Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈનું પહેલવહેલું થિયેટર કંપની સરકારે ફાળો ઉઘરાવીને બાંધેલું

મુંબઈનું પહેલવહેલું થિયેટર કંપની સરકારે ફાળો ઉઘરાવીને બાંધેલું

29 August, 2020 07:48 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈનું પહેલવહેલું થિયેટર કંપની સરકારે ફાળો ઉઘરાવીને બાંધેલું

બૉમ્બે થિયેટર

બૉમ્બે થિયેટર


‘મેં જ્યારે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાંનાં જાહેર મકાનો મોટે ભાગે ઉપયોગી વધુ અને સુંદર ઓછાં હતાં. આવાં મકાનોમાં ગવર્નર્સ હાઉસ, કસ્ટમ્સ હાઉસ, મરીન લાઇન્સ, લશ્કરની બૅરેક, મિન્ટ, ટ્રેઝરી, થિયેટર અને જેલને ગણાવી શકાય.’ આ શબ્દો છે જૉન ફાર્બસના. ચાર ભાગમાં છપાયેલા પુસ્તક ‘ઓરિયેન્ટલ મેમરીઝ’માં તેમણે હિન્દુસ્તાનમાંના પોતાના વસવાટનાં સ્મરણો લખ્યાં છે. તેઓ અચ્છા ચિત્રકાર પણ હતા એટલે આ પુસ્તકમાં તેમણે પોતે દોરેલાં પુષ્કળ ચિત્રો મૂક્યાં છે. તેમનો જન્મ ૧૭૪૯ના મે મહિનાની ૧૯મી તારીખે, લંડનમાં. અવસાન ૧૮૧૯માં જર્મનીમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકર તરીકે ૧૭૬૫માં હિન્દુસ્તાન આવ્યા અને ૧૭૮૪ સુધી અહીં રહ્યા. તેમના પુસ્તકની હસ્તપ્રત બાવન હજાર પાનાંની છે. ૧૭૮૧માં તેમણે તાજમહાલની મુલાકાત લીધી તે પહેલાં ભાગ્યે જ બીજા કોઈ અંગ્રેજ અધિકારીએ તેની મુલાકાત લીધેલી. એ જમાનામાં મુંબઈમાં થિયેટર હતું એવો આ પહેલવહેલો ઉલ્લેખ છે. એટલે ૧૭૭૬ના અરસામાં મુંબઈમાં કંઈ નહીં તો એક થિયેટર તો હતું જ. તેમની વાતને સમર્થન મળે છે વિલિયમ મિલબર્નના પુસ્તક ‘ઓરિયેન્ટલ કૉમર્સ ઓર ધ ઈસ્ટ ઇન્ડિયા ટ્રેડર્સ કમ્પ્લીટ ગાઇડ’ નામના પુસ્તકમાંથી. આ પુસ્તક ૧૮૨૫માં પ્રગટ થયું હતું. તેઓ લખે છે : ‘શહેરના મધ્ય ભાગમાં મોટી ખુલ્લી જગ્યા છે જે ‘ગ્રીન’ તરીકે ઓળખાય છે. ચોમાસાના દિવસોને બાદ કરતાં અહીં ઢગલાબંધ રૂની ગાંસડીઓ પડી રહેતી, કોઈ પણ રખેવાળો વગર. પણ ગયે વર્ષે અહીં મોટી આગ લાગી એટલે હવે અપોલો પિયર નજીક એક જગ્યાએ આ ગાંસડીઓ રાખવામાં આવે છે. અહીં ગોદામો બાંધીને એમાં રૂની ગાંસડીઓ રાખવામાં આવશે. ગ્રીનની આસપાસ ઘણાં સુંદર, મજબૂત રીતે બંધાયેલાં મકાનો આવેલાં છે. ગવર્નમેન્ટ હાઉસ અને ચર્ચ ખૂબ જ વિશાળ, હવાદાર, સુંદર મકાનો છે અને એકમેકની નજીક અને ચર્ચગેટની ડાબી બાજુએ આવેલાં છે. જમણી બાજુ મોટી બજાર છે જેમાં હમેશાં ગિરદી રહે છે. મોટા ભાગના ‘દેશી’ વેપારીઓ રહે છે પણ આ જ વિસ્તારમાં. એ બજારના રસ્તાની શરૂઆત થાય છે ત્યાં થિયેટરનું દેખાવડું મકાન આવેલું છે.’
આ પુસ્તક ૧૮૧૩માં પ્રગટ થયું હતું.
પણ આ થિયેટર બંધાયેલું ક્યારે? ચોક્કસ સાલ તો મળતી નથી, પણ ૧૭૭૫માં એ હયાત નહોતું, કારણ કે એ વર્ષે અબ્રહામ પાર્સન્સે બીજા દેશો ઉપરાંત મુંબઈની મુલાકાત લીધી હતી અને એ વિશેનું પુસ્તક ‘ટ્રાવેલ્સ ઇન એશિયા ઍન્ડ આફ્રિકા’ ૧૮૦૮માં પ્રગટ કર્યું હતું. એમાં તેમણે ‘ગ્રીન્સ’નો અને એની આસપાસનાં કેટલાંક મકાનોનો ઉલ્લેખ કર્યો છે, પણ થિયેટરનો ઉલ્લેખ કર્યો નથી. આ થિયેટર ‘બૉમ્બે થિયેટર’ તરીકે ઓળખાતું એવા ઉલ્લેખ પણ મળે છે. એની બાંધણી લંડનના પ્રખ્યાત રૉયલ થિયેટરને મળતી આવતી હતી. લંડનનું આ થિયેટર ડ્રરી લેન થિયેટર તરીકે વધુ જાણીતું થયું. લંડનનું આ થિયેટર ચાર વખત બંધાયું. પહેલી વાર ૧૬૬૩માં બ્રિજિસ સ્ટ્રીટ પર. બીજી વાર ૧૬૭૪માં ડ્રરી લેન પર. ૧૭૯૪માં એ જ જગ્યાએ ત્રીજું થિયેટર બંધાયું અને ૧૮૧૨માં બંધાયેલું ચોથું થિયેટર આજે પણ ઊભું છે. અલબત્ત, ૧૯૨૨ અને ૨૦૧૩માં એનું રેનોવેશન કરવામાં આવ્યું છે. પણ મહત્ત્વની વાત એ કે ૧૬૭૪થી આજ સુધી એ થિયેટર સચવાયું છે. જ્યારે આપણા બૉમ્બે થિયેટરનો તો એકાદ પથરો પણ જડે એમ નથી. એ ચોક્કસ કઈ જગ્યાએ આવેલું એ કહેવું પણ મુશ્કેલ છે, પણ આજે જ્યાં દેના બૅન્કનું મકાન આવ્યું છે એ જગ્યાએ આ થિયેટર બંધાયું હોય એવો સંભવ એના ઉલ્લેખો જોતાં લાગે છે. જોકે આજે તો હવે દેના બૅન્કનું પણ અલગ અસ્તિત્વ રહ્યું નથી, બીજી બે બૅન્કો સાથે સરકારે એને ભેળવી દીધી છે.
અલબત્ત, બૉમ્બે થિયેટર બંધાયા પછી ૧૮૧૭માં એને કામચલાઉ રીતે બંધ કરીને સમુંનમું કરવામાં આવ્યું અને ૧૮૧૯ના જાન્યુઆરીની પહેલી તારીખથી એ ફરી શરૂ થયું. આટલા ટૂંકા ગાળામાં માત્ર સમારકામ થયું હશે, કોઈ મોટા ફેરફારો થયા નહીં હોય એમ માની શકાય. ‘બૉમ્બે ગૅઝેટ’ સાપ્તાહિકના ૬ જાન્યુઆરી, ૧૮૧૯ના અંકમાં લખ્યું છે કે પહેલી જાન્યુઆરીએ થૉમસ હોલક્રાફ્ટનું ‘ધ રોડ ટુ રુઇન’ નામનું નાટક ભજવાયું હતું જે જોવા માટે માંદા હોય કે બહારગામ ગયા હોય તેવાને બાદ કરતાં બધા અંગ્રેજો હાજર રહ્યા હતા. ૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર બન્યા એ પછી તેમણે આ થિયેટરને ઘણી મદદ કરી. તેમણે મોટી સંખ્યામાં નાટકનાં પુસ્તકો ભેટ આપ્યાં. તેઓ પોતે પણ અહીં નાટકો જોવા આવતા અને આર્થિક મદદ પણ કરતા. તેમણે મુંબઈ છોડ્યું ત્યારે વિદાયની ભેટરૂપે આ થિયેટરમાં રિચર્ડ શેરીડનનું ‘ધ રાઇવલ્સ’ નાટક ભજવાયું હતું. ટિકિટના દર હતા : ડ્રેસ બૉક્સ ૮ રૂપિયા, પિટ ક્લાસ ૬ રૂપિયા, અપર બૉક્સ ૫ રૂપિયા, અને ગૅલરી ૩ રૂપિયા. આ ભાવ એ જમાનામાં ઘણા મોંઘા ગણાતા.
અને છતાં વખત જતાં આ થિયેટરની ખોટ એટલી તો વધી ગઈ કે એને વેચી નાખવાનું નક્કી થયું. ૧૮૩૫ના ઑક્ટોબરમાં સર જમશેદજી જીજીભોયે ૫૦ હજાર રૂપિયામાં એ ખરીદી લીધું. એમાંથી દેવું ચૂકવ્યા પછી ૨૭,૩૭૯ રૂપિયા બચ્યા એ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા. આ જમશેદજી એટલે એ જમાનાના પ્રખ્યાત વેપારી અને દાનવીર. જે. જે. હૉસ્પિટલ અને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ જેવી મુંબઈની કેટલીયે સંસ્થાઓ તેમની સખાવતથી શરૂ થઈ હતી એટલું જ નહીં, તેઓ મૂંગાં પશુઓની વહારે પણ ધાયા હતા. આજે જેનું નામ આઝાદ મેદાન છે એ ત્યારે કૅમ્પના (કે ‘દેશીઓ’ની બોલીમાં ‘કાંપના’) મેદાન તરીકે ઓળખાતું. અહીંનું લીલું ઘાસ છૂટથી ચરવા પુષ્કળ ઢોરઢાંખર બેરોકટોક આવતાં. પણ સરકારને શું સૂઝ્યું કે ૧૮૩૮માં આ રીતે અહીં ઢોર ચરાવવા પર ટૅક્સ નાખ્યો. એટલે લોકોમાં હાહાકાર થયો. સર જમશેદજીએ તાબડતોબ ૨૦ હજાર રૂપિયા ખર્ચીને ઠાકુરદ્વાર નજીક ખુલ્લી જમીન ખરીદી લીધી અને રાતી પાઈ પણ લીધા વગર ઢોરોને ચરવા માટે ખુલ્લી મૂકી દીધી. આથી એ જગ્યા ‘ચરણી’ કે ‘ચર્ની’ તરીકે ઓળખાવા લાગી. વખત જતાં અહીં રેલવે-સ્ટેશન બંધાયું એનું નામ પણ ચર્ની રોડ સ્ટેશન પડ્યું. આ ચર્ની રોડ સ્ટેશનથી શરૂ થતા રસ્તાનું નામ પણ ચર્ની રોડ. આ રોડ એ આજનો રાજા રામમોહન રૉય માર્ગ. મુંબઈના રસ્તાઓનાં, સ્થળોનાં, સ્ટેશનોનાં જૂનાં નામો બદલવાની ચળ રાજકારણીઓને અવારનવાર આવે છે. અત્યારે કેટલાંક રેલવે-સ્ટેશનોનાં નામ બદલવાની વાતો થાય છે એમાં ચર્ની રોડ સ્ટેશનનું નામ બદલવાની પણ માગણી થઈ છે. કદાચ કોઈ ‘લોકસેવક’ના મનમાં એવો ભ્રમ હશે કે ‘ચર્ની’ એ કોઈ અંગ્રેજનું નામ છે. ગાંધીજીનું મણિભવન’ જે રસ્તા પર આવેલું છે એ લેબર્નમ રોડનું નામ બદલવાની પણ અગાઉ માગણી થઈ હતી અને કહેવાયું હતું કે મુંબઈ આવતા ત્યારે ગાંધીજી રહેતા એ મકાન જે રસ્તા પર આવેલું હોય એની સાથે કોઈ અંગ્રેજનું નામ તો જોડાયેલું ન જ હોવું જોઈએ. ત્યારે જાણકારોએ કહ્યું હતું કે ભાઈ, લેબર્નમ એ કોઈ અંગ્રેજનું નામ નથી, એક ઝાડનું નામ છે અને આ રોડ પર મોટી સંખ્યામાં એ ઝાડ આવેલાં છે એટલે આ નામ પડ્યું છે. જોકે સાંભળ્યું છે કે આજે હવે આ રસ્તા પર માત્ર એક જ લેબર્નમ બચ્યું છે.
પણ મુંબઈનું આ પહેલવહેલું થિયેટર બાંધેલું કોણે? ૧૮૩૩માં જ્યારે આ થિયેટર વેચી નાખવાનું નક્કી થયું ત્યારે આ સવાલ ઊભો થયો, કારણ કે એ વખતે કોઈ ખાતરીપૂર્વક કહી શક્યું નહીં કે એની માલિકી કોની છે! એટલે મુંબઈ સરકારના સેક્રેટરી જૉન બેક્સે ૧૮૩૩ના ઑગસ્ટની બીજી તારીખે મુંબઈના કલેક્ટરને પત્ર લખીને આ વિશે પુછાવ્યું. એના જવાબમાં કલેક્ટરે લખી જણાવ્યું કે અમારી ઑફિસમાંના દસ્તાવેજો પ્રમાણે આ થિયેટરના મકાનની અને જમીનની માલિકી મુંબઈની કંપની સરકારની છે. પણ આજ સુધી એ વિશે ન તો સરકારે ભાડું વસૂલ કર્યું છે કે ન તો સરકારી આવકના હિસાબમાં એ વિશે કોઈ આવકની નોંધ જોવા મળી છે.
વીસ વર્ષ સુધી થિયેટરના વ્યવસ્થાપક તરીકે કામ કરનાર વિલિયમ ન્યુહેમે આ બાબતે ગવર્નર સર જૉન કલેરને એક પત્ર લખ્યો હતો. એમાં તેમણે જણાવ્યું હતું કે મારી જાણ પ્રમાણે લોકો પાસેથી ફાળો ઉઘરાવીને આ થિયેટર ૧૭૭૬માં બંધાયું હતું. એ પહેલાં અહીં કાદવ-કીચડથી ભરેલું એક તળાવ હતું. ૧૮૧૭માં ફરી ફાળો ઉઘરાવીને એનું સમારકામ થયું. જ્યારે આ ઇમારત માટેના નકશા બનાવવામાં આવ્યા ત્યારે કોઈને પણ ખ્યાલ નહોતો કે આ જમીન (કે તળાવ) સરકારની માલિકીની છે. તેમને એ પણ ખબર નહોતી કે અહીં મકાન બાંધવા માટે કોઈ શરતો હતી કે કેમ. પછીથી મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી તરીકે કામ કરતો હતો ત્યારે મેં સરકારી દફ્તરમાંના દસ્તાવેજો તપાસ્યા ત્યારે ૧૭૮૯ના અહેવાલ પરથી જણાયું કે ગવર્નર વિલિયમ હોર્નબીની સંમતિથી આ મકાનનો કબજો વ્યવસ્થાપકોને સોંપવામાં આવ્યો હતો.
પણ કોણ જાણે કેમ જમશેદજી જીજીભોયે ખરીદી લીધા પછી આ થિયેટર દસ વર્ષ સુધી બંધ રહ્યું. એ વખતે મુંબઈમાં બીજું કોઈ થિયેટર હતું નહીં. એટલે છાપાંઓ અને સામયિકો દ્વારા એક નવા થિયેટરની માગ કરતી ઝુંબેશ શરૂ થઈ. એ બૉમ્બે થિયેટર વેચ્યા પછી દેવું બાદ કરતાં જે રકમ વધી હતી એ નવા થિયેટર માટે આપવાની મુંબઈ સરકારે જાહેરાત કરી. પણ એ માટેની જમીનનું શું? આ માટે ગ્રાન્ટ રોડ પરની પોતાની જમીનનો એક પ્લૉટ જગન્નાથ નાના શંકરશેટે દાનમાં આપ્યો. થિયેટ્રિકલ સમિતિના પ્રમુખ એચ. ફોસેટે ઇંગ્લૅન્ડમાં બનેલો એક ડ્રૉપ સીનનો પડદો ભેટ આપ્યો. બાંધકામ પૂરું થયા પછી ૧૮૪૬ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે આ નવા થિયેટરનું ઉદ્ઘાટન થયું. એનું કોઈ ખાસ નામ હોવાનું જાણવા મળતું નથી. લોકો એને ‘ગ્રાન્ટ રોડ થિયેટર’ કે ‘નાના શંકરશેટના થિયેટર’ તરીકે ઓળખતા. શરૂઆતમાં તો અહીં પણ માત્ર અંગ્રેજી નાટકો ભજવાતાં. પણ મુખ્યત્વે ફોર્ટ વિસ્તારમાં રહેતા અંગ્રેજોને આ થિયેટર દૂર પડતું હતું. તો બીજી બાજુ અહીં અંગ્રેજી નાટકો જોવા માટે શ્રીમંત ‘દેશી’ઓ પણ આવતા થયા. વખત જતાં પહેલું મરાઠી નાટક અને પહેલું ગુજરાતી નાટક અહીં ભજવાયેલાં એની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. અહીં ભજવાતાં મરાઠી, ગુજરાતી જેવી ‘દેશી’ ભાષાઓનાં નાટકો માટે ટિકિટના દર ઓછા રાખવામાં આવતા જેથી વધુ લોકો લાભ લઈ શકે : ડ્રેસ સર્કલ ત્રણ રૂપિયા, સ્ટૉલ બે રૂપિયા, ગૅલરી દોઢ રૂપિયો અને પિટ ક્લાસ ૧ રૂપિયો. તો પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ન મળતાં થોડા વખત પછી ભાવ ઘટાડવા પડ્યા હતા!
પ્રિય વાચક! તમે કહેશો કે આ તો શાકમાં આખું સાકરકોળું ગયું એવું થયું. આ પહેલવહેલું બૉમ્બે થિયેટર જ્યાં આવેલું એ બૉમ્બે ગ્રીન એટલે આજની કઈ જગ્યા એ તો કહ્યું જ નહીં! પણ કહ્યું છેને કે ધીરજનાં ફળ મીઠાં. આવતે અઠવાડિયે વાત બૉમ્બે ગ્રીન કે કૉટન ગ્રીનની. ત્યાં સુધી આપના ઘરની આસપાસ આ ચોમાસામાં ઊગી નીકળેલી ગ્રીનરી જોઈ આંખ ઠારો.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 07:48 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK