મુંબઈની પહેલી પ્રી-પેઇડ ટૅક્સી-સિસ્ટમમાં ડખો

Published: 1st October, 2011 21:04 IST

મુંબઈ સેન્ટ્રલ પર ૮ સપ્ટેમ્બરથી પ્રી-પેઇડ ટૅક્સીની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હવે આને કારણે ટૅક્સી-ડ્રાઇવરો તેમનું શોષણ કરતા હોવાની પ્રવાસીઓએ ફરિયાદ કરી છે. હકીકતમાં આ પ્રી-પેઇડ ટૅક્સીની વ્યવસ્થા પાછળનો હેતુ ટૅક્સીચાલકોને વધારે ભાડું ચાર્જ કરતા અટકાવવાનો હતો.

 

 

જોકે હવે પ્રવાસીઓની ફરિયાદ છે કે આ વ્યવસ્થામાં ખામી છે જેને કારણે આ પ્રી-પેઇડ સ્ટૅન્ડની બહાર ઊભેલા ટૅક્સી-ડ્રાઇવરો પણ તેમની ટૅક્સી પ્રી-પેઇડ હોવાનો દેખાવ કરીને વધારે ભાડું માગે છે.

પ્રી-પેઇડ ટૅક્સી માટે સ્ટેશનની બહાર બૂથ તૈયાર કરવામાં આવ્યું છે જે બુકિંગ કાઉન્ટરની કામગીરી નિભાવે છે. અહીં પ્રવાસીએ પોતાનું નામ અને જવાનું સ્થળ લખાવીને ભાડાપેટે બુકિંગ-કાઉન્ટર પર જ ચોક્કસ રકમ ચૂકવવાની હોય છે. આ ભાડાની રકમની વિગતો જોઈએ તો અહીંથી ચાર કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ જગ્યાએ જવા માટે ૫૬ રૂપિયા ભાડું લાગે છે, જ્યારે લઘુતમ ભાડું સોળ રૂપિયા છે. આ અંતરમાં નાગપાડા, મહાલક્ષ્મી, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ અને ભાયખલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કોઈ પ્રવાસીને દાદર, છત્રપતિ શિવાજી ટર્મિનસ, ચર્ચગેટ કે પછી કરી રોડ જવું હોય તો ભાડાપેટે ૧૦૪ રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડે છે. પ્રી-પેઇડ ટૅક્સીમાં વધારાના દસ રૂપિયા પણ ચૂકવવા પડે છે જે પછી આ પ્રી-પેઇડ ટૅક્સી-સિસ્ટમ ચલાવતા યુનિયનના ફાળે જાય છે. વળી એમાં દરેક સામાન માટે ૬ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.

આ મુદ્દે વાત કરતાં બૂથ ચલાવતા ભારતીય ચાલક સંઘના સ્થાપક પ્રેસિડન્ટ એચ. ગૌતમે કહ્યું હતું કે ‘અમને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની આ સમસ્યાની ખબર છે જ્યાં બીજા ટૅક્સી-ડ્રાઇવરો અનધિકૃત રીતે લાઇન લગાવે છે. આવી જ સમસ્યાનો સામનો ઍરર્પોટ પર પણ કરવો પડે છે.’

આ મુદ્દે વાત કરતાં તાડદેવ રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસના એક અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે સ્ટેશનની બહાર અલગથી લાઇન બનાવતા ટૅક્સી-ડ્રાઇવરો પણ પોતે પ્રી-પેઇડ ટૅક્સીનો હિસ્સો હોય એમ બતાવીને પ્રવાસીઓને પોતાની ટૅક્સીમાં બેસવાનો આગ્રહ કરે છે.

વાશી અને પનવેલના રિક્ષાચાલકો પર આરટીઓની તવાઈ

વાશીની આરટીઓએ છેલ્લા ત્રણ દિવસમાં ૩૦૦ કરતાં વધારે રિક્ષાઓની તપાસ કરી છે જેમાંથી ૬૧ રિક્ષાનાં મીટર ખામીવાળાં હતાં. રિક્ષાચાલકોને ૧૫૦૦થી ૧૭૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આïવ્યો છે. અત્યાર સુધી અમને ૨૬ ચાલકો પાસેથી દંડપેટે ૪૪,૯૦૦ રૂપિયા મળ્યા છે.


પનવેલના આરટીઓના ઑફિસરોએ છેલ્લા કેટલાક દિવસમાં ૨૦૦ રિક્ષાચાલકોની તપાસ કરીને ૪૫ કરતાં વધારે ડ્રાઇવરોને મીટર સાથે ચેડાં કરવા બદલ પકડ્યા છે, જ્યારે ૮૦ રિક્ષાચાલકોને આરટીઓની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK