જૈનોની જીત: આયંબિલ શાળામાં તપસ્વીઓને ભોજન કરાવવાની શરતી છૂટ આપી

Published: 22nd October, 2020 07:16 IST | Bakulesh Trivedi | Mumbai

બૉમ્બે હાઈ કોર્ટે ૧૦૦૦ સ્ક્વેર ફુટની આયંબિલ શાળામાં સવારે ૧૦થી બપોરે ૩ સુધી દર કલાકમાં ૪૦ જણને ભોજન કરાવવાની છૂટ આપી

આયંબિલ શાળા
આયંબિલ શાળા

જો ૨૦૦ સ્ક્વેર ફુટની હોટેલને મિશન બિગિન અગેઇન હેઠળ ખોલવાની પરવાનગી મળતી હોય તો એનાથી અનેકગણી મોટી અમારી આયંબિલ શાળાને પણ ખોલવાની પરવાનગી આપો એવી રજૂઆત આત્મવલ્લભ લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ટ્રસ્ટ - દાદર દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને કરાઈ હતી. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ વી. જી. બિશ્તની બેન્ચે એના પર ચુકાદો આપતાં હાલ નવકારની ઓળી (નવપદની ઓળી) માટે ૨૩ ઑક્ટોબરથી ૩૧ ઑક્ટોબર સુધી આયંબિલ શાળામાં તપસ્વીઓને ભોજન કરાવવાની શરતી છૂટ આપી છે. એ સાથે જ જે રીતે હોટેલ, રેસ્ટોરાં અને બાર માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) ફૉલો કરવાની હોય છે એ જ એસઓપી આયંબિલ શાળા માટે પણ લાગુ પડશે. હાઈ કોર્ટના આ આદેશને જૈન સમાજે ઉમળકાભેર વધાવી લીધો છે.

આત્મવલ્લભ લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ટ્રસ્ટ-દાદરના ટ્રસ્ટી અને બૉમ્બે હાઈ કોર્ટમાં ઍડ્વોકેટ દીકરી ગુંજન સંઘરાજકા અને દીકરા કેવલ શાહ સાથે અરજી કરી લડત આપનાર ઍડ્વોકેટ પ્રફુલ્લ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‍અમે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી રજૂઆત કરતાં કહ્યું હતું કે ૨૦૦ ફુટની હોટેલ, રેસ્ટોરાં અને બારને પરવાનગી અપાઈ છે પણ અમારી આયંબિલ શાળા તો એનાથી અનેકગણી મોટી ૧૦૦૦, ૩૦૦૦, ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટની હોય છે અને અમે જે ફૂડ સર્વ કરીએ છીએ એ ઑસ્પિશિયસ ફૂડ હોય છે. તો અમને એ માટે પરવાનગી આપો. કોર્ટે અમારી રજૂઆતને યોગ્ય ઠેરવી હાલ ૨૩ ઑક્ટોબરથી ૩૧ ઑક્ટોબર (નવ દિવસ) સુધી પરવાનગી આપી છે. જોકે સાથે કેટલીક શરતો પણ છે, જેમ કે સવારના ૧૦થી બપોરના ૩ વાગ્યા સુધી ૧૦૦૦ સ્ક્વેર ફુટ એરિયામાં દર કલાકે ૪૦ જણને ભોજન કરાવી શકાશે. એ પછી ૩થી ૪ દરમિયાન સફાઈ કરવાની રહેશે. પીરસનાર વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવા પડશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે. એ સિવાય હોટેલ, રેસ્ટોરાં માટે જે એસઓપી છે એ પાળવી પડશે. હાલના તબક્કે આ નવ દિવસની પરવાનગી છે.’

સંઘોનું શું કહેવું છે?

પાયધુનીના આદીશ્વરજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ટ્રસ્ટના ટ્રસ્ટી ફૂટરમલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ વાત મળી છે, પણ કોર્ટના ઑર્ડરની કૉપી આવવી જરૂરી છે. બીજું, અમે આ બાબતે અમારા સ્થાનિક પાયધુની પોલીસને પણ મળી તેમની સલાહ લઈશું. હાલ પણ આયંબિલ ચાલુ જ છે અને એ માટે ટિફિન આપીએ જ છીએ, કારણ કે મૂળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો સવાલ છે. જો પોલીસ કહેશે તો જરૂરી વ્યવસ્થા કરી તપસ્વીઓને બેસાડીને આયંબિલ કરાવવાની ગોઠવણ કરીશું.’

તળ મુંબઈના બાબુ અમીચંદ પાનાલાલ આદીશ્વર જૈન મંદિરમાં પણ ટિફિન વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.

ઘાટકોપરના હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘના સંચાલક હરેશ અવલાણીએ કહ્યું હતું કે ‘ચાતુર્માસ અર્થે બિરાજમાન પ.પૂ. જશુબાઈ મહાસતીજીની આયંબિલ શાળામાં લોકોને ભેગા કરવાની ઇચ્છા નથી એથી અમે આયંબિલ અર્થે જે ટિફિન વ્યવસ્થા રાખી છે એ જ ચાલુ રાખીશું.’

બોરીવલી સત્તાવીસ સંઘ વતી તેમના કો-ઑર્ડિનેટર પરેશ હર્ષદ શાહે કહ્યું હતું કે ‘સર્વત્ર સંઘમાં આનંદનો માહોલ છે. ધર્મનો જયજયકાર થયો છે. બોરીવલીના બધા જ સંઘોએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. દરેક સંઘ હવે એની અનુકૂળતા મુજબ તેમની કમિટી અને જે રીતે વ્યવસ્થા સચવાશે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવીને આયંબિલની ઓળી શરૂ કરશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK