મીડિયાથી દૂર ભાગવાનું પણ નહીં અને નજીક પણ જવું નહીં એવો આબાદ રસ્તો નરેન્દ્ર મોદીએ શોધી કાઢ્યો છે

Published: 27th October, 2014 05:42 IST

મીડિયાને દૂર રાખવામાં મોદીએ ડૉ. મનમોહન સિંહ કરતાં નિરાળો માર્ગ અપનાવ્યો છે. તેઓ સ્વચ્છતા મિશન કે બાળકો સાથે વાર્તાલાપ જેવા કોઈ ને કોઈ ખેલ પાડતા રહે છે જેમાં મીડિયાએ ઉપસ્થિત રહેવું પડે છે, પણ પત્રકારોને પ્રશ્ન પૂછવાની તક આપતા નથી. તેઓ મીડિયાને આકર્ષે છે, પણ નજીક નથી આવવા દેતા
કારણ-તારણ - રમેશ ઓઝા


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં BJPના કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકારોને બોલાવીને નવા વર્ષની ઉજવણી કરી હતી. તેમણે મોટી સંખ્યામાં પત્રકારોને બોલાવ્યા હતા, પરંતુ એને પત્રકાર-પરિષદનું સ્વરૂપ નહોતું આપ્યું. એ બેઠક અનૌપચારિક મિલન જેવી હતી જેમાં તેમણે પ્રારંભમાં નાનકડું સંબોધન કર્યું હતું, પરંતુ પત્રકારોને પ્રશ્નો પૂછવા નહોતા દીધા. વડા પ્રધાનના ઉદ્બોધનમાં પત્રકારોનાં થોડાંક વખાણ હતાં, થોડોક વ્યંગ્ય હતો, થોડીક સલાહ હતી અને વધુ વિનોદ હતો. તેઓ જ્યારે BJPના કાર્યાલયમાં રહેતા હતા ત્યારે પત્રકાર-પરિષદ વખતે ખુરસીઓ ગોઠવતા હતા એની યાદ અપાવી હતી. અંતે વડા પ્રધાન પત્રકારોના દરેક ટેબલ પર તેમને અંગત રીતે મળવા ગયા હતા અને અવારનવાર મળતા રહેશે એવું વચન આપ્યું હતું, પણ કોઈ પત્રકારને પ્રશ્ન પૂછવાની કે કોઈ મુદ્દો ઉપસ્થિત કરવાની તક નહોતી આપી. પત્રકારો સાથેનું આવું વન-વે ટ્રાફિકવાળું મિલન આજ સુધી જોવા નથી મળ્યું. નરેન્દ્ર મોદીની અનોખી શૈલીનો આ નમૂનો છે.

નેતાઓ અને અભિનેતાઓ મીડિયા સાથે લવ-હેટ રિલેશનશિપ ધરાવે છે. તેમને મીડિયા વિના ચાલતું નથી અને દરેક વખતે મીડિયા તેમને માફક પણ આવતું નથી. તેમાંના કેટલાક મીડિયાનો ખૂબીપૂવર્‍ક ઉપયોગ કરે છે તો બીજા કેટલાક મીડિયાની ઉપેક્ષા કરે છે અથવા એનાથી બને ત્યાં સુધી દૂર ભાગે છે. શાસકો મીડિયાને દબાવવાનો અને જરૂર પડ્યે એનું ગળું ઘોંટવાનો પ્રયાસ પણ કરે છે.

હવે વર્ષો વીતવા સાથે મીડિયાનું સ્વરૂપ પણ બદલાયું છે એટલે નેતાઓનું મીડિયા પરત્વેનું વલણ પણ બદલાયું છે. પહેલાંના યુગમાં માત્ર પ્રિન્ટ મીડિયા હતું અને પ્રિન્ટ મીડિયા બનેલી ઘટનાઓનો અહેવાલ આપતું હતું. એને ખબર સાથે સંબંધ હતો એટલે પત્રકારો ખબરપત્રી તરીકે ઓળખાતા હતા. શું થઈ રહ્યું છે અને પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે એવી વાતોને ખબર તરીકે પ્રકાશિત કરવામાં નહોતી આવતી. એવી વાતો પ્રકાશિત કરવામાં આવતી પણ હતી તો એ રવિવારના અંકમાં અંદરના પાને હળવી કૉલમના ભાગરૂપે પ્રકાશિત થતી હતી. આજની જેમ એ પહેલા પાને ન્યુઝ તરીકે નહોતી પ્રકાશિત થતી. એ યુગમાં ન્યુઝ અને વ્યુઝનો ભેદ કરવામાં આવતો હતો. ન્યુઝને વ્યુઝ તરીકે અને વ્યુઝને ન્યુઝ તરીકે આપવાની પરંપરા નહોતી. બનેલી ઘટનાઓ વિશે તંત્રીઓ અને કટારલેખકો એડિટ પેજ પર વિવરણ કરતા હતા. એ જમાનામાં એડિટ પેજને અને એડિટોરિયલ તેમ જ લેખોને ગંભીરતાથી લેવામાં આવતા હતા. એ યુગમાં ન્યુઝ, વ્યુઝ અને ઍડ્વર્ડટાઇઝની ભેળસેળને પીળા પત્રકારત્વ તરીકે ઓળખવામાં આવતું હતું.

હવે ચોવીસ કલાકના ઇલેક્ટ્રૉનિક મીડિયાને કારણે અને પ્રિન્ટ મીડિયા સામે પેદા થયેલા અસ્તિત્વને કારણે મીડિયાનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જેને એક જમાનામાં બેજવાબદાર પત્રકારત્વ કહેવામાં આવતું હતું એ આજે સવર્‍માન્ય જવાબદાર પત્રકારત્વ બની ગયું છે. પત્રકાર જેટલો બેજવાબદાર અને જેટલો આક્રમક એટલો તે વધારે મોટો પત્રકાર ગણાય છે. જાહેરખબરોની આવક મીડિયાને પ્રભાવિત કરે છે. જાહેરખબરો બે પ્રકારની હોય છે : એક એ જે જાહેરખબર તરીકે બતાવવામાં કે છાપવામાં આવતી હોય અને બીજી ન્યુઝના પડીકામાં બાંધેલી જાહેરખબર જેને પેઇડ ન્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. જવાહરલાલ નેહરુથી લઈને પી. વી. નરસિંહ રાવ સુધી પહેલા યુગનું પ્રિન્ટ મીડિયાનું પત્રકારત્વ હતું. મીડિયા સાથે કામ પાડવાની દરેક વડા પ્રધાનની પોતાની શૈલી હોય છે. એ યુગના વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુ મીડિયા સાથેના વહેવારમાં સૌથી વધુ કમ્ફર્ટેબલ હતા. તેઓ પોતાના ચાર્મિંગ વ્યક્તિત્વ દ્વારા લોકોને અને પત્રકારોને આંજી દેતા હતા. ઇન્દિરા ગાંધીની મીડિયા સાથે લવ-હેટ રિલેશનશિપ હતી. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે અખબારો તેમની ઉપેક્ષા નહોતાં કરી શકતાં અને તેમની રાજકીય શૈલી એવી હતી કે અખબારોએ ટીકા કરવી પડતી હતી. સ્વતંત્ર ભારતમાં સેન્સરશિપ લાદીને અખબારોનું ગળું ઘોંટવા સુધી તેઓ ગયા હતા. મોરારજી દેસાઈ પણ સ્વતંત્ર અખબારો માટે અણગમો ધરાવતા હતા. તેઓ જ્યારે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ દારૂબંધીનો વિરોધ કર્યો હતો એટલે તેમણે એને મળતી સરકારી જાહેરખબરો બંધ કરાવી હતી. રાજીવ ગાંધી સાથે મીડિયા પ્રારંભનાં વર્ષોમાં જરૂર કરતાં વધુ મહેરબાન હતું અને એ પછી જરૂર કરતાં વધારે પાછળ પડી ગયું હતું. પી. વી. નરસિંહ રાવને પત્રકારો માટે અણગમો હતો અને તેઓ એની બને ત્યાં સુધી ઉપેક્ષા કરતા હતા.

અટલ બિહારી વાજપેયીના શાસનનાં છેલ્લાં બે વર્ષ દરમ્યાન પ્રકાશ ન. શાહની ભાષામાં કહીએ તો ચૅનલ ચોવીસીનું આગમન થયું હતું. વાજપેયીનો યુગ ભારતીય પત્રકારત્વનો સંક્રાન્તિ યુગ હતો. વાજપેયીની સ્વસ્થતા અને ભાષાકીય ચતુરાઈ સામે પત્રકારો લાચાર થઈ જતા હતા. તેઓ સિફતપૂવર્‍ક બહાર નીકળી જવાનો રસ્તો કરી લેતા હતા. નવા યુગના પત્રકારત્વનો ખરેખરો સામનો ડૉ. મનમોહન સિંહને કરવો પડ્યો હતો અને હવે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ડૉ. મનમોહન સિંહ મીડિયાથી દૂર ભાગતા હતા અથવા એને નજીક આવવા નહોતા દેતા. તેઓ સમજી જ નહોતા શક્યા કે ચોવીસ કલાકના અકરાંતિયા મીડિયા સાથે કામ કઈ રીતે લેવું. એક રીતે ડૉ. મનમોહન સિંહ ચૅનલ ચોવીસીનો પહેલો શિકાર હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ મીડિયાથી દૂર ભાગે છે. મીડિયાને તો નરેન્દ્ર મોદી પણ દૂર રાખે છે, પરંતુ તેમણે ડૉ. મનમોહન સિંહ કરતાં નિરાળો માર્ગ અપનાવ્યો છે. તેઓ સ્વચ્છતા અભિયાન કે બાળકો સાથે વાર્તાલાપ જેવા કોઈ ને કોઈ ખેલ પાડતા રહે છે જેમાં મીડિયાએ ઉપસ્થિત રહેવું પડે છે, પણ એમને પ્રશ્ન પૂછવાની તક આપતા નથી. તેઓ મીડિયાને આકર્ષે છે, પણ નજીક નથી આવવા દેતા. નરેન્દ્ર મોદી વિદેશપ્રવાસમાં પત્રકારોને સાથે નથી લઈ જતા કે નથી તેમને મુલાકાત આપતા. મીડિયાથી ભાગવાનું પણ નહીં અને એની નજીક પણ જવું નહીં એવો આબાદ રસ્તો તેમણે શોધી કાઢ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK