Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાશે

મુંબઈ: ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાશે

23 February, 2019 08:52 AM IST |
જયેશ શાહ

મુંબઈ: ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાશે

પ્રવીણ છેડા, પ્રકાશ મહેતા અને કિરીટ સોમૈયા

પ્રવીણ છેડા, પ્રકાશ મહેતા અને કિરીટ સોમૈયા


આગામી લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગવાની તૈયારીમાં છે ત્યારે મુંબઈ શહેરની ગુજરાતી મતદારોની બહુમતીવાળી મુંબઈ નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટ પર ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાવાની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. આ લોકસભા વિસ્તારમાં કૉંગ્રેસનો એકમાત્ર ચહેરો પ્રવીણ છેડા રાજકીય સમીકરણો જોતાં BJPમાં પ્રવેશતાની સાથે લોકસભાની આ સીટ પર દાવેદારી નોંધાવવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે, જયારે હાલના સંસદસભ્ય કિરીટ સૌમેયા અને BJPના કદાવર ગુજરાતી વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા પણ ગુજરાતી હોવાના નાતે BJPમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે નામ ચર્ચાઈ રહ્યું છે. આ જોતાં આગામી દિવસોમાં BJPની અંદર જ આ બેઠક પર ત્રણ ગુજરાતી નેતાઓ વચ્ચે જંગ ખેલાય એવી પૂરી સંભાવના છે.

ત્રણેય ગુજરાતી રાજનેતાઓ સાથે સીધી વાત



BJP તરફથી ઑફર મળશે તો ચોક્કસ વિચારીશ : પ્રવીણ છેડા


આગામી લોકસભાની ચૂંટણીજંગ વિશે પોતાનો મત પ્રગટ કરતાં પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવનારા સમયની હું રાહ જોઈ રહ્યો છું. અમારા પક્ષનું કયા પક્ષ સાથે જોડાણ થાય અને કયા પક્ષના ફાળે મુંબઈની નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટ ફાળવવામાં આવે એની રાહ જોવી રહી, પરંતુ જો મને BJPમાં લોકસભાના ઉમેદવારની તકની કોઈ ઑફર મળે તો હું એ વિશે વિચાર ચોક્કસ કરીશ.

પક્ષ જેને ટિકિટ આપશે તેને જિતાડવાની અમારી જવાબદારી : પ્રકાશ મહેતા


લોકસભાની ટિકિટ વિશેનો જવાબ આપતાં પ્રકાશ મહેતાએ કહ્યું હતું કે ‘BJP એક શિસ્તબદ્ધ કાર્યકરોની પાર્ટી છે. લોકસભાના ઉમેદવાર તરીકે મારે દાવેદારી રજૂ કરવાની હોય નહીં, પણ પક્ષ જેને પણ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરશે તેને મારી સહિતના આગેવાનોની જિતાડવાની જવાબદારી છે.

માર્ચના બીજા સપ્તાહમાં મારો મત પ્રગટ કરીશ : કિરીટ સોમૈયા

૩૦ વર્ષથી વધુ રાજકીય અનુભવ ધરાવતા અને એક વખત વિધાનસભ્ય અને છેલ્લી બે ટર્મથી વિજેતા હાલના સાંસદ કિરીટ સૌમૈયાએ આગામી લોકસભાની ચૂ઼ંટણીમાં તેમની દાવેદારી વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે હું આ વિશે કંઈ જણાવીશ નહીં. માર્ચના બીજા સપ્તાહ પછી હું મારો મત પ્રગટ કરીશ.’

ઉલ્લેખનીય છે કે અખબારી અહેવાલો અને રાજકીય નિષ્ણાતોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર શિવસેનાએ હાલના સાંસદ કિરીટ સૌમેયાની ઉમેદવારી સામે વિરોધ પ્રગટ કર્યો છે. એ સંજોગોમાં યુતિમાંથી BJPમાંથી કોઈ પણ ગુજરાતી મતદારોનું પ્રભુત્વ ધરાવતી મુંબઈની નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટ પર એક કરતાં વધુ ગુજરાતી ઉમેદવાર તરીકે આગામી સમયમાં એક કરતાં વધુ દાવેદારી જોવા મળશે.

આ પણ વાંચો : મુંબઈ: ફિલ્મોને પાઇરસીથી બચાવે છે SSC ડ્રૉપઆઉટ આ ગુજરાતી

મુંબઈની નૉર્થ-ઈસ્ટ લોકસભાનું ગણિત

મુંબઈની નૉર્થ-ઈસ્ટ લોકસભા-સીટમાં છ વિધાનસભા વિસ્તાર આવે છે જેમાં મુલુંડ, ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટ, ભાંડુપ ઈસ્ટ-વેસ્ટ અને ટ્રોમ્બે છે. હાલમાં BJP પાસે ત્રણ, શિવસેના પાસે બે અને સમાજવાદી પક્ષનો એક વિધાનસભ્ય છે, જયારે કૉંગ્રેસ- NCPનો એક પણ વિધાનસભ્ય નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં હાલમાં BJP અને શિવસેના વચ્ચે જોડાણ થઈ ચૂક્યું છે, જ્યારે કૉંગ્રેસ-NCP વચ્ચે સત્તાવાર જોડાણની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ સંજોગોમાં જો કૉંગ્રેસ-NCPના જોડાણ બાદ આ લોકસભા સીટ પર NCPની દાવેદારીની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. ગયા લોકસભા ઇલેક્શનમાં પણ NCPનો ઉમેદવાર સંજય પાટીલ હતો અને યુતિનો ઉમેદવાર કિરીટ સૌમેયા હતો એટલે કે શિવસેનાએ આ સીટ પર દાવેદારી કરી નહોતી. આ સંજોગોમાં કૉંગ્રેસ અને શિવસેનાની આ પરંપરાગત સીટ નથી. આ લોકસભા વિસ્તારમાં ગુજરાતી મતદારોની સંખ્યા વધુ હોવાથી રાજકીય વિfલેષકોના ગણિત મુજબ મુલુંડ, ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટના મતદારોનો જોક જે પક્ષ તરફ રહે તે આ લોકસભાના જંગમાં જીતની શક્યતા વધુ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 08:52 AM IST | | જયેશ શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK