સતત છ વર્ષ ગણિતમાં ફેલ થનારા યુવકે પોતાનો ગુસ્સો શિવલિંગ પર પગ મૂકીને કાઢ્યો

Published: 29th July, 2012 04:04 IST

ગણિતનો વિષય ભલભલા વિદ્યાર્થીઓને ડરાવી મૂકતો હોય છે અને અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ફેલ થઈ જતા હોય છે. માટુંગા લેબર કૅમ્પમાં રહેતો છોકરો પણ ગણિતના વિષયમાં સતત છ વાર ફેલ થતાં તેનો ભગવાન પરથી વિશ્વાસ ઊઠી જતાં તેણે શંકર ભગવાનના લિંગ પર પગ મૂકીને પોતાનો ફોટો કાઢીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો, પણ તેની આ ભૂલને પગલે તેને જેલમાં જવાની નોબત આવી હતી.

શાહૂનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર મેહેતરે કહ્યું હતું કે ‘માટુંગામાં લેબર કૅમ્પમાં રહેતો મુનિકુમાર તિરુપતિ ૨૦૦૬થી ટેન્થની પરીક્ષા આપી રહ્યો હતો, પણ સતત છ વર્ષથી તે ગણિતના વિષયમાં ફેલ થઈ રહ્યો હતો એને લીધે તે આગળનું ભણી નહોતો શકતો અને ભણતર નહીં હોવાને લીધે તેને નોકરી પણ નહોતી મળતી. ગણિતમાં પાસ થવા માટે તેણે અનેક ઉપવાસ કર્યા હતા, અનેક ભગવાનો પાસે હાથ જોડ્યા હતા, પણ સફળ નહોતો થતો. એને લીધે સતત ટેન્શનમાં રહેતો મુનિકુમાર પોતાના ભાઈ સાથે મે મહિનામાં મદ્રાસ ગયો હતો. ત્યાં એક દિવસ તે ગામમાં આવેલા એક મંદિરમાં ગયો હતો જ્યાં મંદિરના પ્રવેશદ્વાર પાસે જ શંકરનુ લિંગ હતું. ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હોવાને લીધે તેણે શંકરના પિંડ પર પગ મૂકીને ફોટો પાડીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. આ ફોટો પાડીને તેણે એને સોશ્યલ સાઇટ ફેસબુક પર નાખી દીધો હતો, સાથે જ જાણે મોટું પરાક્રમ કર્યું હોય એમ ફોટાની સાથે તેણે પોતાનો મોબાઇલ નંબર પણ એમાં નાખ્યો હતો. ફેસબુક પર તેના ફોટાને જોઈને ગુસ્સે ભરાયેલા લોકો તેને તેના મોબાઇલ નંબર પર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. ગભરાઈ ગયેલો મુનિકુમાર તરત મદ્રાસથી ટ્રેન પકડીને નવી મુંબઈ પહોંચી ગયો હતો. આ દરમ્યાન તેના પરાક્રમના ન્યુઝ મુંબઈમાં શાહૂનગર પોલીસ-સ્ટેશન સુધી પહોંચી ગયા હતા એટલે પોલીસે છટકું ગોઠવીને તેની તરત ધરપકડ કરી હતી. ૩૦ જુલાઈ સુધી તેને પોલીસ-કસ્ટડી મળી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK