીને તેમ જ ક્લાસરૂમના બ્લૅકર્બોડ પર પણ સ્ટુડન્ટ્સને લખાવીને તેમની અભ્યાસની કસોટી લેવા નરેન્દ્ર મોદી સ્નેહાળ શિક્ષકનું દાયિત્વ નિભાવ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક સ્કૂલમાં શૈક્ષણિક વાતાવરણ, બાળકોની શિક્ષણ પ્રાપ્તિ માટેની રુચિ અને વાંચન-લેખન, ગણિત-કમ્પ્યુટર સહિતના અભ્યાસની તમન્ના ઉપરાંત બાળકોના ભવિષ્ય ઘડતરના પાયામાં શિક્ષણ અને સંસ્કાર માટે ગ્રામસમાજની જાગૃતિનું જાતનિરીક્ષણ કર્યું હતું.

શિક્ષકો સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ગુણોત્સવના ઉદ્દેશને સ્પષ્ટ કરતાં કહ્યું કે શિક્ષક તરીકેનું દાયિત્વ નિભાવવાની ઉદાસીનતા કોઈ પણ સંજોગોમાં સરકાર ચલાવી નથી લેવાની. નબળી ગુણવત્તા ધરાવતી સ્કૂલોના શિક્ષકોને તેમણે તાકીદ કરી હતી કે વર્ષમાં ૨૨૫ દિવસ શિક્ષણકાર્ય કરવાનું છે અને આપણા વર્ગનું બાળક નબળું હોય તો પીડા શિક્ષકને થવી જ જોઈએ અને સંવેદનાસભર શિક્ષકની નિષ્ઠા હોવી જોઈએ.

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા અવિરત પરિશ્રમ કરી રહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતની ૩૨,૭૯૨ પ્રાથમિક સ્કૂલોમાં ગુણવત્તા ઊંચે લાવવા માટેના સતત ત્રીજા વર્ષે ગુણોત્સવના અભિયાનનું નેતૃત્વ લીધું હતું.

મોમિન વિદ્યાર્થિનીઓએ મોદીને આપેલી ચબરખીમાં શું લખ્યું?

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતમાં અંબાજી પાસેના જશવંતગઢ ભેમાળ ગામની પ્રાથમિક સ્કૂલની મુલાકાત લઈને દરેક ક્લાસરૂમમાં પહોંચી જઈને એક શિક્ષક તરીકેનો રોલ અદા કર્યો હતો એ દરમ્યાન ધોરણ-૮માં અભ્યાસ કરતી બે મોમિન કન્યાઓએ તેમના હાથમાં કાગળની ચબરખી આપી હતી. એમાં લખ્યું હતું કે અમારે દીકરીઓએ આગળ ભણવું છે, પણ માતા-પિતા ના પાડે છે તો શું કરવું ?

દીકરીઓની વેદનાની આ વાત નરેન્દ્ર મોદીએ ગ્રામજનો સમક્ષ રજૂ કરીને કહ્યું હતું કે ‘બાળકોને ભણવાથી વંચિત રાખવાં એ માફ કરી શકાય નહીં. સરકારે તો દસ વર્ષમાં દીકરી હોય કે દીકરો - બધાને અભ્યાસ માટે બધી જ સુવિધા એક રૂપિયાનો ખર્ચ થાય નહીં એવી રીતે પૂરી પાડી છે. આપણા ગામનું સંતાન ભણે નહીં તો એનો દોષ શિક્ષકો અને ગ્રામસમાજનો છે, વાલીઓની ઉદાસીનતા છે. ગામની સ્કૂલ તો ગામનું ગૌરવ બને એવી હોવી જોઈએ.’

નરેન્દ્ર મોદીએ સંવેદનાસભર હૈયે કહ્યું હતું કે ‘હું ગાંધીનગરથી ગુણોત્સવનો શિક્ષણયજ્ઞ લઈને આવ્યો છું. ગુજરાત આટલું વિકાસથી ધબકતું હોય, પણ ગામની સ્કૂલ અને શિક્ષણમાં આપણું સંતાન પાછળ રહી જાય, કમ્પ્યુટર ટેક્નૉલૉજીની સગવડ હોવા છતાં એની તાલીમ પામ્યા વગર રહી જાય એ આ સરકાર ચલાવી લેવા માગતી જ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2011 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK