પોલીસ-કમિશનરની ઑફિસમાંથી મુંબઈના પહેલા પોલીસ-કમિશનરનું બાવલું જ ગુમ!

Published: 9th January, 2021 13:06 IST | Deepak Mehta | Mumbai

૧૯૭૦ની આસપાસ મુંબઈ શહેરમાંનાં બ્રિટિશરોનાં ઘણાં પૂતળાં ખસેડી લીધાં હતાં અને એ બધાંને ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં મોકલી દેવાયેલાં. મુંબઈના પહેલા પોલીસ-કમિશનરનું પૂતળું આ મ્યુઝિયમના પહેલા માળ પરથી મળી આવ્યું હતું

આવો કોઈક બંગલો ભાડે રાખ્યો હશે માધવદાસે
આવો કોઈક બંગલો ભાડે રાખ્યો હશે માધવદાસે

મુંબઈના જાણીતા કાપડના વેપારી શેઠ માધવદાસ રૂગનાથદાસની દોડાદોડ છેલ્લા થોડા દિવસથી વધી ગઈ છે. ના, ધંધાને કારણે નહીં બલકે વર્ષોના જૂના મુનિમને બોલાવીને તેમણે કહી દીધું છે કે હમણાં થોડા દિવસ પેઢી પર અવાય-ન અવાય તો તમે બધું કામ સંભાળી લેજો. ઘરમાં બે ઘોડાની ગાડી છે, પણ ગાડીવાનને કહ્યું છે કે હું બોલાવવા માટે માણસ ન મોકલું ત્યાં સુધી તારે કામ પર આવવાની જરૂર નથી! અને હા, ચિંતા ન કરતો, તારો પગાર ચાલુ રહેશે. કામ માટે બહાર નીકળે ત્યારે શેઠ માધવદાસ પહેલાં થોડું ચાલે અને પછી કોઈ ઓળખીતું જોતું તો નથીને એની ખાતરી કરીને ભાડાની વિક્ટોરિયામાં બેસી જાય. પણ હતા વેપારી માણસ. એટલે બધ્ધી બાજુનો વિચાર કરીને પછી જ આગળ વધે. એટલે પહેલાં તો બે ખાસ નજીકના મિત્રોને પોતાના ઘરે બોલાવ્યા. કેખશરૂ નવરોજી કાબરાજી અને કરસનદાસ મૂળજી સાથે પેટછૂટી બધી વાત કરી. કાબરાજી એટલે એ જમાનાના આગળ પડતા સમાજ સુધારક, લેખક, રંગકર્મી, પત્રકાર. અને કરસનદાસ તો મુંબઈના જ નહીં; ગુજરાતના પણ મોટા ગજાના સુધારક, લેખક, પત્રકાર. વળી માધવદાસ અને કરસનદાસ બન્ને ચીની કાપડના ધંધામાં પણ સાથે. કરસનદાસની વાત સાંભળીને બન્નેએ કહ્યું કે અમે તમારી સાથે છીએ. એટલે આ કામ પાર કઈ રીતે પાડવું એની વિગતોની ત્રણે મિત્રોએ ચર્ચા કરી.

પહેલા દિવસે કરસનદાસ મૂળજીને સાથે લીધા અને પહોંચ્યા મુંબઈના પોલીસ-કમિશનર સર ફ્રૅન્ક સોટિયેરને મળવા તેમની ઑફિસ. સર ફ્રૅન્ક સોટિયેર એટલે મુંબઈ શહેરના પહેલવહેલા પોલીસ-કમિશનર. ૧૮૬૪થી ૧૮૮૮ સુધી, પૂરાં ચોવીસ વરસ સુધી મુંબઈના પોલીસ-કમિશનર રહ્યા. અને પોતાના કામને એવા વફાદાર કે ચોવીસ વરસમાં તેમણે માત્ર બે જ દિવસની રજા લીધેલી! ૧૮૭૫માં પ્રિન્સ ઑફ વેલ્સ પાસેથી સરનો ઇલકાબ મળેલો. ૧૮૮૮ના એપ્રિલની ૩૦મી તારીખે નિવૃત્ત થયા પછી તેઓ નીલગિરિ રહેવા ગયા, જ્યાં પહોંચ્યા પછી ત્રણ જ મહિનામાં તેમનું અવસાન થયું હતું.

અહીં એક ઉપકથા જોડી દઈએ. ૨૦૧૮ની સાલમાં સર ફ્રૅન્ક સોટિયેરને શોધવા માટે મુંબઈ પોલીસે દોડાદોડ કરી મૂકી હતી. હેં? ૧૮૮૮માં જેનું અવસાન થયું હોય તેને ૨૦૧૮માં શોધી શકાય કઈ રીતે? પણ પોલીસ શોધતી હતી તે તેમને નહીં, તેમના ખોવાયેલા બાવલાને. મુંબઈના પોલીસ-કમિશનરની કચેરીના મુખ્ય દરવાજા પાસે વરસો સુધી તેમનું બાવલું હતું. કોઈ પણ પોલીસ-ઑફિસર આ મુખ્યાલયમાં જોડાય ત્યારે સૌથી પહેલી સલામ એ બાવલાને કરતો. પણ પછી કોણ જાણે ક્યારે, કઈ રીતે એ બાવલું અલોપ થઈ ગયું. અને વખત જતાં એ બાવલું અને સર ફ્રૅન્ક સોટિયેરનું નામ પણ ભુલાઈ ગયું. પણ પછી મુંબઈ પોલીસનું અલગ મ્યુઝિયમ બનાવવાનું નક્કી થયું. ત્યારે એમાં મૂકવા માટે પહેલાં પોલીસ-કમિશનરનું બાવલું યાદ આવ્યું. પણ એ જગ્યા તો હતી ખાલીખમ્મ. બાવલું ગયું ક્યાં? પોલીસ માંડી શોધવા. પહેલાં તો મુખ્યાલયના મકાનનો ખૂણેખૂણો જોઈ વળ્યા. જૂની ફાઇલો કાઢીને એમાંનાં કાગળિયાં ફંફોસ્યાં. અને કોઈકના મનમાં બત્તી થઈ : આ બાવલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં તો નહીં પહોંચી ગયું હોયને? ૧૯૭૦ની આસપાસ મુંબઈ શહેરમાંનાં બ્રિટિશરોનાં ઘણાં પૂતળાં ખસેડી લીધાં હતાં અને એ બધાંને એ મ્યુઝિયમમાં ધકેલી દીધાં હતાં. એટલે પોલીસની ટુકડી પહોંચી મ્યુઝિયમની મુલાકાતે. આવાં ઘણાંખરાં પૂતળાં મ્યુઝિયમની પાછળની ખુલ્લી જગ્યામાં પડ્યાં હતાં, પણ એમાં મુંબઈના પહેલા પોલીસ-કમિશનરનું પૂતળું નહોતું. એટલે પછી શોધ્યું આખું મકાન. અને એ મળી આવ્યું મ્યુઝિયમના પહેલા માળ પરથી, સાજીસારી દશામાં. 

પણ આપણે પાછા ૧૯મી સદીમાં જઈએ. શેઠ માધવદાસ અને કરસનદાસ મૂળજી પહોંચ્યા પોલીસ-કમિશનરની કચેરીએ. એક ચિઠ્ઠીમાં પોતાનાં નામ લખી ચોપદાર સાથે સાહેબને મોકલ્યા. થોડી વાર રાહ જોવી પડે તેમ હતું, કારણ કે સાહેબ બીજા કોઈ કામમાં રોકાયેલા હતા. પછી તેડું આવ્યું એટલે ગયા. કુરનિશ બજાવી પોતાની ઓળખાણ આપી. સાહેબે બેસવા કહ્યું પછી બેઠા. સાહેબ વરસોથી મુંબઈમાં હતા એટલે હિન્દી, મરાઠી, ગુજરાતી સમજતા અને બોલતા પણ ખરા પણ ઉચ્ચારો ગોરા સાહેબો જેવા. બન્ને જણે પોતાની વાત સાહેબને વિગતે સમજાવી અને મદદ કરવા અરજ કરી. તેમની વાત સાંભળી લીધા પછી સાહેબે કહ્યું : ‘ટુમે લોક જે કામ કરવાના છે તે તો બહુ સારા ને નેક કામ છે. અને સારા કામ કરનાર નેક માણસોની મડડ કરવી એ તો પોલીસના રિલિજન – ટુમેં લોક સુ કહો, હા, ઢરમ છે. એટલે મુંબઈ પોલીસ ટુમને બઢી મદદ કરશે.’ પોતાના સહાયકને બોલાવી સાહેબે તેને અંગ્રેજીમાં કહ્યું તેનો મતલબ : ‘આ લોકો એક બહુ સારું અને નેક કામ કરવાના છે. તેઓ કહે એ રીતે, એ દિવસે અને એ જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરજો. કંઈ મુશ્કેલી હોય તો મને તરત જણાવજો.’ સાહેબનો આભાર માની, સલામ કરી બન્ને

બહાર નીકળ્યા. કરસનદાસે મિત્ર માધવદાસને

કહ્યું : ‘ચાલો, શુકન તો સારાં થયાં.’

બીજા દિવસે કાબરાજીને સાથે લઈને માધવદાસ એક જાણીતા પારસી વેપારીને મળવા ગયા. તેમનો ચીન સાથે અફીણનો મોટો ધંધો હતો. તેમણે કાબરાજી અને માધવદાસને ઉમળકાભેર આવકાર્યા. કાબરાજીએ ઓળખાણ કરાવી : ‘આ મારા મિત્ર માધવદાસ. ચીની કાપડના મોટા વેપારી છે. તેઓ એક બહુ જ હિંમતભર્યું, વખાણવા લાયક કામ કરવાના છે. અને એમાં આપની મદદ જોઈએ છીએ.’ પારસી શેઠ : ‘અરે, કાબરાજીશેઠ. એમાં તમુએ આંઈ સુધી ધક્કો કાંઈ ખાઢો? બોલો, કેટલી રકમ...’ માધવદાસ કહે: ‘આપનો આભાર, શેઠ. પણ અમે ફન્ડફાળો ઉઘરાવવા નથી આવ્યા.’ ‘ટો બીજું સું કામ ચે?’ ‘અમારે આપનો ચિંચપોકલીનો બંગલો જોઈએ છીએ.’ ‘પન એ કંઈ વેચવો નથી મારે.’ માધવદાસ : ‘નહીં, નહીં, શેઠ. અમારે તો એ ફક્ત ભાડે જોઈએ છીએ અને એ પણ એક જ દિવસ માટે.’ ‘એક જ ડિવસ માટે?’ હવે કાબરાજી વચમાં પડ્યા. કહે : ‘વાત જાને એમ છે કે...’ અને આખી વાત તેમણે સમજાવી. એ સાંભળીને પારસી શેઠ કહે : ‘જુઓ કાબરાજી સેટ! ટમે જાટે અહીં સુધી આવિયા એટલે બંગલો ટો હું આપસ. પણ આય બંગલો હું એક મહિના કરતાં ઓછા ટાઇમ માટે ભાડે આપટો નઠી.’ કાબરાજી : ‘એટલે માધવદાસ એક દિવસ માટે ભાડે લે તો પણ ભાડું તો એક મહિનાનું જ આપવું પડે, બરાબર? પણ ભાડું કેટલું?’ ‘ડોર સો રુપ્યા.’ કાબરાજીએ માધવદાસ સામે જોયું. જરીક વિચાર કરીને માધવદાસ બોલ્યા : ‘આપની વાત મને કબૂલ-મંજૂર છે, પણ એક શરતે.’ શેઠ પૂછે એ પહેલાં કાબરાજીએ જ પૂછ્યું : ‘શરત? કેવી શરત?’ માધવદાસ : ‘ઠરાવેલી તારીખે સાંજ સુધીમાં અમે બંગલોમાં પગ મૂકીએ તો જ ભાડાના ૧૫૦ રૂપિયા આપવાના નહીંતર નહીં.’ જરીક વિચાર કરીને પારસી શેઠ કહે : ‘આમ ટો હું કોઈની બી સરત માનું નહીં. પણ ટુમેં પરવર દિગારને ગમે ટેવું નેક કામ કરવા માટે બંગલો ભાડે માગો ચો એટલે તમારી વાત કબૂલમંજૂર.’ શેઠનો આભાર માનીને બન્ને મિત્રો ત્યાંથી રવાના થયા.

પછી માધવદાસ ગયા પંડિત વિષ્ણુ પરશુરામ શાસ્ત્રીને મળવા. ૧૮૨૭માં સાતારા જિલ્લાના નાનકડા ગામડામાં જન્મેલા પંડિતજી એટલે એ જમાનાના એક જાણીતા મરાઠી લેખક, પત્રકાર અને સમાજસુધારક. સરકારી નોકરીમાંથી છૂટા થઈ તેમણે ૧૮૬૨માં મુંબઈથી ‘ઇન્દુપ્રકાશ’ નામનું મરાઠી અઠવાડિક શરૂ કરેલું. એનો મુખ્ય સૂર સમાજસુધારાનો હતો. બાળલગ્ન, વિધવા પુનર્લગ્ન, કજોડાંનાં લગ્ન, કેશવપન વગેરે વિશેના પોતાના સુધારાવાદી વિચારો પંડિતજી એમાં છડેચોક વ્યક્ત કરતા. તેઓ વિધવાનાં પુનર્લગ્નના જબરા હિમાયતી હતા. પોતાની વાત પોથીમાંનાં રીંગણાં નથી એ બતાવી આપવા માટે તેમણે પોતે એક વિધવા સાથે લગ્ન કરેલાં. પંડિતજીને મળીને કરસનદાસે બધી વાત પેટછૂટી કરી અને કહ્યું કે આ કામ માટેની બધી તૈયારી આપે કરી આપવી અને ઠરાવેલા દિવસે આપે ચિંચપોકલીના બંગલોમાં પધારવાની તસ્દી લેવી. કરસનદાસની વાત સાંભળી શાસ્ત્રીજી પ્રસન્ન થયા અને કહ્યું કે ‘અમે જરૂર ઉપસ્થિત રહીશું, અને બધી તૈયારી પણ કરી આપીશું. એ વિશે હવે તમારે ચિંતા કરવાની નહીં.’

ત્યાંથી નીકળીને કરસનદાસ પહોંચ્યા એક તબેલાના માલિક પાસે. તેને કહ્યું કે હું જણાવું એ દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ઘોડાગાડી વાલકેશ્વર ખાતે આવેલા શેઠ લખમીદાસ ખીમજીના બંગલે હાજર કરી દેવી. અને પછી કરસનદાસ મળ્યા શેઠ લખમીદાસ ખીમજીને. કાપડના મોટા વેપારી અને માધવદાસના ખાસ મિત્ર અને સાથીદાર. આજે પણ કાલાબાદેવી વિસ્તારમાં તેમના નામની કાપડ માર્કેટ છે. અત્યાર સુધી પોતે કોને-કોને મળ્યા, શું-શું નક્કી કર્યું એની વિગતે વાત કરી. એ સાંભળીને લખમીદાસ શેઠ કહે : માધવદાસ, તમે આવું હિંમતભર્યું કામ કરો છો તો ઠરાવેલા દિવસે ચિંચપોકલીના બંગલોમાં બપોરે ત્રણ વાગ્યે એક અંગ્રેજી બૅન્ડ-વાજું, ફૂલના તોરા અને હાર, મહેમાનો માટે પાનનાં બીડાં, ગુલાબદાની અને સાથે ગુલાબજળ, બધી તૈયારી કરવાનું કામ મારે માથે. પણ પછી કૈંક યાદ આવતાં પૂછ્યું: પણ વર-વધૂ અહીંથી ચિંચપોકલી જશે કઈ રીતે?’ માધવદાસ કહે : ‘ઠરાવેલા દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ગાડી અહીં હાજર થઈ જશે. એ નક્કી કરીને સીધો ત્યાંથી જ અહીં આવ્યો છું. લખમીદાસ શેઠ કહે : ‘માધવદાસ, કામની ચોકસાઈની બાબતમાં તમને કોઈ ન પહોંચે.’ માધવદાસ કહે: ‘એ તો નીવડ્યે વખાણ.’ પછી માધવદાસ શેઠે પહેલાં કોટની પોલીસ કોર્ટના મૅજિસ્ટ્રેટ રાવબહાદુર નાના મોરુજીની અને પછી ગિરગામ પોલીસ કોર્ટના મૅજિસ્ટ્રેટ રાવબહાદુર મહાદેવ ગોવિંદ રાનડેની મુલાકાત લીધી અને ઠરાવેલા દિવસે કોર્ટનું કામ વહેલું આટોપીને પણ ચિંચપોકલીવાળા બંગલે હાજર રહેવા અરજ ગુજારી જે બન્નેએ સહર્ષ સ્વીકારી.  

અને પછી માધવદાસ શેઠ ઘરે ગયા. પહેલાં તો ઊના-ઊના પાણીએ નાહીને તાજામાજા થયા. પછી ઈષ્ટદેવની છબી પાસે ચાંદીની દીવીમાં ઘીનો દીવો કરી મનોમન પ્રાર્થના કરી. અને પછી પોતાના ખંડમાં જઈ કાળા સીસમના નકશીદાર મેજ પાસેની કિરમજી રંગના મખમલથી મઢેલી ખુરસી પર બેઠા. મેજ પર કોરા કાગળની થપ્પી હતી, ચાંદીના બે ખડિયામાં લાલ અને કાળી મશી કહેતાં શાહી હતી અને બાજુમાં ચાંદીના પતરાથી મઢેલી ત્રણ-ચાર કલમ હતી. એમાંની એક કલમ લાલ શાહીમાં બોળી તેમણે લખવાનું શરૂ કર્યું :   

મારાં ભવિષ્યનાં થનારાં પ્યારાં ધનકોર:

ઈશ્વરે તમને બહુ જ ડહાપણ ભરેલો વિચાર સૂચવેલો છે. માટે તમો ખચિત માનજો કે આ કામમાં ઈશ્વરનો હાથ જરૂર છે. હવે આપણું ધારેલું કામ પાર પાડવાનો શુભ દિવસ સંવત ૧૯૨૭ના વૈશાખ સુદ ૧૨ને મંગળવાર, તા. બીજી મે, ૧૮૭૧નો દિવસ ઠેરવ્યો છે. તે દિવસે બપોરના એક વાગતાને સુમારે તમો તૈયાર થઈને તમારા ઘરની બારીએ ઊભાં રહેજો. હું સર્વે કામની તૈયારી કરી મથુરાદાસ ખેતસીને તમારા ઘરની બારીની સામે આવીને ઊભો રહેવા મોકલું એટલે તમો નીચે ઊતરીને તેની પાછળ પાછળ ચાલી આવજો. હું અને મારો મિત્ર કરસનદાસ મૂળજી, શેઠ લખમીદાસ ખીમજીના બંગલા પાસે ગાડી તૈયાર રાખીને ઊભા રહેશું. હવે બીજી ચિઠ્ઠી હું તમોને લખવાનો નથી, માટે આ ચિઠ્ઠી છેવટની જ સમજજો. હાલ એ જ.

લિ. હું છું તમારો હાથ મેળવવાનો ઉમેદવાર મા.રૂ.

આ પત્રમાં જણાવેલી તારીખે મુંબઈમાં એક અભૂતપૂર્વ ઘટના બની, પણ એની વાત હવે પછી.

(વાંચકોને વિનંતી : ઘણા પ્રયત્નો પછી પણ માધવદાસ રૂગનાથદાસનો ફોટો મેળવી શકાયો નથી. જો કોઈ વાચક પાસે હોય તો નીચેના ઈ-મેઇલ પર સંપર્ક કરવા વિનંતી.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK