નાલાસોપારામાં વીજળીના ધાંધિયાથી ત્રાસેલા લોકોએ આગ ચાંપી

Published: 13th October, 2011 20:10 IST

તેલંગણ-આંદોલનને કારણે કોલસાનો પુરવઠો અનિયમિત મળતો હોવાનું કારણ આપી રાજ્યભરમાં લોડશેડિંગની શરૂઆત થઈ છે. આમ તો ૫થી ૬ કલાક જ લોડશેડિંગ થતું હોવાનું કહેવાય છે, પરંતુ નાલાસોપારામાં તો માંડ આટલા કલાક જ વીજપુરવઠો મળતો હોવાનું અહીંના નાગરિકોનું કહેવું છે.

 

અઠવાડિયા અગાઉ પરિવર્તન સંઘર્ષ કૃતિ સમિતિએ વીજકંપનીને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો આઠ દિવસમાં સુધારો નહીં થાય તો એને તાળાં મારવામાં આવશે.

આમ તો રોજ સવાર-સાંજ મળીને પાંચ કલાક પણ વીજપુરવઠો આપવામાં નથી આવતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગમે ત્યારે વીજ ગૂલ થવા લાગી છે. આ બાબતે એમએસઈબી (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટિÿસિટી ર્બોડ)ની ઑફિસમાં ફોન કરીએ તો જવાબ મળે નહીં કાં રિસીવર બાજુમાં મૂકી દીધું હોય. લોકો વીજકંપનીના આવા વ્યવહારથી ત્રાસી ઊઠ્યા છે. આટલું ઓછું હોય એમ અહીં એક મહિનાનું બિલ બાકી હોય તો કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના કંપનીના માણસો દ્વારા લાઇન કાપી નાખવાનું અભિયાન શરૂ થઈ જાય છે. લાઇટનું બિલ પણ કલ્પના બહારનું આવતું હોવાનું અહીંના રહેવાસીઓનું કહેવું છે.

નાલાસોપારામાં રહેતા પરીશ પારેખ કહે છે, ‘માન્યું તેલંગણને કારણે કોલસાનો પુરવઠો ન આવતો હોય, પણ એમએસઈબી દ્વારા આવા કટોકટીના સમયે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. ગમે થતા લોડશેડિંગને કારણે પાણીના પણ ધાંધિયા થાય છે. જ્યારે નગરપાલિકાનું પાણી આવે ત્યારે લાઇટ ન હોય એટલે ઉપરની ટાંકી ભરાય નહીં એટલે છતે પાણીએ અમારે પાણીની તંગી ભોગવવી પડે છે. ઉપરાંત ઘરમાં વૉટર-પ્યૉરિફાયર ચાલે નહીં એટલે પીવાના પાણી માટે ખર્ચ કરવો પડે.’

 

 

ઑક્ટોબર-હીટથી પરેશાન લોકો પાવર-કટથી હેરાન તો હતા જ, એમાં છેલ્લા થોડા દિવસથી દિવસના લગભગ દસેક કલાક લાઇટ ગૂલ થઈ જવાને કારણે રહેવાસીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વસઈ તાલુકાના બાપોલા નાકા, માણિકપુર, સમેળપાડા, નિલેગાંવ, આચોલે, સોપારા અને વિરારમાં પરેશાન નગરવાસીઓ રસ્તા પર આવી ગયા હતા તો નાલાસોપારા તથા વિરારના લોકોએ વીજકંપનીની ઑફિસ પર હલ્લો બોલાવ્યો અને તોડફોડ કરવાની સાથે આગ પણ લગાડી હતી. જોકે પોલીસે સમયસર પગલાં લઈ લોકોને વિખેરી નાખ્યા હતા.

વીજ-આંદોલનમાં હવે અણ્ણા હઝારેના સમર્થકો પણ જોડાયા છે અને ગુરુવારે સવારે નાલાસોપારા-ઈસ્ટમાં સ્ટેશન પાસે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK