શેઠ મોતીશાહના સમયનું આજથી બે સૈકા પહેલાંનું મુંબઈ

Published: 15th March, 2020 17:18 IST | Chimanlal Kaladhar | Mumbai Desk

જૈન દર્શન : શેઠ મોતીશાહ ટૂંકના નામથી સુપ્રસિદ્ધ થયેલી આ ટૂંકની શાનદાર પ્રતિષ્ઠા નજરે નિહાળવા તેઓ સ્વયં હયાત રહ્યા નહોતા. તેમના સુપુત્ર ખીમચંદભાઈએ પિતા મોતીશાહના અવસાન પછી બે વર્ષે આ ટૂંકની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી કરાવી હતી.

આજથી બે સૈકા પહેલાં થયેલા જૈન સમાજના કોહિનૂર, મુંબઈના બેતાજ બાદશાહ શેઠ મોતીશાહના યશસ્વી જીવન અને કાર્યોની યશોગાથા આજે પણ લોકોના કર્ણપટ પર સતત ગુંજતી રહી છે. ગુજરાતના ખંભાતના વતની અને મુંબઈમાં રહીને આ જૈન શ્રેષ્ઠીએ સેવા અને ભક્તિની અપ્રતિમ જ્યોત પ્રગટાવી હતી. શેઠ મોતીશાહે મુંબઈના ભાયખલામાં શત્રુંજય તીર્થ સ્વરૂપ શ્રી આદિશ્વર ભગવાનનું બેનમૂન ભવ્યાતિભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એ ઉપરાંત મુંબઈના પાયધુની પરિસરમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ દેરાસર, ભીંડીબજારના નાકે આવેલ શ્રી શાંતિનાથ જિનાલય, કોટના બોરાબજારમાં આવેલ શ્રી શાંતિનાથ દેરાસર અને વિરાર પાસે આવેલ શ્રી અગાશી તીર્થ મંદિરના નિર્માણકાર્યમાં પૂરો સહયોગ આપ્યો હતો. ગુજરાતના સોજિત્રા અને ખંભાતમાં પણ તેમણે વિશાળ જિનમંદિરો નિર્માણ કરાવ્યાં હતાં. તેમના જીવનમાં સૌથી શિરમોરસમું કાર્ય હતું જૈનોના શાશ્વતા મહાન તીર્થ શ્રી શંત્રુજય ગિરિરાજ પર એક વિશાળ અને ભવ્ય ટૂંકનું નિર્માણ. શેઠ મોતીશાહ ટૂંકના નામથી સુપ્રસિદ્ધ થયેલી આ ટૂંકની શાનદાર પ્રતિષ્ઠા નજરે નિહાળવા તેઓ સ્વયં હયાત રહ્યા નહોતા. તેમના સુપુત્ર ખીમચંદભાઈએ પિતા મોતીશાહના અવસાન પછી બે વર્ષે આ ટૂંકની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી કરાવી હતી. શેઠ મોતીશાહની પ્રભુભક્તિ સાથે જીવદયાનો પ્રેમ અદ્ભુત હતો. તેમણે મુંબઈમાં મુંગા, અબોલ પશુઓ માટે એક વિશાળ પાંજરાપો‍ળની સ્થાપના કરાવી હતી.
જૈન સમાજના મહાન સાહિત્યકાર શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ આજથી છ દાયકા પહેલાં ‘શેઠ મોતીશાહ’ નામનો એક દળદાર ગ્રંથ પ્રગટ કર્યો હતો. તેમાં મોતીશાહ શેઠના જીવન-કવન સહ તેમની ધર્મપ્રિયતા, સેવાપરાયણતા, ઉદારતા, નિખાલસતા, પ્રામાણિકતા અને જૈનશાસન પ્રત્યેના અવિડહ પ્રેમનું સુભગ દર્શન જોવા મળે છે. અહીં મોતીશાહ શેઠના જીવનકવન પર લખવાનો અમારો હાલ કોઈ ઉપક્રમ નથી, પરંતુ મોતીચંદભાઈએ લખેલ આ મહાગ્રંથના આધારે આજથી ૨૦૦ વર્ષ પહેલાં વિકસતા મુંબઈનું અને એ સમયના મુંબઈના સમાજજીવનની કેટલીક રસપ્રદ વાતો આપવાનો અમારો ઉદ્દેશ છે. મોતીચંદભાઈ ‘શેઠ મોતીશાહ’ ગ્રંથમાં લખે છે કે એ વખતે મુંબઈ અલબેલી નગરી તરીકે ઓળખાતી હતી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ માટે આ પંક્તિઓ ખૂબ જ પ્રચલિત હતી.
મુંબઇની રાણી, સઉ પટલાણી,
બેડલે ન લાવે પાણી રે;
કાવડિયા પાણી ભરી લાવે,
પીએ શેઠ-શેઠાણી રે... મુંબઈ અલબેલી
મુંબઈ એ સમયે હજુ વિકાસ પામતું નગર હતું. દેશમાં જેને નોકરી-ધંધો ન હોય તેવા સાહસિકો મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવવા લાગ્યા હતા. એ જમાનામાં મુંબઈ આવવા માત્ર જળ‍માર્ગ જ હતો. બીજા કોઈ માર્ગ કે સુવિધાઓ હજુ શોધાયા પણ ન હતા. મુંબઈમાં એ સમયે પાણીના ન‍ળ ન હતા. પાણી માટે ઠેર-ઠેર કૂવાઓ હતા. તેમાંથી લોકો પાણી ભરતા. પૈસાદાર લોકોને કાપડિયા પાણી પહોંચાડતા. મુંબઈમાં એ વખતે ટ્રામવે, બસ, મોટરગાડી કે બાઇસિક્લ સુધ્ધાં ન હતી. ચાલવાની તકલીફવાળા માટે રેંકડા, ભાર વહન કરવા ખટારા અને મોટા ધનવાન માણસો માટે બળદગાડી અને ઘોડાગાડી જેવાં સાધનો હતાં. બાંદરાથી મુંબઈ આવવા નીકળેલ માણસ છેક સાંજના મુંબઈ પહોંચી શકતો. મુંબઈના રસ્તા, નાના, ધૂળવાળા, ભાંગેલા-તૂટેલા હતા. પાકી સડકોની તો એ સમયે કલ્પના પણ ન હતી.
મુંબઈ એ વખતે માછીમારો અને ભંડારીઓને રહેવાનું માત્ર એક નાનકડું ગામ જ હતું. મુંબઈમાં મમ્માદેવી માતાનું પ્રાચીન મંદિર ઘણાં વર્ષોથી હતું. આ મમ્માદેવી માતાના નામ પરથી જ મુંબઈ નામ પડ્યું હોવાનું કહેવાય છે. એ વખતે અંગ્રેજ સરકારની હકુમત હેઠળ મુંબઈ બંદર હતું. અંગ્રેજ સરકારે એ વખતે મુંબઈની ગોદીનું કામ વિકસાવ્યું હતું. એ માટે તેમણે ‘બૉમ્બે કૅસલ’ કિલ્લો બંધાવ્યો હતો. એ પછી માહિમ, વરલી અને મઝગાવના કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા. મુંબઈના રક્ષણ માટે કોટ અને અન્ય સ્થળોના કિલ્લા પર તોપો મૂકવામાં આવી હતી. મુંબઈ એ વખતે એક માઇલની લંબાઈનું હતું. તેમાં બાંધેલાં ઘરો ઘણાં નીચાં હતાં. છાપરાઓ પર નળિયાના સ્થાને મોટા ભાગે જાવલી ગોઠવાતી. પરેલ, માહિમ, શિવ અને મુંબઈ વચ્ચે એક મોટી ખાડી હતી. ઇ. સ. ૧૬૯૮માં એક પ્રવાસીએ મુંબઈના લખેલ વર્ણનમાં મુંબઈની એ સમયની વસતી માત્ર ૬૦,૦૦૦ની હતી. લોકો દૂર દૂરથી આવે ત્યારે પગ કાદવથી ખરડાઈ જતા, પાયધુની આગ‍ળ દરિયો હતો. આ દરિયાના તટે તેઓ પોતાના પગ ધોઈને કામ પર જતા. વાલકેશ્વર, ખંભાલા હીલ પર એ વખતે ગાઢ જંગલો હતાં. તેમાં વાઘ, દીપડા, રીંછ, વરુ જેવાં હિંસક પ્રાણીઓનો વસવાટ હતો.
મુંબઈમાં એ સમયે લૂંટફાટનો ઘણો ભય રહેતો. લોકો રાતના બહાર નીકળી શકતા નહીં. અહીં વારંવાર ડાકુ, લૂંટારાઓ લૂંટફાટ કરી લોકોને રંજાડતા. લોકોની સલામતી માટે સરકારે રાત્રે પોલીસનો બંદોબસ્ત કર્યો હતો. રોજ રાત્રે અને વહેલી સવારે એક-એક તોપ ફોડવામાં આવતી હતી. એ સમયે જળમાર્ગે જ મુંબઈ અવાતું. જમીન માર્ગનો કોઈ રસ્તો જ ન હતો. બહારગામથી આવતા લોકો બંદર પર ઊતરતા અને ત્યાંથી પાયધુની, ગુલાલવાડી કે જ્યાં લોકોનાં રહેઠાણો હતાં ત્યાં જતા. એક સમયે ચર્ચગેટ પાસેના દેવળ મહોલ્લામાં એક પવનચક્કી હતી. તેથી એ મેદાનનું નામ પવનચક્કી મેદાન પડ્યું હતું. અત્યારે જેને ઓવલ મેદાન કહે છે તે જ આ જગ્યા હતી. પવનચક્કીની ચારે બાજું વિશા‍ળ વૃક્ષો હતાં. અત્યારે ફાર્બસ કંપની છે ત્યાંથી એલ્ફિન્સ્ટન સર્કલ સુધી ભીંડીનાં ઝાડ હતાં. અન્ય વૃક્ષો પણ હતાં. મુંબઈના ગવર્નરનું રહેણાક કોટમાં જ રહેતું. કોટના દરવાજાથી ટંકશાળ સુધી બેઠી બાંધણીના બરાકો અને લશ્કરી અમલદારોને રહેવાનાં મકાનો હતાં. ફાર્બસ સ્ટ્રીટ, મેડોઝ સ્ટ્રીટ અને એપોલો સ્ટ્રીટ એ ત્રણે રસ્તાને રોકીને એ સમયે અહીં એક મોટું તળાવ હતું. તેની આજુબાજુ લીલીછમ હરિયાળી હતી. આવી સુંદર જગ્યા પર સાદડી કે શેતરંજી પાથરી મુંબઈના શેઠિયાઓ અને તેનો પરિવાર બેસીને અહીં કિલ્લોલ કરતા. આ તળાવ પુરાઈ ગયા પછી ત્યાં દાદી શેઠની મોટી હવેલી હતી. મુંબઈમાં એ સમયે પચાસ જેટલાં મોટાં તળાવો હતાં. તેમાં મમ્માદેવી તળાવ, ગોવાલિયા ટૅન્ક તળાવ, ગિલ્ડર તળાવ, ભૂલેશ્વર તળાવ, ધોબી તળાવ વગેરે મુખ્ય હતા. એ સમયે મુંબઈની ગટર વ્યવસ્થાની કોઈ કલ્પના પણ નહોતી. મુંબઈના રસ્તાઓ કાદવ-કીચડવાળા બની રહેતા. એ વખતે ટ્રામવે કે રેલવે નહોતી. અૅરોપ્લેનની તો કોઈ કલ્પના પણ નહોતી. માલસામાનની હેરાફેરી માટે બળદગાડાનો અને રેંકડાનો લોકો ઉપયોગ કરતા. મુંબઈમાં વીજળી કે ગૅસની કલ્પના પણ નહોતી. રાત્રે તેલના દીવાનો ઉપયોગ થતો. દરેક મહોલ્લામાં અંગ્રેજ સરકાર દ્વારા લાકડાના થાંભલા પર રાત્રે દીવા મુકાતા. મસાલ કે દીવા વિના રાત્રે બહાર નીકળવું દુષ્કર હતું. આમ ‘શેઠ મોતીશાહ’ ગ્રંથમાં બસો વર્ષ પૂર્વેના મુંબઈનું વર્ણન મળે છે. મુંબઈ વિશે બીજી પણ અનેક વાતો આ ગ્રંથમાં આલેખાઈ છે જે ક્યારેક અવસર આવ્યે અહીં પ્રસ્તુત કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK