મુંબઈમાં થયો શિયાળાની આછી લહેરનો અનુભવ

Published: 5th January, 2021 10:39 IST | Gaurav Sarkar | Mumbai

ગઈ કાલે સવારે ઝરમર વરસાદ પડ્યો હતો: આજે અને આવતી કાલે તાપમાન ૧૬ ડિગ્રી સુધી પહોંચશે

તસવીર: સમીર માર્કન્ડે
તસવીર: સમીર માર્કન્ડે

મુંબઈમાં ૨૦૨૧ના વર્ષના પ્રારંભ સાથે વાતાવરણ ઠંડું, વાદળછાયું રહ્યું હતું અને છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યો હતો. આવા વાતાવરણને હવામાનશાસ્ત્રીઓ ‘મિની વિન્ટર’ કહે છે.

ભારતીય હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તથા ગોવામાં વાતાવરણ ઘટાટોપ રહ્યું હતું, જ્યારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં સોમવારે પરોઢિયે છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યો હતો.

વિભાગે જણાવ્યા પ્રમાણે ‘આઇએમડીના જીએફએસ ગાઇડન્સ અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી શહેરમાં તાપમાન નીચું જાય એવી સંભાવના છે, પણ એમાં બહુ મોટી વધઘટ નહીં હોય. શિયાળાની આછી ઝાંખી હશે!’

આઇએમડીના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસલીકરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘૪ જાન્યુઆરીની વહેલી સવારે મુંબઈમાં થોડો વરસાદ નોંધાયો હતો. આ વરસાદ અત્યંત હળવો ઝરમરિયો હતો. છાંટા દેખાયા જરૂર, પણ માપી ન શકાય એવા હતા. મુંબઈમાં રવિવારે રાતે અને સોમવારે સવારે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સાંતાક્રુઝ અને દહાણુનો સમાવેશ થાય છે. એના કારણે શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.’

તેમણે ઉમેર્યું હતું કે ‘મુંબઈમાં જાન્યુઆરીમાં વરસાદ એ સાવ અસાધારણ ઘટના નથી. પંજાબ તરફથી આવતી હવા અરબી સમુદ્રમાં પહોંચે છે, જેને કારણે હવામાં અસાધારણ ભેજ જોવા મળે છે.’

વાતાવરણમાં પ્રસરેલી ઠંડક વિશે તેમણે કહ્યું હતું કે ‘આગામી ૪૮ કલાક (મંગળવાર–બુધવાર)માં મહારાષ્ટ્રમાં તાપમાન સહેજ નીચું જાય એવી શક્યતા છે. મુંબઈનું તાપમાન ૧૬ ડિગ્રી, જ્યારે નાશિક અને પુણેનું ૧૪ ડિગ્રી થઈ શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK