વેપારીઓને રાહત આપતા કાયદામાં ક્યારે બદલાવ થશે?

Published: 20th September, 2020 10:45 IST | Preeti Khuman Thakur | Mumbai

PDC બાઉન્સ થતાં પૈસા અટવાઈ જતાં અનેક મુશ્કેલીનો સામનો, દેશભરના વેપારીઓના આશરે દોઢ લાખ કરોડ રૂપિયા અટવાયેલા છે

કરન્સી
કરન્સી

મોદી સરકાર દ્વારા છેલ્લાં છ વર્ષમાં બ્રિટિશરાજના અને કૉન્ગ્રેસરાજના અનેક કાયદાઓને નાબૂદ કરાયા છે અને અમુક કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરીને અસરકારક બનાવ્યા છે. આ સુધારાના કારણે ભારતનો હકારાત્મક દિશામાં વિકાસ થઈ રહ્યો છે. જોકે હવે વેપારીઓને પણ રાહત મળે એવા કાયદાઓમાં સુધાર લાવવાની માગણી વેપારીગણ દ્વારા કરાઈ છે. આ સંદર્ભે વેપારીગણ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને કાયદામાં સુધાર કરાશે એની રાહ વેપારીગણ દ્વારા કરવામાં આવી રહી છે.

આ વિશે માહિતી આપતાં ફામના પ્રેસિડન્ટ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે વેપારીઓ ભારે આર્થિક અડચણ અનુભવી રહ્યા છે. મૂડી હાથમાં ન હોવાથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલીઓ પણ આવી રહી છે. વેપારીઓ ઓછા માર્જિને ઉધારનો જ ધંધો કરે છે. વ્યાપારમાં અમુક વખતે PDC (પોસ્ટ ડેટેડ ચેક) લઈને પણ માલનું ધિરાણ કરવામાં આવે છે. વેપારીઓ PDCની સામે માલ લઈ જાય છે. વર્ષો જૂની કંપનીઓ હોય એટલે વિશ્વાસ પર, નવી કંપનીઓ હોય તો પહેલાંના અમુક ટ્રાન્ઝેક્શન વ્યવસ્થિત કરીને વિશ્વાસ જીતી લે અને પછી ક્યારેક માલના રૂપિયા આપવામાં ગલ્લાંતલ્લાં કરવા માંડે છે. છેવટે નાછુટકે વેપારી પાસે રહેલા PDC બૅન્કમાં જમા કરાવીએ તો ગ્રાહકના બૅન્કના ખાતામાં રકમ ન હોવાથી એ બાઉન્સ થાય છે, જેથી માલ આપનાર વેપારી આર્થિક રીતે તૂટી જાય છે અને કોર્ટના ધક્કા ખાવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચેક બાઉન્સ થવાને કારણે વકીલ રાખીને કોર્ટમાં ૧૩૮ કલમ હેઠળ કેસ દાખલ કરીએ છીએ. જોકે કેસનો નિકાલ આવતાં લગભગ બેથી પાંચ વર્ષ સહેજે નીકળી જતાં હોય છે. વકીલને તો વર મરો, કન્યા મરો પણ અમારું તરભાણું ભરો એવું વલણ હોય છે, પરંતુ વેપારીઓનો અમૂલ્ય સમય અને ધંધો બન્ને ગુમાવીએ છીએ.’

વેપારીઓની મોટા પાયે મૂડી અટવાયેલી છે, એમ જણાવતાં વિનેશ મહેતાએ જણાવ્યું કે ‘ભારતભરમાં આશરે ૧૫થી ૨૦,૦૦૦ કેસ ૧૩૮ કલમ હેઠળ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં માર્કેટના વેપારીઓના આશરે લાખથી દોઢ લાખ કરોડ રૂપિયા જેટલા ફસાયેલા છે. અનેક વખત તો ઉધાર આપનાર વેપારી ઊઠી પણ જતા હોય છે. એથી સરકારે કેસોના તાત્કાલિક નિકાલ માટે એક કડક વ્યવસ્થા બનાવવી જોઈએ. કલમ ૧૩૮ના કેસો કોર્ટમાં આવે તો એનો વધુમાં વધુ છ મહિનાની અંદર જ નિકાલ આવવો જોઈએ. તારીખ પર તારીખની પ્રથાને તિલાંજલિ આપો અને દોષીને કડકમાં કડક સજા કરો જેથી બીજા લેભાગુ ગ્રાહકો અમને છેતરતા સો વાર વિચાર કરે અને અમે નિશ્ચિત થઈ વેપાર કરી શકીએ. ચેક બાઉન્સ કરનારના પાસપોર્ટ પર પ્રતિબંધ, વોટિંગ રાઇટ છીનવી લેવો જેવા મિડલ ઈસ્ટ કન્ટ્રી જેવા કાયદા લાગુ કરવા જોઈએ. લોખંડ બજારમાં મારા જ ૧.૨૦ કરોડ રૂપિયા છેલ્લાં ૩ વર્ષથી અટવાયેલા છે. કેસ ચાલુ છે, પરંતુ કોઈ જ રિસ્પૉન્સ મળી રહ્યો નથી. જેન્યુઅન કેસ હોય તો સમજીએ, પરંતુ જા‌ણી જોઈને થતા કેસને કારણે પૈસાનું રોટેશનથી લઈને વેપારની આખી ચેઇન તૂટી જાય છે. એથી સરકારને અનુરોધ છે કે કાયદામાં જલદી સુધારો લાવે.’

વડા પ્રધાનને પત્ર લખનાર લોખંડ બજારના અગ્રણી વેપારી ભરત કાણકિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે મેં વડા પ્રધાનને કલમ ૧૩૯ના કેસને લગતા કાયદાઓમાં સુધાર લાવવા માગણી કરતો પત્ર લખ્યો છે. મારા પોતાના એક પાર્ટી પાસેથી ૫૬ લાખ રૂપિયા બાકી છે. એમ કુલ મારા ૮૨ લાખ રૂપિયા માર્કેટમાં અટવાયેલા છે. કાયદામાં બદલાવ સિવાય કેસ જલદી ઉકેલાશે નહીં અને વેપારીઓની મુશ્કેલી દૂર થશે નહીં. હાલની આર્થિક પરિસ્થિતિમાં વેપારીઓની અટવાયેલી મૂડી કામ આવી શકે એમ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK