કોરોના સામેની લડતમાં મુંબઈ મહાનગર કરતાં ગામો વધુ સાવચેત

Published: Mar 28, 2020, 11:05 IST | Prakash Bambhrolia | Mumbai

ગુજરાતના અમરેલી જિલ્લામાં બહારથી આવેલા દેશી-વિદેશી ૪૧ હજાર લોકોનું સ્ક્રીનિંગ કરીને દિવસ-રાત ચેકિંગ : જિલ્લાનાં ૧૩ ચેકપોસ્ટ પર વાહનો-પરિવારોની નોંધ કરીને ગામોમાં માહિતી પહોંચાડીને અવરજવર પર ચાંપતો બંદોબસ્ત

લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામમાં મુંબઈથી ગયેલા પરિવારના ઘરની બહાર અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાનું સ્ટિકર.
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામમાં મુંબઈથી ગયેલા પરિવારના ઘરની બહાર અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાનું સ્ટિકર.

ગુજરાતના અમરેલી જિલ્લામાં બહારથી આવેલા દેશી-વિદેશી ૪૧ હજાર લોકોનું સ્ક્રીનિંગ કરીને દિવસ-રાત ચેકિંગ : જિલ્લાનાં ૧૩ ચેકપોસ્ટ પર વાહનો-પરિવારોની નોંધ કરીને ગામોમાં માહિતી પહોંચાડીને અવરજવર પર ચાંપતો બંદોબસ્ત : ક્વૉરન્ટીનમાંથી ભાગેલાઓને જિલ્લાના મુખ્ય કેન્દ્રમાં કેદ કરાયા : માઇક્રો પ્લાનિંગથી હજી સુધી એક પણ કેસ નથી નોંધાયો : મુંબઈ-સુરતથી આવનારાથી વધારે જોખમ હોવાથી જડબેસલાક વ્યવસ્થા કરાઈ

દુનિયા આખીમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાનો મુકાબલો કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દ્વારા દિવસમાં બેથી ત્રણ વખત લોકોને ઘરોની બહાર ન નીકળીને સાવચેત રહેવાનું આહ્વાન કરાતું હોવા છતાં શહેર અને આસપાસમાં અનેક જગ્યાએ લોકો ફરતા રહીને પોતાની સાથે બીજાઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મહાનગરની આ સ્થિતિ સામે ગામડાંમાં ખૂબ સાવચેતી રખાઈ રહી છે. એમાં પણ અમરેલી જિલ્લામાં માઇક્રો પ્લાનિંગ કરીને બહારથી પ્રવેશતા લોકોનું સ્ક્રીનિંગ કરવાની સાથે તેઓ જે ગામના હોય ત્યાં પહોંચ્યા બાદ તેમની અવરજવર પર દિવસમાં બે વખત ચેકિંગ કરીને ચાંપતી નજર રખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લાના હજારો પરિવારો અમદાવાદ, સુરત, વડોદરા કે મુંબઈ સહિતનાં શહેરોમાં રોજીરોટી માટે સ્થાયી થયા છે. કોરોના વાઇરસને લીધે દેશભરમાં ૨૧ દિવસનું લૉકડાઉન કરવામાં આવતાં મોટી સંખ્યામાં આ પરિવારો વતન તરફ હિજરત કરી રહ્યા છે. અમદાવાદ, સુરત અને મુંબઈથી પોતાના ગામ તરફ જતા લોકોને જિલ્લાની સીમા પર સ્ક્રીનિંગ કરીને જ ગામમાં પ્રવેશવા દેવાય છે. મોટા ભાગના જિલ્લામાં સીમા પર ચેકિંગ કરીને લોકોને જવા દેવાયા બાદ તેઓ ગામમાં છે કે નહીં, બીજે ક્યાંય જતા નથીને એની ખાસ દરકાર નથી રખાતી પરંતુ અમરેલી જિલ્લામાં કલેક્ટર આયુષ રાય, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નિર્લિપ રાય અને આરોગ્યની ટીમ દ્વારા દેશ-વિદેશથી આવતા તમામ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવે છે.

મુંબઈમાં બોરીવલીમાં રહેતા બકુલ સરધારા તેમના પરિવાર સાથે ૨૨ માર્ચે તેમના જિલ્લામાં લાઠી તાલુકામાં આવેલા સરકારી પીપળવા ગામ ખાતેના વતન પહોંચ્યા હતા. ત્યાંની વ્યવસ્થા વિશે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૨ માર્ચની રાત્રે અમરેલી જિલ્લાની સીમામાં કારમાં પહોંચ્યા હતા ત્યારે ચેકપોસ્ટ પર તમામ માહિતી લેવામાં આવી હતી. કારનો નંબર, ગામનું પાકુ સરનામું, મોબાઇલ નંબર નોંધીને જ અમને આગળ જવા દેવાયા હતા. બીજા દિવસે સવારે ડૉક્ટરની એક ટીમ અમારા ઘરે આવી હતી. તેમની પાસે અમારી સીમા પર લેવાયેલી બધી વિગતો હતો. તેમણે અમારી તબિયત ચકાસવાની સાથે કારનાં કિલોમીટર નોંધ્યાં હતાં. અમારા ઘરના દરવાજે ‘સાવધાન! ક્વૉરન્ટીન વિસ્તાર’નું સ્ટિકર લગાવીને અમને ૪ એપ્રિલ સુધી બહાર ન નીકળવાનું કહેવાયું હતું. અમને એમ હતું કે એકાદ વાર ચેકિંગ થશે, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ દિવસમાં બે વખત અમારા ઘરે આવીને તબિયત ચકાસવાની સાથે કારનાં કિલોમીટર ચેક કરીને નોંધે છે. આટલી ચુસ્ત ચકાસણી તો મુંબઈમાં પણ નથી. આથી અમને આનંદ છે સામાન્ય લોકો માટે જિલ્લા પ્રશાસન આટલું સક્રિય છે.’

અવિરત હિજરત ચાલુ

અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈ રહેતા અમરેલી જિલ્લાના પરિવારોની અવિરત હિજરત ચાલુ છે. લૉકડાઉન કર્યા બાદથી ૨૫ માર્ચે ૫૩૪૮ પરિવાર, ૨૬ માર્ચે ૯૫૪૯ પરિવાર અને ૨૭ માર્ચે બપોર સુધી ૨૫૬૨ પરિવાર કાર, મોટરસાઇકલ કે જે વાહન મળે એમાં પોતાનાં ગામોમાં પહોંચ્યા હતા. જોકે જિલ્લાની સીમા સીલ કરવાનો આદેશ આપતાં હવે હિજરત ઓછી થવાની શક્યતા છે.

તાવ-શરદીના દરદીઓની તપાસ

અમરેલી જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર હિંમતલાલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્વૉરન્ટીન કે સામાન્ય ગામવાસીને શરદી થઈ હોય કે તાવ આવ્યાની જાણ થતાં અમે એમબીબીએસ ડૉક્ટર દ્વારા તેમની દરરોજ તપાસ કરીને દવાઓ આપીએ છીએ. વિદેશથી આવેલા ૧૮૫ લોકોને ક્વૉરન્ટીન કરીને રખાયા હતા, જેમાંથી ૭૯ લોકોનો ૧૪ દિવસનો સમય પૂરો થવાથી જવા દેવાયા છે. કલેક્ટરસાહેબ અને પોલીસના સહિયારા પ્રયાસથી અત્યાર સુધી અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ દરદી નોંધાયો નથી. અમને સૌથી વધારે ડર મુંબઈ અને સુરતથી આવેલા લોકોનો હોવાથી તેમની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરાઈ રહી છે. અમે જરા પણ ચાન્સ લેવા નથી માગતા એટલે ક્વૉરન્ટીનથી ભાગેલા ૮ દરદીને પકડીને તેમને અમરેલીમાં ઊભા કરાયેલા કેન્દ્રમાં તબીબો અને પોલીસની કેદમાં રખાયા છે.’

૧૩ ચેકપોસ્ટ પર ૨૪ કલાક ચુસ્ત બંદોબસ્ત

અમરેલી જિલ્લો ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાથી ઘેરાયેલો છે. આ જિલ્લામાં પ્રવેશવા માટે સ્ટેટ હાઇવે પર ૧૩ ચેકપોસ્ટ ઊભાં કરાયાં છે. જિલ્લામાં પ્રવેશતા પ્રત્યેક વાહન, એમાં બેસેલા લોકોની એન્ટ્રી કરીને જ ગામમાં જવા દેવાય છે. પ્રશાસને આપેલા આંકડા મુજબ ગઈ કાલ સુધી આ ચેકપોસ્ટ પર ૪૦ હજાર દેશ-વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

૧૭૦૦ ટીમ ગામેગામ ફરી વળે છે

ગામોમાં ક્વૉરન્ટીન કરાયેલા લોકોની ચેકપોસ્ટ પર કરાયેલી નોંધની માહિતી ગામના સરપંચ-તલાટીને પહોંચાડાય છે જેઓ આરોગ્ય વિભાગના ડૉક્ટર અને આશા તથા આંગણવાડીના કાર્યકર સાથે દરેક ઘરમાં જઈને લોકોની દિવસમાં બે વખત ચકાસણી કરે છે. પ્રત્યેક બે વ્યક્તિની આવી ૧૭૦૦ ટીમ કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK