Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિયંત્રણો દૂર કરો, નહીં તો આંદોલન એક જ માર્ગ

નિયંત્રણો દૂર કરો, નહીં તો આંદોલન એક જ માર્ગ

28 February, 2021 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિયંત્રણો દૂર કરો, નહીં તો આંદોલન એક જ માર્ગ

પ્રેસિડન્ટ યોગેશ ચંદારાણા, સેક્રેટરી સતીષ કામથ

પ્રેસિડન્ટ યોગેશ ચંદારાણા, સેક્રેટરી સતીષ કામથ


મુંબઈમાં મૅરેજ ફંક્શનો પર રાજ્ય સરકાર દ્વારા ગયા માર્ચ મહિનાથી કોરોનાને કારણે લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે મુંબઈનો રોજગાર મુંબઈની બહાર જઈ રહ્યો છે. મુંબઈનાં મૅરેજ હૉલો અને વાડીઓની આવક મુંબઈની બહાર જઈ રહી છે. જો હજીય દુર્લક્ષ સેવવામાં આવશે તો અમારે નાછૂટકે સદીઓથી આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ક્યારે પણ ન અપનાવેલા આંદોલનના માર્ગને અપનાવવો પડશે, એવી ચીમકી ગઈ કાલે વેડિંગ અને કેટરર્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીઓ તરફથી આપવામાં આવી હતી. 

અમારી ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર અને અમુક લોકોમાં બે ગેરસમજ ફેલાયેલી છે, એમ જણાવતાં બૉમ્બે કેટરર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ યોગેશ ચંદારાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી ગેરસમજ એ છે કે લગ્નપ્રસંગ એટલે બે પરિવાર વચ્ચેની ઉજવણીનો પ્રસંગ, પણ આ પ્રસંગોને કારણે મુંબઈમાં ૧૦ લાખ લોકોને રોજગાર મળે છે. જેમની પાસે નિયત નોકરી નથી અથવા તો જેમને અન્ય ઉદ્યોગોમાં કોઈ બીજી નોકરી મળતી નથી તેમને માટે આ ઉદ્યોગ દૈનિક ધોરણે વિશાળ રોજગાર ઊભો કરે છે. લગ્ન ફક્ત ઉજવણી જ નહીં, એ એક ઉદ્યોગ છે જે મહત્તમ રોજગાર અને વ્યવસાય પૂરો પાડે છે.’



વેડિંગ ઉદ્યોગ કેટરિંગ, ડેકોરેશન, ભોજન સમારંભ, ફળો અને શાકભાજી સપ્લાયર્સ, કિરાના શૉપ્સ, ડેરી ફાર્મ્સ, ફ્લોરિસ્ટ્સ, બ્યુટિશ્યન, ઇવેન્ટ મૅનેજર્સ, જ્વેલર્સ, બૅન્ડ્સ અને મ્યુઝિક પાર્ટી ઑર્ગેનાઇઝર્સ, ફોટોગ્રાફરો, આમંત્રણ કાર્ડ ઉત્પાદકો, કપડાં, સ્વીટ શૉપ્સ, ફાસ્ટ ખાદ્ય પુરવઠાકર્તાઓ, પરિવહન, કારસેવા પ્રદાતાઓ વગેરેને રોજગાર પૂરો પાડે છે.


આ સિવાય આજના કોરોનાકાળમાં સૌની બીજી એક ગેરસમજ એ છે કે એમ જણાવતાં બૉમ્બે કેટરર્સ અસોસિએશનના સેક્રેટરી સતીષ કામથે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્નને કારણે વાઇરસ ફેલાવાની એક મોટી ગેરસમજ છે, જે યોગ્ય નથી. આજકાલ રેસ્ટોરાં જેવા આ પ્રકારના ઉદ્યોગોને ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ છે. હોટેલોને ૧૦૦ ટકા ક્ષમતાથી સંચાલન કરવાની મંજૂરી છે. લગ્ન યોજનારા રિસૉર્ટ્સને પણ ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી છે અને પર્યટનને પણ ૧૦૦ ટકા ક્ષમતાએ ચલાવવાની મંજૂરી છે.’

આ બાબતના ઉદાહરણ આપતાં સતીષ કામથે કહ્યું હતું કે ‘એક રેસ્ટોરાંની અંદાજે ક્ષમતા ૨૦૦૦ સ્ક્વેર ફુટની છે. તેઓ એક સમયે ૨૦૦ બેઠકની ક્ષમતા ધરાવવા છતાં ૧૦૦ જેટલા ગ્રાહકને સેવા આપી શકે છે. કોવિડના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે આ રેસ્ટોરાંમાં બે ગ્રાહક વચ્ચેના અંતરમાં સૅનિટેશન કરતા હોય એવો કોઈ જ રેકૉર્ડ નથી. મૅરેજ હૉલમાં મહેમાનોની વિગત ખૂબ જ સરળતાથી જાળવવામાં આવે છે. એ તરફ જોતાં અન્ય ઉદ્યોગોની તુલનામાં મૅરેજ હૉલમાં કોરોના વાઇરસ ફેલાવાની સંભાવના ખરેખર ખૂબ ઓછી છે.


રાજ્ય સરકારે મુંબઈમાં લૉકડાઉન પછી ૯૦ ટકા ઇન્ડસ્ટ્રીઝને ફુલ ફ્લૅજમાં ઓપન કરવાની પરવાનગી આપી દીધી છે. અમે અમારા પર લાદવામાં આવેલાં નિયંત્રણોને હળવા કરવા માટે કે હટાવવા માટે અનેક રાજકીય નેતાઓ, સરકારી અને અર્ધસરકારી અધિકારીઓ સાથે મીટિંગ કરી છે. એમ જણાવતાં અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી દેવેન્દ્ર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર સાથેની અમારી મીટિંગોમાં અમને ફક્ત ઠાલાં આશ્વાસનો જ મળ્યાં છે. આ સંજોગોમાં અમારી પાસે એક જ વિકલ્પ રહ્યો છે કે અમે પણ અમારી માગણી સરકાર માને એના માટે કિસાનોની જેમ અને અન્ય ઉદ્યોગોની જેમ રોડ પર ઊતરીએ.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK