Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચીની માલની હોળી કરવાના વેપારીઓના નિર્ધાર પર પોલીસે રેડ્યું ઠંડું પાણી

ચીની માલની હોળી કરવાના વેપારીઓના નિર્ધાર પર પોલીસે રેડ્યું ઠંડું પાણી

20 March, 2019 12:39 PM IST |
રોહિત પરીખ

ચીની માલની હોળી કરવાના વેપારીઓના નિર્ધાર પર પોલીસે રેડ્યું ઠંડું પાણી

મસ્જિદબંદરમાં ચીની માલનો વિરોધ કરી રહેલાં વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને પોલીસપરવાનગી ન મળતાં એક નાનકડી સગડીમાં ચીની માલની હોળી કરી રહેલા વેપારીઓ

મસ્જિદબંદરમાં ચીની માલનો વિરોધ કરી રહેલાં વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને પોલીસપરવાનગી ન મળતાં એક નાનકડી સગડીમાં ચીની માલની હોળી કરી રહેલા વેપારીઓ


દેશભરમાં ગઈ કાલે કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા (CAIT) તરફથી ૧૦૦થી વધુ સ્થળોએ ચીની માલની હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે મુંબઈ અને નવી મુંબઈનાં વેપારી સંગઠનોને આચારસંહિતાને કારણે પોલીસની પરવાનગી ન મળતાં આ સંગઠનોએ ફક્ત ચાઇના માલના બહિષ્કારના અને ભારત માતા કી જયના નારા લગાડીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે આજે હોળીના પવિત્ર દિવસે આ સંગઠનો ગલીએ-ગલીએ પ્રગટતી હોળીના સમયે ચીની માલની હોળી કરીને ચીનનો વિરોધ પ્રદર્શિત કરશે.

સૌથી નવાઈની વાત તો એ છે કે પોલીસે વેપારીઓને આપેલા ઇલેક્શન કમિશનરના પરિપત્રમાં જ ઇલેક્શન કમિશનર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ અરાજકીય કાર્યક્રમ સંસ્થા, સંઘટના, ટ્રસ્ટ, સોસાયટી, મંડળ, ક્લબનો હોય તો એને પોલીસ-સ્ટેશનને તેને પરવાનગી આપવા માટે ઇલેક્શન કમિશનરની પરવાનગી લેવાની જરૂર નથી. આમ છતાં મુંબઈ અને નવી મુંબઈનાં વેપારી સંગઠનોને આચારસંહિતાનાં બહાનાં હેઠળ પોલીસ તરફથી ચીની માલની હોળી કરવા માટે પરવાનગી આપવામાં આવી નહોતી.



ચીને યુનાઇટેડ નૅશન્સમાં વીટો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરતા રોકી દીધા બાદ આપણા દેશના વેપારીઓમાં ચીન સામે જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. ચીન દ્વારા પાકિસ્તાનને તેમ જ આતંકવાદને સીધો કે આડકતરો સાથ આપવામાં આવી રહ્યો હોવાની વેપારી સંગઠનો આશંકા દર્શાવી રહ્યાં છે. દેશભરનાં વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા CAIT તરફથી દેશભરના વેપારીઓને ચીની માલની હોળી કરવાની હાકલ કરવામાં આવી હતી જેને પરિણામે મુંબઈ અને નવી મુંબઈ સિવાય દેશનાં અનેક સ્થળોએ ચીની માલના બહિષ્કારના નારા લગાડીને વેપારીઓએ ચીની માલની હોળી કરી હતી.


અમે પણ મુંબઈના મસ્જિદબંદરમાં અને નવી મુંબઈના વાશીની APMC માર્કેટમાં ચીની માલની હોળીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ બાબતની માહિતી આપતાં CAITના નૅશનલ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમે મસ્જિદબંદરના ભાતબજારમાં સવારે ૧૦.૩૦ વાગ્યે ચીની માલના બહિષ્કારનો અને ચીની માલની હોળી કરવાના હતા, પરંતુ અમે પરવાનગી માટે જવાનો વિચાર કર્યો નહોતો, પણ અમારા કાર્યક્રમની માહિતી પાયધુની પોલીસ-સ્ટેશનને મળતાં તેમણે અમને ફોન કરીને પરવાનગી લેવા માટે કહ્યું હતું. અમે તેમના આદેશને માન આપીને પરવાનગી માટેની લેખિતમાં અરજી આપી હતી જેની સામે અમને પોલીસ તરફથી આચારસંહિતાને કારણે અમે તમને ચીની માલની હોળી કરવાની પરવાનગી આપવા અસમર્થ છીએ એમ જણાવવામાં આવ્યું હતું.’

અમને આ વાત સાંભળીને આંચકો લાગ્યો હતો એવી જાણકારી આપતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘આખરે અમે કોઈ પણ જાતનો વિવાદ કર્યા વગર ગઈ કાલે સવારે થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી વેલ્ફેર સંઘના અધ્યક્ષ સુરેશ ઠક્કર, CAITના જનરલ સેક્રેટરી મહેશ બખઈ, ખાદ્યતેલ વ્યાપારી અસોસિએશન-મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરુણ જૈન તથા અધ્યક્ષ શંકર ઠક્કર, CAIT મહારાષ્ટ્રના જૉઇન્ટ સેક્રેટરી અમરશી કારિયા, ધ બૉમ્બે લાઇટ ઍન્ડ સ્ટવ મર્ચન્ટ અસોસિએશનના જતીન દોશી, દામજી પાલન, ધ બૉમ્બ ગ્રેન ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી હસમુખભાઈએ સ્વદેશી અપનાવો-ચાઈના ભગાવો, ચાઈના ગો બૅક, વંદે માતરમ, ભારત માતા કી જય, વ્યાપારી એકતા ઝિંદાબાદ, શહીદ જવાન અમર રહો, ચાઇના કો ભગાના હૈ દેશ કો સશક્ત બનાના હૈના નારા લગાડીને એક નાનકડી સગડીમાં થોડાક ચીની માલની હોળી કરીને અમારો ચીન સામેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.’


અમે નવી મુંબઈમાં બપોરે બે વાગ્યે ચીની માલના બહિષ્કારનો અને હોળી કરવાનો વાશીની APMC માર્કેટમાં કાર્યક્રમ યોજ્યો હતો. આ સંદર્ભની માહિતી આપતાં CAITના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ APMC માર્કેટ પોલીસ તરફથી ચીની માલની હોળી કરવાની આચારસંહિતાનું બહાનું બતાવીને પરવાનગી આપી નહોતી. અમારા વેપારીઓએ સાંજ સુધી તેમની પરવાનગીની રાહ જોઈ હતી. છેલ્લે તેમને અમને ફક્ત ચીની માલનો વિરોધ કરવાની પરવાનગી આપી હતી જેને લીધે અમે પહેલાં પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને અને કેન્દ્રના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ ચીની માલનો વિરોધ કરતાં અને ભારત માતા કી જયના નારા લગાડીને અમારો ચીન સામેનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમે પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાનના માલનો બહિષ્કાર કરવાની પુન: હાકલ કરી હતી.’

અમારા ગઈ કાલના ચીનના વિરોધના પ્રદર્શનમાં કીર્તિ રાણાની સાથે APMC માર્કેટનાં વેપારી સંગઠનોના અગ્રણીઓ અરુણ ભીંડે, શંકર ઠક્કર, અમરસી કારિયા, દામજી પાલન, સુરેશ ઠક્કર, કાંતિલાલ ભટ્ટ, જયેશ શેઠ, દિવ્યેશ શાહ, જયેશ રાણા, ગોપાલજી પાલન, પ્રદીપ તન્ના, અમૃતલાલ પંડ્યા, અબ્દુલભાઈ સહિત અનેક વેપારીઓ, માથાડી કામગારો, ટ્રાન્સપોર્ટરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અમારો ચીનના વિરોધનો કાર્યક્રમ પૂરો થયા પછી અમને APMC

પોલીસ-સ્ટેશન તરફથી ઇલેક્શન કમિશનરનો પરિપત્ર આપવામાં આવ્યો હતો. આ બાબતની જાણકારી આપતાં કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘આ પરિપત્ર મળતાં જ અમને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટ છે કે પોલીસ કોઈ પણ સંસ્થા, સંઘટના, ટ્રસ્ટ, સોસાયટી, મંડળ, ક્લબને અરાજકીય કાર્યક્રમ માટે પરવાનગી આપી શકે છે. આથી અમે અમારાં બધાં જ વેપારી સંગઠનોને હાકલ કરી છે કે આજના હોળીના પવિત્ર દિવસે બધાં જ તેમના વિસ્તારોમાં હોળીની સાથે ચીની માલની હોળી કરીને તેમનો ચીની માલ માટેના વિરોધને આક્રોશ સાથે વ્યક્ત કરે.’

APMC પોલીસ શું કહે છે?

ગઈ કાલની ચીની માલની હોળીની પરવાનગીનો ઇનકાર કરવા બાબતે APMC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીષ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વેપારીઓને પરવાનગી માટે ઇલેક્શન કમિશનરનો સંપર્ક કરવા કહ્યું હતું. અમે વેપારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે તમે ચીની માલનો વિરોધ કરવા માટે જે કાર્યક્રમ યોજી રહ્યા છો એમાં કોઈ કારણસર કોઈ રાજકીય વ્યક્તિ જોડાય તો એનાથી આચારસંહિતાનો ભંગ થાય છે. આ સંજોગોમાં તમે થાણે લોકસભા મતદાર સંઘના સહાયક ચૂંટણી કમિશનરની પાસે જઈને પરવાનગી લઈ શકો છો. ત્યાર પછી વેપારીઓએ શું કર્યું એની મને ખબર નથી.’

આ પણ વાંચો : મુંબઈ: સોશિયલ મીડિયા પર પોલીસની નજર છે

આ બાબતની સ્પષ્ટતા માટે પાયધુની પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરનો સંપર્ક થયો નહોતો.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 12:39 PM IST | | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK