વેપારીઓને દંડ થાય છે, પણ પાલિકાના કર્મચારી કે પોલીસ માસ્ક નથી પહેરતા

Published: 29th November, 2020 07:15 IST | Rohit Parikh | Mumbai

ઝવેરીબજાર અને મુમ્બાદેવીમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાતો હોવાનું જણાયું: મુંબઈમાં જનતાને પરેશાન કરતો અજબ કારભાર

મુમ્બાદેવી મંદિરની બહાર માસ્ક વગર ફરજ બજાવતા પોલીસ.
મુમ્બાદેવી મંદિરની બહાર માસ્ક વગર ફરજ બજાવતા પોલીસ.

મુંબઈ મહાનગરપાલિકા જાહેર જગ્યાઓએ માસ્ક પહેર્યા વગર રોડ પર ફરતા લોકો પાસેથી ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરી રહી છે. જોકે ઝવેરીબજાર કે મુમ્બાદેવી મંદિરની આસપાસના વિસ્તારોમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ જ આ વિસ્તારમાં માસ્ક વગર કે દેખાવ પૂરતો જ માસ્ક પહેરીને ફરે છે, પણ મહાનગરપાલિકાના અધિકારીઓ અને દંડ વસૂલ કરી રહેલા કર્મચારીઓ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોવા છતાં તેઓ સામે આંખ આડા કાન કાન કરવામાં આવે છે એવી ફરિયાદ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ કરી રહ્યા છે. કાયદાના રક્ષકો જ કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડતા હોવાથી રહેવાસીઓમાં અને વેપારીઓમાં રોષ ફેલાયો છે. તેઓ કહે છે કે અમારી હાલત પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવી થઈ છે.

આ બાબતે માહિતી આપતાં ઝવેરીબજાર પાસે ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા આશિષ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડની સેકન્ડ વેવ આવી શકે છે એવી જોરદાર અફવા છે. એ જ સમયમાં અમારી આસપાસના વિસ્તારોમાં મહાનગરપાલિકાએ માસ્ક વગર ફરતા રાહદારીઓ અને દુકાનમાં માસ્ક વગર બિઝનેસ કરી રહેલા દુકાનદારો પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરી રહી છે. કોઈ વ્યક્તિએ માસ્ક બરાબર પહેર્યો ન હોય તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારોમાં જ પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ તેમ જ પોલીસ બિન્દાસ માસ્ક વગર ડ્યુટી કરે છે તેમની સામે કોઈ દંડ વસૂલ કરવામાં આવતો નથી. અમે તો આ બાબતે ફરિયાદ કરવા જઈશું તો એ લોકો અમને હેરાન કરશે એવો વેપારીઓને ભય લાગે છે.’

મહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડના એસડબ્લ્યુએમ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર સંજય ગવળીએ લોકોની ફરિયાદની સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જ્યારથી કોવિડના સમયમાં માસ્ક વગર ફરતી વ્યક્તિઓ પાસેથી દંડ ફટકારવાનો કાયદો આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં અમે શુક્રવાર સુધીમાં ૧૪,૭૫૦ લોકો પાસેથી ૩૩,૩૭,૯૦૦ રૂપિયા વસૂલ કર્યા છે. આ આંકડો વસૂલ કરવામાં અમે એટલે સફળ થયા છીએ, કારણ કે અમારા કર્મચારીઓ અને પોલીસ કાયદાનું પાલન કરે છે. નહીંતર અમારી ઑફિસમાં રોજ પબ્લિક અમારા કર્મચારીઓ અને પોલીસને પકડીને લઈ આવતી હોત કે તમારા પાલિકાના કર્મચારીઓ અને પોલીસ જ કાયદાનું પાલન કરતી નથી અને અમારી પાસેથી દંડ વસૂલ કરે છે. આજ સુધી એવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK