Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાગાલૅન્ડઃ સ્વિટ્ઝરલૅન્ડ ઑફ ધ ઈસ્ટ

નાગાલૅન્ડઃ સ્વિટ્ઝરલૅન્ડ ઑફ ધ ઈસ્ટ

06 January, 2019 11:02 AM IST |
Darshini Vashi

નાગાલૅન્ડઃ સ્વિટ્ઝરલૅન્ડ ઑફ ધ ઈસ્ટ

નાગા હેરિટેજ વિલેજઃ કોહિમામાં આવેલું છે, જેને કિસમા ગામ પણ કહેવાય છે.

નાગા હેરિટેજ વિલેજઃ કોહિમામાં આવેલું છે, જેને કિસમા ગામ પણ કહેવાય છે.


ટ્રાવેલ-ગાઇડ

‘ફૉલ્કન કૅપિટલ ઑફ વર્લ્ડ’, ‘સ્વિટ્ઝરલૅન્ડ ઑફ ધ ઈસ્ટ’, ‘લૅન્ડ ઑફ ફેસ્ટિવલ’ જેવાં અનેક ઉપનામ ધરાવનારું સ્થળ કેટલું સુંદર હશે એવો વિચાર સ્વાભાવિકપણે આવી જ જાય છે. પરંતુ જો એમ જાણવા મળે કે આ સ્થળ જમ્મુ-કાશ્મીર કે પછી કેરળ બાજુનું નથી, પરંતુ ઉત્તર-પૂર્વીય ભારતમાં સૌથી છેવટે આવેલું છે તો? સામાન્ય રીતે દેશના ઉત્તર-પૂર્વીય ખૂણે આવેલા અને સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં રાજ્યો એમની અનેક ખૂબી અને ખૂબસૂરતીને લીધે અન્ય રાજ્યોથી વિખૂટાં પડે જ છે, પરંતુ ભારત અને મ્યાનમારની બૉર્ડર પર આવેલું નાગાલૅન્ડ રાજ્યે એની નોખી અને પરંપરાગત સંસ્કૃતિ, તહેવારો, ઐતિહાસિક સ્થળો, મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય અને ટૂરિસ્ટો પ્રત્યેના આતિથ્યભાવને લીધે પર્યટકોના હૃદયમાં એક સ્થાન બનાવ્યું છે. આજે આપણે ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાંના એક રાજ્ય એવા નાગાલૅન્ડની તરફ ઉડાન ભરવાના છીએ. તો ચાલો, એ પહેલાં નાગલૅન્ડ વિશે થોડુંઘણું જાણી લઈએ.



nagaland


ઉત્તર-પૂર્વ ભારતનાં સૌથી સુંદર રાજ્યોમાંનું એક રાજ્ય એટલે નાગાલૅન્ડ. એક તરફ આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશની સીમા તો બીજી તરફ મ્યાનમારની સાથે જોડાયેલી બૉર્ડરની વચ્ચે વસેલા નાગાલૅન્ડની રાજધાની કોહિમા છે, જ્યારે સૌથી મોટું શહેર દિમાપુર છે. નાગાલૅન્ડની સ્થાપના ૧૯૬૩ની સાલમાં કરવામાં આવી હતી. એ પૂર્વે નાગાલૅન્ડ આસામનો જ એક ભાગ હતો. વર્તમાનમાં નાગાલૅન્ડમાં આદિવાસીની ૧૬ મુખ્ય જાતિના લોકો રહે છે. દરેક જાતિના આદિવાસીઓના રીતરિવાજો, પરંપરા, રહેણીકરણી અને વેશભૂષા અલગ-અલગ છે. તેમ છતાં તેમને પોતાના કલ્ચર પ્રત્યે ખૂબ જ માન છે તેમ જ પોતાની સંસ્કૃતિને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. નાગાલૅન્ડની ઑફિશ્યલ ભાષા અંગ્રેજી છે તેમ જ મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્રોત એગ્રિકલ્ચર છે. આ સિવાય ટૂરિઝમ પણ તેમની આવકનો મહત્વનો સ્રોત ગણાય છે. કુદરતી સૌંદર્ય પણ નાગાલૅન્ડને ભરપૂર મળ્યું છે એવું કહીએ તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. રાજ્યની ફરતે સુંદર પવર્‍તીય વિસ્તાર છે જેના પર સરસ મજાનાં ફૂલો અને વિવિધ વનસ્પતિ ઊગી નીકળ્યાં છે. આ સિવાય ઊંડી વૅલીઓ પણ છે. ચોમાસા દરમ્યાન આ વૅલીમાંથી નીચે ઊતરતું પાણી લોનાવલા-ખંડાલાની યાદ અપાવી જશે. અહીંના લોકોને પક્ષીઓ પ્રત્યે વિશેષ લગાવ છે. એમાં ખાસ કરીને હૉર્નબિલ પક્ષીને તેઓ પૂજનીય ગણે છે, જેની યાદમાં દર વર્ષે ફેસ્ટિવલ પણ ઊજવાય છે જેને જોવા દેશ-વિદેશના લોકો ઊમટી પડે છે. ફેસ્ટિવલ ઉપરાંત કોહિમા, ત્યોફેમા ગામ, મોકોક્ચુંગ વગેરે સ્થળો ખરેખર સુપર્બ છે. નૅચર્સ લવર માટે જાપ્ફુ પીક, ડીઝુકુ વૅલી, શિલોઈ લેક છે. તો હેરિટેજપ્રેમીઓ માટે અહીં આવેલાં હેરિટેજ, પરંતુ યુનિક ગામડાં અલગ જ દુનિયામાં લઈ જશે. મ્યુઝિક અને ફેસ્ટિવલના દીવાના માટે પણ અહીં ભરપૂર ખજાનો છે. તો આર્ટના શોખીનોની ભૂખ પણ અહીં પૂરી થાય એમ છે. તો આવા મલ્ટિ-ટૅલન્ટેડ સ્ટેટની મુલાકાત લેવી જ રહી.

mountain biking


છેલ્લા કેટલાક સમયથી અહીં માઉન્ટેન બાઈકિંગનો ક્રેઝ વધી રહ્યો છે

કોહિમા

કોહિમા નાગાલૅન્ડની રાજધાની તો છે, પરંતુ સાથે એ સૌંદર્યની બાબતમાં પણ નાગાલૅન્ડની રાજધાની ગણાઈ છે. આમ તો કોહિમા એક આદિવાસી વિસ્તાર છે, પરંતુ અહીંના આદિવાસીઓના રંગબેરંગી અને ડિઝાઇનવાળા પરિધાન વિશ્વભરમાં ફેમસ છે, જેમાં સૌથી વધુ આકર્ષક તેમની ટોપી પર લગાવવામાં આવતું હૉર્નબિલ પક્ષીનું પીંછું. આટલું ઓછું હોય એમ શહેરમાં આવેલા, પરંતુ ટૂરિસ્ટોમાં ઓછાં જાણીતાં એવાં સુંદર અને ઐતિહાસિક સ્થળો અહીંની ગરિમામાં વધારો કરે છે. અહીં નજીકમાં જોવા જેવાં સ્થળોમાં રાજ્ય સંગ્રહાલય, એમ્પોરિયમ, નાગા હેરિટેજ કૉમ્પ્લેક્સ, કોહિમા ગામ, જાપ્ફુ ચોટી, ખોનોમા ગામ, ત્યોફેમા ટૂરિસ્ટ ગામ વગેરેનો સમાવેશ થાય છે. કોહિમાનું ઓરિજિનલ નામ કેવહિમા હતું, જે અહીં થતાં કેવહી ફૂલો પરથી પડ્યું હતું. પરંતુ આપણી બની બેસેલી ફોઈબા અંગ્રેજોને આ નામનું પણ ઉચ્ચારણ કરતાં ફાવ્યું નહીં અને તેમણે આ સ્થળનું નામ કોહિમા પાડી દીધું હતું. આજની તારીખમાં પણ કેવહીનાં સુંદર ખીલેલાં ફૂલો અહીંની આજુબાજુની પહાડીઓ પર પથરાયેલાં જોવા મળે છે. અહીંની સુંદરતાની માંડીને વાત કરીએ તો ભૂતકાળમાં કોહિમાની ફરતે સાત દ્વાર અને સાત સરોવર હતાં, પરંતુ એમાંથી આજે એક જ દ્વાર અહીં જોઈ શકાય છે જેને ભેંસનાં શિંગડાં અને વિભિન્ન પથ્થરોથી સજાવવામાં આવેલું છે. નાગાલૅન્ડની સૌથી મુખ્ય જાતિ અંગામી જનજાતિનાં બીજ પણ અહીં રોપાયાં હતાં. કોહિમા ઇતિહાસમાં ઘટેલી એક મહત્વની ઘટનાનું પણ સાક્ષી છે. અને એ છે બીજું વિશ્વયુદ્ધ. અહીંની ભૂમિ પર જૅપનીઝ સેનાએ મિત્રરાજ્યોની સાથે મળીને એના દુશ્મન દેશની સામે યુદ્ધ કર્યું હતું. આ કારણે કોહિમાની ધરતી પર અનેક સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા હતા, જેની યાદીમાં આ સ્થળે યુદ્ધ સ્મારક બનાવવામાં આવેલું છે જે ટૂરિસ્ટોનું મુખ્ય આકર્ષણ બન્યું છે. આ સિવાય અહીં આવેલું ચર્ચ પણ ઘણું ફેમસ છે. આ ચર્ચ ૨૫,૦૦૦ વર્ગફીટના વિસ્તારમાં પથરાયેલું છે. સાથે એમાં બેઠક ક્ષમતા ૩૦૦૦ લોકોની છે, જેના પરથી અંદાજ મૂકી શકાય છે કે આ ચર્ચ કેટલું જાયન્ટ હશે. ચર્ચનો એક્સટર્નલ લુક પણ આગવો હોવાથી એ અન્ય ચર્ચ કરતાં અલગ તરી આવે છે. કોહિમાથી ૪૦ કિલોમીટર દૂર આગળ જઈએ ત્યાં દજુકોઉ ઘાટી આવે છે, જે એની અપાર સુંદરતાની સાથે અહીં ઊગતાં ફૂલોને લીધે વધુ રમણીય લાગે છે. આ સ્થળની નજીકમાં જપ્ફુ ચોટી આવેલું છે, જે જંગલ વિસ્તાર છે. અહીં વધુ સંખ્યામાં જંગલો આવેલાં છે જેમાંના એક જંગલમાં સૌથી ઊંચું વૃક્ષ પણ આવેલું છે જેની ઊંચાઈને લીધે એને ગિનેસ બુકમાં પણ સ્થાન મળેલું છે. ટૂરિસ્ટો અને સ્થાનિક લોકોની આગામી પેઢી નાગાલૅન્ડના ઇતિહાસથી પરિચિત થાય એ માટે અહીં સંગ્રહાલય પણ ખોલવામાં આવેલું છે જેમાં નાગાલૅન્ડની સંસ્કૃતિ અને ઇતિહાસની સાથે જોડાયેલી અનેક વસ્તુઓને મૂકવામાં આવેલી છે. બયાવી પહાડ પર બનાવવામાં આવેલા રાજ્યના આ સંગ્રહાલયમાં બહુમૂલ્ય કહી શકાય એવાં રત્નો, હાથીદાંત અને ભેંસનાં શિંગડાંમાંથી બનાવવામાં આવેલા વાદ્યતંત્ર અને અન્ય વસ્તુઓ મૂકવામાં આવેલી છે. અહીં આવેલા ખોનોમા ગામને ‘ગ્રીન વિલેજ ઑફ ઇન્ડિયા’નું બિરુદ પણ મળેલું છે. વિવિધ પક્ષીઓ જોવાં હોય તો અહીં આવવા જેવું છે.

hornbill bird

અહીં પૂજાય છે હોર્નબિલ પક્ષી

દીમાપુર

નાગાલૅન્ડનું સૌથી મોટું અને ઝડપથી વૃદ્ધિ પામી રહેલું શહેર એટલે દીમાપુર. નાગાલૅન્ડની રાજધાની હોવાની સાથે અહીં એકમાત્ર ઍરર્પોટ આવેલું હોવાથી અહીં ટૂરિસ્ટોનો સ્ટે વધુ રહે છે. આમ તો અહીં આજુબાજુ વધુ અટ્રૅક્શન નથી. ટ્રિપલ ફૉલ્સ, સાયન્સ સેન્ટર, ઝૂઓલૉજિકલ પાર્ક, કચારી રુઇન જેવા ગણ્યા ગાંઠ્યા સ્પૉટ છે; જેમાં ટ્રિપલ ફૉલ્સ અને કચારી રુઇનની મુલાકાત લઈ શકાય છે. ટ્રિપલ ફૉલ્સ એના નામના અર્થ મુજબ ત્રણ ધારમાં વહે છે. બે સામેની બાજુ તો એક બીજી બાજુ. આમ તો આ સાધારણ ધોધ જેવો જ છે, પરંતુ ૨૮૦ ફીટની ઊંચાઈએથી લાલ ખડકોથી પડતા ધોધનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે. આ ફૉલ્સની જાળવણી અહીંની સ્થાનિક સરકાર દ્વારા કરવામાં આવે છે. ટ્રેકિંગ કરવાવાળા માટે આ સ્થળ માનીતું છે. એવી જ રીતે કચારી રુઇન પણ અહીં સ્થિત એક જ પથ્થરમાંથી બનેલા સ્તંભના લીધે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે વિશાળ અને નકશીકામ કરેલા સ્તંભો ભૂતકાળના સમયનાં કોઈ મંદિરોના હોઈ શકે છે. પશ્ચિમ બાજુ જંગલો અને હિલ્સથી કવર થયેલી છે, જેથી અહીં ફરવા માટે એક દિવસ પૂરતો રહે છે.

ત્યોફેમા ટૂરિસ્ટ ગામ અને નાગા હેરિટેજ વિલેજ

કોહિમાથી ૪૧ કિલોમીટરના અંતરે ટેકરી પર ત્યોફેમા ગામ આવેલું છે જ્યાંથી આસપાસ આવેલી વૅલીનો નયનરમ્ય નજારો જોવા મળે છે. અહીં આવેલું ગામ નાગા આદિવાસીઓની મૂળ લાઇફ-સ્ટાઇલ અને પરંપરાથી ફૅમિલિયર કરાવે છે. અહીંનો રાઇસ બિઅર ઘણો પ્રખ્યાત છે. અહીં એક મ્યુઝિયમ પણ છે જેની અંદર લોકલ કલાકારીની વસ્તુઓ મૂકવામાં આવી છે જેને જોવાની મજા પડી જશે. અહીંનું સૌથી મુખ્ય આકર્ષણ છે અહીંનાં ઘરો, જે લાકડાં અને ઘાસનાં બનેલાં છે અને જેની બહાર શિકારનાં સાધનો અને પ્રાણીઓની આકૃતિ મૂકેલી છે. નાગાલૅન્ડની હેરિટેજ દુનિયાની નજીક જવું હોય તેમ જ તેમના કલ્ચર વિશે માહિતી ભેગી કરવી હોય તો અહીંના નાગા હેરિટેજ વિલેજમાં એક લટાર મારવા જેવી છે. આ વિલેજને કિસામા વિલેજ પણ કહેવામાં આવે છે. આ સિવાય અહીંનાં ઘરોનું બાંધકામ જે ઘાસથી કરવામાં આવેલું છે એ ખરેખર ખૂબ જ મનોહર છે.

કલ્ચરલ કૅપિટલ ઑફ નાગાલૅન્ડ એટલે મોકોક્ચુંગ

મોકોક્ચુંગ નાગાલૅન્ડનું હિલ-સ્ટેશન છે અને સાથે અહીંનું પૉપ્યુલર ડેસ્ટિનેશન પણ છે. તેમ જ એને કલ્ચરલ કૅપિટલ તરીકે પણ કહેવાય છે. અન્ય હિલ-સ્ટેશનની જેમ અહીંની હવા પણ પ્રદૂષણમુક્ત તો છે જ, પરંતુ હિલ-સ્ટેશન સમા નાગાલૅન્ડમાં આવેલું હિલ-સ્ટેશન કેટલું સુંદર હશે એની તો કલ્પના જ કરવી રહી. બ્લુ માઉન્ટન અને એના પર હરિયાળીની ચાદર ઓઢી હોય એવી જમીન. કેવું રંગીન ચિત્ર સર્જા‍તું હશે નહીં? આ હિલ-સ્ટેશન નાગા આદિવાસીઓનું હોમટાઉન છે જે નાગાલૅન્ડના મૂળ આદિવાસી તરીકે ઓળખાય છે. હિલ-સ્ટેશન પરથી જોવા મળતો નજારો હૃદયના ધબકારાને થંભાવી દેનારો છે. ડિસેમ્બરના મહિનામાં થતા હૉર્નબિલ ફેસ્ટિવલ અને ત્યાર બાદ ક્રિસમસને લીધે સમગ્ર નાગાલૅન્ડ લાઇટિંગ અને સજાવટથી સજ્જ હોય છે એવા સમયે અહીંથી નીચે આવેલાં શહેરોનો નજારો મંત્રમુગ્ધ કરનારો બની જાય છે. આસપાસ જોવાલાયક સ્થળોમાં બૅપ્ટિસ્ટ ચર્ચ, ટાઉન પાર્ક, દિખુ રિવર, લોનગખુમ વિલેજ અને મોકોક્ચુંગ મ્યુઝિયમ છે.

મોન

કોણ્યક નાગા આદિવાસીઓનું ઘર એટલે મોન. અહીંના મોટા ભાગના લોકોનું મોઢું ટૅટૂથી ભરેલું હોય છે તેમ જ દાંત કાળા હોય છે અને શિકાર શોખ અને ધર્મ છે. અહીં આવેલું લોન્ગવા ગામ મોનનું સૌથી મોટું ગામ છે, જેની રસપ્રદ વાત એ છે કે અહીંના લોકોનાં ઘરો અડધાં મોનમાં છે તો અડધાં મ્યાનમારમાં આવે છે. અહીં આવેલાં ગામડાંમાં હજીયે રાજાની પ્રથા ચાલે છે, જેમને ૬૦ વાઇફ છે.

hornbill festival

નાગાલેન્ડનો મુખ્ય તહેવાર છે હોર્નબિલ ફેસ્ટિવલ

હૉર્નબિલ ફેસ્ટિવલ

હૉર્નબિલ ફેસ્ટિવલ અહીંનું મુખ્ય આકર્ષણ છે. ૨૦૦૨ની સાલમાં ટૂરિઝમને વેગ આપવા માટે સરકારે આ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઊજવાતો આ ફેસ્ટિવલ અહીંની પરંપરા, રિવાજો, સંસ્કૃતિ અને પહેરવેશને નજીકથી જોવાનો બેસ્ટ ચાન્સ આપે છે. હૉર્નબિલ અહીંનું રાષ્ટ્રીય પક્ષી તો છે સાથે એ અહીં પૂજનીય પણ ગણાય છે. એના નામ પરથી આ ફેસ્ટિવલ ઊજવાય છે. નાગાલૅન્ડની રાજધાની કોહિમાથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલા નાગા હેરિટેજ ગામમાં આ કાર્યક્રમ થાય છે. લગભગ દસ દિવસ સુધી ચાલતા આ ઉત્સવને જોવા માટે ટિકિટ લેવી પડે છે. વિદેશીઓ પણ ખાસ આ ફેસ્ટિવલને માણવા માટે આ સમયગાળા દરમ્યાન અહીંની મુલાકાતે આવે છે. આ ઉત્સવમાં લોકગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્થાનિક પહેરવેશ, વિવિધ કળા, સ્પર્ધા, સ્થાનિક વાનગીઓની હરીફાઈ વગેરે કાર્યક્રમો થાય છે જેમાં અનેક લોકો સહભાગી થાય છે. અહીંની સરકારે આ ફેસ્ટિવલને ‘ફેસ્ટિવલ ઑફ ફેસ્ટિવલ’ એવું બિરુદ પણ આપ્યું છે. આ સિવાય અહીં થતો ‘ઓલિંગ ફેસ્ટિવલ’ પણ ઘણો જ પ્રખ્યાત છે. નવા વર્ષને વધામણી આપવાના ભાગરૂપે આ તહેવાર ઊજવવામાં આવે છે. આ તહેવારની ખાસ કરીને કોણ્યક સમુદાયના લોકો ઉજવણી કરે છે.

જાણી-અજાણી વાતો

  • નાગાલૅન્ડ દેશનાં ત્રણ રાજ્યોમાંનું એક રાજ્ય છે, જેના મહત્તમ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.
  • અહીંની ટ્રેડિશનલ શાલ ઘણી વખણાય છે. એનું કારણ છે આ શાલ હૅન્ડમેડ લૂમથી બનાવવામાં આવે છે, જેથી એની પૅટર્ન અન્યથી અલગ પડે છે.
  • કોહિમામાં આવેલા ગામને એશિયાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ પણ કહેવાય છે.
  • અહીંની મહત્તમ વસ્તી ખ્રિસ્તી સમુદાયની હોવાથી નાગાલૅન્ડમાં તમામ ખ્રિસ્તી તહેવારો ઊજવાય છે.
  • નાગાલૅન્ડ એક આદિવાસી રાજ્ય હોવા છતાં અહીં સાક્ષરતાનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ છે.
  • નાગાલૅન્ડમાં ૧૦૦ કરતાં વધુ આદિવાસીની જાતો છે જેમાંથી માત્ર ૧૬ જાતો જ પ્રસિદ્ધ છે.
  • મોટા ભાગના લોકોને વાંચીને નવાઈ લાગશે અને સાથે દુ:ખ પણ થશે કે અહીંના લોકો કંઈ પણ ખાઈ શકે છે. મતલબ કે જો તેમને ભૂખ લાગે તો તેઓ કોઈ પણ જંગલી કે પાલતુ પ્રાણીને કાપીને ખાતાં પૂર્વે વિચારતા પણ નથી!
  • એવું પણ વાંચવા મળ્યું છે આ આદિવાસી લોકો પ્રાણી અને પશુઓનું ભોજન કર્યા બાદ તેમનાં હાડકાંનો આભૂષણ અથવા સુશોભન માટે ઉપયોગ કરે છે. નાગાલૅન્ડ અને મ્યાનમારની વચ્ચે આવેલા સરામાતી પહાડને કારણે કુદરતી રીતે આ બન્નેની વચ્ચે બૉર્ડર બની જાય છે. આ સરામાતી પહાડની ઊંચાઈ સમુદ્ર સ્તરથી ૩૮૨૬ મીટરની છે.
  • દીમાપુર ખાતે આવેલું ઍરર્પોટ નાગાલૅન્ડનું એકમાત્ર ઍરર્પોટ છે જેનું બાંધકામ બીજા વિશ્વયુદ્ધ વખતે કરવામાં આવ્યું હતું. નાગાલૅન્ડનો નૉર્થ ભાગ હજી પણ શિકાર અને ખેતી તરફ વળેલો છે અને વિશ્વની સાથે પણ વધુ સંપર્ક રાખતો નથી. અહીં સુધી કોઈ આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ નથી.

ક્યારે અને કેવી રીતે જવું?

અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય ઑક્ટોબરથી મે સુધીનો છે. ચોમાસા દરમ્યાન અહીં વધુ વરસાદ નોંધતો હોવાથી લૅન્ડસ્લાઇડ અને રોડબ્લૉક થવાની ઘટના અવારનવાર બનતી રહે છે, જેને લીધે ચોમાસા દરમ્યાન અહીં આવવા જેવું નથી. ઊંચાઈ પર સ્થિત હોવાની સાથે અહીં હરિયાળી અધિક હોવાથી ઉનાળો અહીં આકરો લાગતો નથી. નાગાલૅન્ડમાં દીમાપુર ખાતે જ ઍરર્પોટ છે જ્યાં સુધીની ફ્લાઇટ લઈને અહીં પહોંચી શકાય છે. કલકત્તા અને આસામ સુધીની ફ્લાઇટથી પણ અહીં પહોંચી શકાય છે. આ સિવાય ગુવાહાટીથી ફાસ્ટ ટ્રેન પણ અવેલેબલ છે. આમ તો રેલવેનું નેટવર્‍ક અહીં ઘણું નાનું છે. આ સિવાય ટૅક્સી અને બસ-સર્વિસ તો ખરી જ.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2019 11:02 AM IST | | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK