જોગેશ્વરીના સરસ્વતી બાગમાં આવેલા હંસા બિલ્ડિંગમાં રહેતા કાપડના વેપારીના ઘરમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી ગૂણી તેના જ બિલ્ડિંગનો સફાઈ-કર્મચારી ઉપાડી ગયો હતો. અંધેરી પોલીસને ચોરીની જાણ થતાં તેને શોધવા ખાસ ટીમ બનાવી હતી જેણે પાંચ રાજ્યોમાં પીછો કરીને આખરે ૨૧ વર્ષના અજય વાલ્મીકિને તેના વતન હરિયાણાના સોનીપતમાંથી ઝડપી લીધો હતો. એટલું જ નહીં, તેની પાસેથી ચોરેલી રકમમાંથી ૧૯.૦૫ લાખ રૂપિયા પાછા મેળવ્યા હતા. આ કાર્યવાહી બદલ વેપારીએ અંધેરી પોલીસનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.
વિદેશથી આવતા કાપડનો વેપાર કરતો ૩૩ વર્ષનો વિનય ત્રિપાઠી માલ સામે પેમેન્ટ કરવાનું હોવાથી ઘરમાં ઘણી વાર રોકડ રાખતો. ૮ ફેબ્રુઆરીએ તેણે પ્લાસ્ટિકની એક સફેદ ગૂણીમાં ૨૦ લાખ રૂપિયા લાવીને ઘરમાં રાખ્યા હતા. એ ગૂણી બહારની રૂમમાં રાખી હતી. ૯ ફેબ્રુઆરીએ બપોરે તેણે પેમેન્ટ કરવાનું હોવાથી પોતાના કર્મચારીને ઘરે એ ગૂણી લેવા મોકલ્યો હતો, પણ તે ઘરે ગયો ત્યારે ખબર પડી કે ગૂણી ઘરે નથી. વિનય ત્રિપાઠીનાં બાળકો નાનાં છે અને તેઓ બહાર પૅસેજમાં રમતાં હોય છે ત્યારે ઘરનો દરવાજો મોટા ભાગે ખુલ્લો હોય છે. એટલે એ દરમિયાન જ કોઈએ ૨૦ લાખ રૂપિયા ભરેલી ગૂણીની ચોરી કરી હોવી જોઈએ એવું તેનું માનવું હતું. આ સંદર્ભે તેણે અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
આ વિશે માહિતી આપતાં અંધેરી પોલીસ-સ્ટેશનના સિનિયર પીઆઇ વિજય બેલગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી અજય એ જ બિલ્ડિંગમાં સાફસફાઈનું કામ કરે છે. ઘરનો દરવાજો ખુલ્લો દેખાતાં તેણે એ ગૂણી ઉપાડી લીધી હતી. જ્યારે તેને ખબર પડી કે એમાં તો ઘણીબધી કૅશ છે ત્યારે તેણે મુંબઈ છોડી દીધું હતું. અમે સીસીટીવી ફુટેજ ચેક કર્યાં ત્યારે તે ગૂણી લઈ જતો નજરે ચડ્યો હતો. એથી અમે તેના વિશે માહિતી લેવાનું શરૂ કર્યું. તે એમઆઇડીસીની એક ઝૂંપડપટ્ટીમાં કોઈની સાથે ભાડે રહેતો હોવાની અમને જાણ થઈ એથી તરત જ અમારી એક ટીમ ત્યાં ગઈ હતી. જોકે અજય એ પહેલાં જ ત્યાંથી પોબારા ભણી ગયો હતો. અમને માહિતી મળ્યા મુજબ તે રાજસ્થાન જતી બસમાં નીકળ્યો હતો. એથી અમારી ટીમે એ બસનો પીછો કર્યો હતો. લાંબા અંતર સુધી ચેઝ કર્યા બાદ અમારી ટીમે ગુજરાતમાં બસ રોકી તો જાણવા મળ્યું કે તે તો વચ્ચે રસ્તામાં જ ક્યાંક ઊતરી ગયો હતો. ત્યાર બાદ અમે રાજસ્થાન ગયા, પરંતુ તે ત્યાં પણ નહોતો. આરોપીના કૉલ-રેકૉર્ડ્સના આધારે તે કોના-કોના સંપર્કમાં હતો એ જાણીને એના આધારે શોધ શરૂ કરવામાં આવી હતી. અમને મળેલી માહિતીના આધારે તેનાં સગાંઓને ત્યાં હરિયાણાના સોનીપતમાં અમારી ટીમ ગઈ. ત્યાંથી ખબર પડી કે તે દિલ્હીમાં તેના કોઈ સગાને ત્યાં છે. એથી અમારી ટીમ દિલ્હી ગઈ. તો એ સગાએ કહ્યું કે તે તો આવીને નીકળી ગયો છે. ત્યાર બાદ અમે હરિદ્વાર ગયા, પણ ત્યાંથીયે તે ભાગી ગયો હતો. ત્યાર બાદ નવી લિન્ક મળતાં અમારી ટીમ ફરી સોનીપત ગઈ. એ પછી અમે છટકું ગોઠવ્યું અને તેને સોનીપત બોલાવ્યો. એ છટકામાં તે બરોબર ફસાઈ ગયો. તેના સોનીપત આવતાં જ અમે તેની ધરપકડ કરી. એટલું જ નહીં, તેની પાસેથી ચોરાયેલી રકમમાંથી ૧૯.૦૫ લાખ રૂપિયા પણ પાછા મેળવ્યા હતા. આમ અમારી ટીમે તેનો સતત પીછો કરીને ભારે મહેનતથી તેને ઝડપ્યો હતો.’
શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 ISTઉદ્ધવ ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે
5th March, 2021 09:42 ISTસંજય રાઠોડનું રાજીનામું મંજૂર
5th March, 2021 09:42 IST