રાજકોટ : સોનીબજાર કેમ છે મુંબઇગરાઓનું ફેવરેટ

Updated: May 11, 2019, 12:21 IST | રશ્મિન શાહ | રાજકોટ

લગ્ન નિમિત્તે મુંબઈગરાઓ કરે છે રાજકોટની સોનીબજારમાંથી વર્ષે ૧૦૦ કરોડની ખરીદી

સોની બજાર (ફાઇલ ફોટો)
સોની બજાર (ફાઇલ ફોટો)

મૅરેજ-સીઝન સમયે આ માર્કેટ સવારે એક કલાક વહેલી ખૂલીને રાતે એક કલાક મોડી બંધ થાય છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે વરવધૂ બન્નેની કમ્બાઇન ડિઝાઇનના વેડિંગ-સેટ બનાવવા ઉપરાંત રાજકોટની સોનીબજારમાં અઢી હજારથી માંડીને ૨૫ લાખ રૂપિયાના દાગીના તૈયાર મળે છે

રાજકોટની સોનીબજારના દાગીના જગવિખ્યાત છે અને એમાં કોઈ નવી વાત નથી, પણ રાજકોટની સોનીબજારમાં મૅરેજ-સીઝન સમયે માર્કેટ સવારે એક કલાક વહેલી ખૂલીને રાતે એક કલાક મોડી બંધ થાય છે એની જૂજ લોકોને ખબર હશે. ૮ને બદલે ૧૦થી ૧૧ કલાક દુકાન ખુલ્લી રાખવા માટે પોલીસ કે કૉર્પોરેશન દ્વારા કોઈ વિરોધ પણ કરવામાં આવતો નથી. મહત્તમ લોકોને એની પણ ખબર નહીં હોય કે રાજકોટ-મુંબઈ ફ્લાઇટના ટાઇમિંગ મુજબ સોનીબજારના વેપારીઓ મુંબઈથી આવતા કે મુંબઈ જતા કસ્ટમરને લેવા-મૂકવાની સગવડ પણ આપે છે. વધુ એક વાત, રાજકોટની સોનીબજાર મૅરેજ-સીઝન દરમ્યાન જો તેમને આગોતરી જાણ કરવામાં આવે તો આવનારા કસ્ટમર માટે હોટેલ-બુકિંગથી માંડીને તેમની જમવાની અને તેમને અન્ય કોઈ જગ્યાએ ખરીદી કરવા જવું હોય તો એની પણ અરેન્જમેન્ટ કરી આપે છે. લેવામાં આવતી આ તકલીફનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે કે મુંબઈગરા દર વર્ષે તેમની ફૅમિલીના લગ્નપ્રસંગ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી રાજકોટમાંથી કરે છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ અસોસિએશનના સિનિયર મેમ્બર મુકુંદ સોનીએ કહ્યું કે ‘મુંબઈની ખરીદી રાજકોટમાંથી થાય એ પ્રથા વર્ષો જૂની છે. પ્યૉરિટી અને કારીગીરી ઉપરાંત નવી ડિઝાઇનને કારણે રાજકોટ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે સોનીબજારમાંથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી ખરીદી મુંબઈવાળાઓએ કરી છે.’

રાજકોટની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજકોટમાં વરવધૂ બન્નેની કમ્બાઇન્ડ ડિઝાઇનના વેડિંગ-સેટ બનાવવા ઉપરાંત રાજકોટની સોનીબજારમાં અઢી હજારથી માંડીને પચીસ લાખ રૂપિયાના દાગીના તૈયાર મળે છે. આ ભાવની વાત થઈ, પણ એવું જ ઑર્નામેન્ટ્સમાં છે. રાજકોટની સોનીબજારમાં જો ફરો તો આ એક જ માર્કેટમાં ખાલી નેકલેસની ૧૫૦૦ ડિઝાઇન જોવા મળે તો વેડિંગ-રિંગની પણ લગભગ એટલી જ વરાઇટી જોવા મળે. વરાઇટીઓમાં નવીનતા અને ભાવમાં આટલી મોટી રેન્જ દેશઆખાના એક પણ સોનીબજારમાં નહીં હોવાથી પણ રાજકોટને પસંદ કરવામાં આવે છે એવું માનતા રાજકોટના જાણીતા શો-રૂમ જેપી ગોલ્ડ ગૅલરીના જગદીશ પાલા કહે છે, ‘સોનાના દાગીના વિશ્વાસના આધારે ખરીદાતા હોય છે. રાજકોટની જ્વેલરી માર્કેટ પર અજાણ્યાઓને પણ વિશ્વાસ છે. રાજકોટના અમુક સોનીઓ તો એવા છે કે તેમને ત્યાં આજે કસ્ટમરની ત્રીજી અને ચોથી પેઢી ખરીદી કરવા આવે છે. આટલો લાંબો સંબંધ હોવાથી અમારા ગ્રાહક પાસેથી અમને દાગીનાના પ્રૂફની પણ જરૂર નથી પડતી. અમે ઑર્નામેન્ટ્સ હાથમાં લઈને જ ઓળખી જઈએ છીએ કે એ દાગીનો અમારો છે કે નહીં. જો દાગીનો અમારો હોય તો અમે પુરાવા વિના જ અદલાબદલી કરી આપીએ છીએ.’

રાજકોટના દાગીનાની એક બીજી એ પણ ખાસિયત છે કે એ જ્યારે રાજકોટમાં બનીને બીજા શહેરમાં વેચાવા જાય છે ત્યારે એના મજૂરીકામમાં ૭૫થી ૨૫૦ ટકાનો વધારો થઈ જાય છે. સાદા શબ્દોમાં સમજાવીએ તો કહી શકાય કે રાજકોટમાં ૧૦ ગ્રામના દાગીના પર ૩૦૦૦ રૂપિયાની મજૂરી લેવામાં આવે તો એ જ દાગીનાની મજૂરી મુંબઈ અને બીજાં શહેરોમાં સાડાપાંચથી આઠ હજાર જેટલી થઈ જાય છે. આટલી મજૂરી ચૂકવ્યા પછી પણ વરાઇટી જોવા મળ્યાનો સંતોષ થતો ન હોવાથી મોટા ભાગના લોકો રાજકોટ આવીને દાગીના ખરીદવાનું પસંદ કરે છે.

ચાંદીનું પણ મહત્વ અદકેરું

મુંબઈવાસીઓ રાજકોટમાંથી ખરીદી કરે છે એની પાછળ માત્ર સોનાના દાગીના જ જવાબદાર નથી, રાજકોટની સોનીબજારમાં બનતા ચાંદીનાં વિવિધ ઑર્નામેન્ટ્સ, ગિફ્ટ આર્ટિકલ અને પ્રેઝન્ટેશન આઇટમ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. બોરીવલીના એક બિલ્ડરે હમણાં તેની દીકરીનાં મૅરેજની યાદગીરી રૂપે જાનમાં આવનારા સૌ મહેમાનોને ગિફ્ટ આપવાની હતી. દિલ્હી અને છેક ચાઇનાથી ગિફ્ટ આર્ટિકલ મગાવ્યા, પણ કોઈ આઇટમમાં રસ પડતો નહોતો. છેવટે તેમને રાજકોટના ચાંદીનાં ગિફ્ટ આર્ટિકલ યાદ આવ્યાં એટલે તે રાજકોટ આવ્યા અને રાજકોટમાં તેમણે લક્ષ્મીજીની તસવીરવાળા સિલ્વર કૉઇન બનાવડાવ્યા, જેમાં બીજી સાઇડ પર પોતાની દીકરીની તસવીર પણ કોતરવામાં આવી હતી. ચાંદીનાં આર્ટિકલ્સના રાજકોટના જાણીતા વેપારી અલંકાર આર્ટિકલ્સના માલિક મનોજ જશાપરાએ કહ્યું કે ‘પ્લાસ્ટિકના ડબ્બા કે શો-પીસની કોઈ વૅલ્યુ હવે રહી નથી. મૅરેજમાં કાકા, મામા, દાદા, ફુવા, ફઈબા, ભાભી, કાકી જેવા રિલેટિવને ગિફ્ટ આપવાની પ્રથા હવે પરંપરાગત બની ગઈ છે. કોઈને આવી ગિફ્ટ આપવી ગમતી નથી. એની સામે ચાંદીની આઇટમ સારી પણ લાગે છે અને સસ્તી પણ પડે છે. રાજકોટની સોનીબજારમાં ચાંદીની આઇટમમાં અઢળક વરાઇટી મળી જાય છે.’

જો જર્મન સિલ્વરની વાત કરીએ તો રાજકોટમાં ૨૦ રૂપિયાથી માંડીને ૫૦૦૦ રૂપિયાની આઇટમ જર્મન-સિલ્વરમાં મળી જાય છે, જ્યારે ચાંદીમાં ૧૦૦ રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની વરાઇટી મળી જાય છે. જૂન મહિનામાં મુંબઈમાં થયેલાં એક મૅરેજમાં પાર્લાના કચ્છી બિલ્ડરે ૧૦,૦૦૦ ચાંદીનાં કિચન પોતાનાં સગાંસંબંધીઓ, પોતાની પાસેથી ફ્લૅટ લેનારા કસ્ટમર્સ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓને ભેટ તરીકે આપ્યાં હતાં. આ કિચન રાજકોટમાં બનાવવામાં આવ્યાં હતાં. નામ મુજબના અંગ્રેજી આલ્ફાબેટનાં એ કિચન ૭૦ રૂપિયાનાં પડ્યાં હતાં. કિચન બનાવનારા સુરેશભાઈ શેઠે કહ્યું કે ‘ચીનમાં જેમ પ્લાસ્ટિકની આઇટમની મજૂરી ઓછી છે એવી રીતે રાજકોટમાં સોના-ચાંદીના કારીગરની મજૂરી સાવ ઓછી છે. મુંબઈમાં આ ભાવમાં સારી કૉફી-શૉપમાં કૉફી નથી મળતી, પણ રાજકોટમાં એ કિંમતમાં આકર્ષક અને યાદગાર બની શકે એવી ચાંદીની ગિફ્ટ મળી જાય છે. આ જ કારણ છે કે મુંબઈવાસીઓ મૅરેજ કે શુભ પ્રસંગે રાજકોટમાંથી ખરીદી કરવાનું રાખે છે’

રાજકોટમાંથી દર વર્ષે ચાંદીનાં ઓછામાં ઓછાં એક લાખ આર્ટિકલ ગિફ્ટ તરીકે વેચાય છે જેમાંથી લગભગ અડધોઅડધ આઇટમ મુંબઈવાસીઓ દ્વારા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ખરીદવામાં આવે છે.

ચણિયાચોળીની ડિમાન્ડ પણ અનોખી

મૅરેજ-સીઝન દરમ્યાન રાજકોટનાં ચણિયાચોળી અને સાડીની પણ જબરદસ્ત ડિમાન્ડ રહે છે. રાજકોટનાં ચણિયાચોળી સસ્તાં, ટકાઉ અને હાથગૂંથણીથી બનાવવામાં આવ્યાં છે એને કારણે એની માગ રહે છે, તો સાડીમાં વરાઇટી હોવાને કારણે સાડીની ડિમાન્ડ રહે છે. રાજકોટના એકમાત્ર એક્સક્લુઝિવ ચણિયાચોળી શો-રૂમ ‘અંબા આશ્રિત’ના માલિક જયેશ શાહે કહ્યું કે ‘ચણિયાચોળી હવે તો દરેક શહેરમાં મળવા લાગ્યાં છે, પણ રાજકોટમાં ચણિયાચોળી બને છે જે એની સૌથી મોટી વિશેષતા છે. રાજકોટમાં અઢીસોથી અઢી લાખ રૂપિયાનાં ચણિયાચોળી બને છે અને મળે છે. મુંબઈવાસીઓને વજનમાં ભારે ન હોય એવાં ચણિયાચોળી વધુ ફાવતાં હોવાથી તેમને માટે ખાસ ડિઝાઇન કરાવી આપવાની સુવિધા રાજકોટના વેપારી આપતા હોવાથી પણ મુંબઈવાળાઓને રાજકોટનાં ચણિયાચોળી ફાવી ગયાં છે.’

મૅરેજ-સીઝન દરમ્યાન રાજકોટમાંથી અંદાજે ૩૦થી ૪૦ લાખ રૂપિયાનાં ચણિયાચોળી મુંબઈવાસીઓ ખરીદે છે. સંગીત-સંધ્યાને કારણે દાંડિયાનું ચલણ થોડું ઓછું થયું છે એટલે ચણિયાચોળીનો વેપાર ઘટ્યો છે, પણ એ ઘટાડો મામૂલી છે એવું પણ વેપારીઓનું કહેવું છે.

સોનીબજાર અને સેલિબ્રિટી

હેમા માલિનીએ વર્ષો પહેલાં જ્યારે ધર્મેન્દ્ર સાથે વિધિવત્ રહેવાનું નક્કી કર્યું ત્યારે હેમા માલિની માટે રાજકોટના એચ. પાટડિયા બ્રધર્સમાં દાગીના બનાવવામાં આવ્યા હતા. આ વાતને લગભગ અઢી દાયકા વીતી ગયા. અઢી દાયકા પછી પણ રાજકોટની સોનીબજાર અને સેલિબ્રિટીનો આ સંબંધ અકબંધ રહ્યો છે, પણ ગયા વર્ષે જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં મૅરેજ થયાં ત્યારે અનુષ્કાના દાગીના રાજકોટમાં બન્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષોક બચ્ચનની વેડિંગ-રિંગ પણ રાજકોટમાં બનાવવામાં આવી હતી. સેલિબ્રિટી માટે ઑર્નામેન્ટ્સ બનાવવામાં એક્સપર્ટ ગણાતા કૃતિ જ્વેલર્સના માલિક પ્રદીપભાઈ કંસારાએ કહ્યું હતું કે ‘સેલિબ્રિટીની ડિમાન્ડ અઘરી હોય છે. તે બેત્રણ અલગ-અલગ જેનરની ડિઝાઇન મિક્સ કરીને ઑર્નામેન્ટ્સ બનાવડાવે છે. આ કામ ઝીણવટભર્યું છે અને રાજકોટના કારીગર એ કામમાં એક્સપર્ટ છે એટલે તેમનાં ઑર્નામેન્ટ્સ રાજકોટમાં બને છે.’

માધુરી દીક્ષિતે મૅરેજ વખતે જે ઑર્નામેન્ટ્સ પહેર્યાં હતાં એ પણ રાજકોટમાં અને કૃતિ જ્વેલર્સમાં ડિઝાઇન થયાં હતાં અને અમિતાભ બચ્ચનની પુત્રવધૂ બનવાનું નક્કી કર્યા બાદ ઐશ્વર્યા રાયે જે દાગીનાની ડિઝાઇન ફાઇનલ કરી એ પણ ગોલેચા જ્વેલર્સ થકી રાજકોટમાં જ બનવા આવી હતી. ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાને પહેલું ઑર્નામેન્ટ જે પહેરાવવામાં આવ્યું હતું એ અંગ્રેજીના ‘એ’ અક્ષરની વીંટી પણ રાજકોટમાં બનાવવામાં આવી છે તો ગ્રેટ ક્રિકેટર સચિન તેન્ડુલકરના ઘરમાં સોનાના સાંઈબાબાની મૂર્તિ છે એ મૂર્તિ પણ રાજકોટમાં અંબર જ્વેલર્સમાં બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : 13 દિવસ પહેલા નોકરી પર રાખેલા બંગાળી કારીગર 16 લાખનું સોનું લઇ ગાયબ

મુંબઈગરાઓની પહેલી પસંદગી

રાજકોટની સોનીબજારમાં ખરીદી કરવા આવતા મુંબઈવાસીઓમાંથી શ્રીમંત પરિવાર મોટા ભાગે ઍન્ટિક કૅટેગરીના દાગીના પસંદ કરે છે, જ્યારે મિડલ ક્લાસ વજનમાં હળવા પણ દેખાવમાં ભારેખમ લાગતા હોય એવા દાગીના પસંદ કરતો હોય છે. રાજકોટની જેપીએસ ગોલ્ડ ગૅલરીનાં સોનલ પાલા કહે છે, ‘ઍન્ટિક સેટ ૧૫૦ ગ્રામથી શરૂ થઈને ૭૫૦ ગ્રામ સોનામાં બનતો હોય છે, જ્યારે લાઇટવેઇટ સેટ ૨૦થી ૩૦ ગ્રામમાં બની જાય છે. રાજકોટની સોનીબજાર એકમાત્ર એવી બજાર છે જ્યાં અઢી તોલા સોનાનો સેટ મળે છે. આ પ્રકારના સેટમાં નફો બહુ ઓછો હોવાથી કોઈ રાખવાનું પસંદ નથી કરતું, પણ રાજકોટની કારીગરી ફેમસ હોવાથી હજી રાજકોટમાં એ પ્રકારના સેટ બનાવવાનું ચલણ ઘટ્યું નથી.’

ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં બનતી પાયલ મુંબઈવાસીઓને સવિશેષ પસંદ છે. કદાચ દેશનું એકમાત્ર શહેર રાજકોટ એવું છે જ્યાં ચાંદીની પાયલમાં અલગ-અલગ ૧૦૦થી ૨૦૦ જેટલી વરાઇટી જોવા મળી જાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK