શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરી કરવાના સૌથી વધુ કિસ્સા વેસ્ટર્ન સબર્બ્સમાં પકડાયા

Published: 1st December, 2014 06:01 IST

મુંબઈમાં અન્ડરવર્લ્ડ અને ગુનેગારી તેમ જ શસ્ત્રોની હેરાફેરી ડામી દેવા માટે મુંબઈ પોલીસે કમર કસી છે. શોધખોળની કાર્યવાહીમાં પોલીસે પિસ્તોલ અને રિવૉલ્વર જેવાં ૨૫૭ ફાયર-આર્મ્સ અને ૭૧૫ જીવંત કારતૂસો જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમ્યાન બાંદરાથી દહિસર સુધીનાં પશ્ચિમી ઉપનગરોમાં શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરી, તસ્કરી અને ખરીદી-વેચાણ ચાલતાં હોવાનું નોંધાયું છે.


જપ્ત કરાયેલાં ૨૫૭ શસ્ત્રોમાંથી ૨૧૪ દેશી બનાવટનાં છે. એમાં ૧૨૩ રિવૉલ્વરો અને ૯૧ પિસ્તોલો છે. આ બાબતે ૨૧૨ ગુના આ વર્ષ દરમ્યાન નોંધાયા હતા અને ૨૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમનાં પરાંમાં સૌથી વધારે પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરીને શસ્ત્રો બાબતે ૭૦ ગુના નોંધાયા હતા અને ૮૪ જણની ધરપકડ કરીને ૬૪ શસ્ત્રો હસ્તગત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યવાહીમાં વિશેષ એવું જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગ કે દિલ્હી જેવાં અન્ય રાજ્યોમાંથી શસ્ત્રો આવવા ઉપરાંત દેશી હથિયારોના નિષ્ણાતો પણ આવે છે. હથિયારમાં જોઈએ એવા ફેરફારો કરી આપનારા કારીગરો પણ મળે છે. આ બાબતે ફિલ્મસર્જક મહેશ ભટ્ટની હત્યાની તૈયારી કરવા બદલ ૧૪ ગુંડા અને શસ્ત્રોનો મોટો જથ્થો પકડ્યા પછી તપાસમાં બે મોટા ગંભીર ગુનાના સગડ મળ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK