પ્લૅટફૉર્મ પરના ફૂડ-સ્ટૉલ્સ હટાવી વેસ્ટર્ન રેલવે વધુ જગ્યા કરશે

Published: 29th December, 2014 03:19 IST

સત્તાવાળાઓને લાગે છે કે સ્ટૉલ હટાવવાથી પૅસેન્જરોને ચાલવા માટે સરળતા થશે
ગિરદીને સમયે પ્રવાસીઓ પ્લૅટફૉર્મ પર ઝડપથી ચાલી શકવાની અપેક્ષા રાખે છે. આ બાબત કદાચ ૨૦૧૫માં શક્ય બનશે કારણ કે વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓ પ્લૅટફૉર્મ પર આવેલા કેટલાક સ્ટૉલો હટાવવાનું વિચારી રહ્યા છે, જેથી લોકોને પ્લૅટફૉર્મ પર ચાલવા વધુ જગ્યા મળી શકે.

મુંબઈ ડિવિઝનમાં એટલે કે ગુજરાતમાં સુરત સુધી ૫૪૪ સ્ટૉલો છે, જેમાંના ૨૮૮ ઉપનગરીય સ્ટેશનો (ચર્ચગેટથી દહાણુ) વચ્ચે છે. વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે મુંબઈ ઉપનગરીય સ્ટેશનો પર સ્ટૉલોની કુલ સંખ્યા ઘટાડીને ૧૪૦ની કરવા ધારીએ છીએ. આનો અર્થ એ થયો કે મુંબઈ ઉપનગરીય વિભાગમાં ૧૪૦ સ્ટૉલો તોડી પાડવા જોઈએ, જેથી લોકોને ચાલવાની વધુ જગ્યા મળી શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્ટૉલો તોડી પાડવાથી લોકો સહેલાઈથી સ્ટેશનની બહાર જઈ શકશે.

એક અન્ય વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે પૅસેન્જરોની પ્રાથમિકતા ટ્રેન પકડી સમયસર  તેમના ગંતવ્ય સ્થળે પહોંચવાની હોય છે અને ઓછા સ્ટૉલોથી આ પ્રાથમિકતા પૂરી થઈ શકે છે. જાન્યુઆરી ૨૦૧૫માં રેલવેના સત્તાવાળાઓ આ ફૂડ-સ્ટૉલોનું પુન:નિર્માણ કરી તેમને સુઘડ અને સ્ટાઇલિશ  બનાવવા ટેન્ડરો બહાર પાડશે. જોકે આની વિગતો પર કામ કરવું હજી બાકી છે. જોકે આ પહેલાં હાલમાં અસ્તિત્વ ધરાવતા ફૂડ-સ્ટૉલને તોડી પાડવામાં આવશે.

 પહેલા તબક્કામાં લગભગ ૩૦ સ્ટેશનોએ જૂના સ્ટૉલો તોડી પાડવામાં આવશે. આ સ્ટેશનો નક્કી કરવામાં આવશે. મોટા ભાગના આ ફૂડ-સ્ટૉલો ૪૦ વર્ષ જૂના છે અને રેલવે બોર્ડના તાજેતરમાં આવેલા નિર્દેશ પછી જૂના સ્ટૉલોની જગ્યાએ નવા સ્ટૉલો આવશે. આ માટે ટંૂક સમયમાં ટેન્ડરો બહાર પાડવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ સ્ટૉલો પર પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ભવિષ્યમાં સુધારો કરવા ઇચ્છે છે. જોકે હાલમાં કેટરિંગમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

મુખ્ય સ્ટેશનોએ તમામ ફૂડ-સ્ટૉલ્સ નક્કી કરેલાં સ્થળોએ રાખવામાં આવશે. આ સ્થળો ફૂટઓવર બ્રિજના ૨૦ ફૂટ નજીક અથવા ૨૦ ફૂટ નીચે નહીં હોય.

 હાલમાં આ ફૂડ-સ્ટૉલો પર ટેકઅવે ફૂડ જેવાં કે સમોસાં, ભેળ અને વડાં વેચાય છે. બિસ્કિટો અને ઠંડાં પીણાં પણ ઉત્પાદકોએ નક્કી કરેલા MRP પર મળે છે. ફૂડ-સ્ટૉલો પર મળતા પાણીની ગુણવત્તા વિશે સવાલો કરવામાં આવે છે, પરંતુ દરેક ફૂડ-સ્ટૉલ પર રિવર્સ ઓસ્મોસિસવાળા વૉટર પ્યુરિફાયરો લગાડવામાં આવ્યાં છે. આ સ્ટેશનોએ ચોપડીઓ અને અખબારના સ્ટૉલો પણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK